મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 1 જાન્યુઆરી 2018 (12:53 IST)

વિપક્ષના નેતાની પસંદગી માટે કૉંગ્રેસના ધારાસભ્યોની બેઠક બુધવારે મળશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૮૦ બેઠકો મેળવ્યા બાદ કૉંગ્રેસ દ્વારા વિધાનસભા વિપક્ષના નેતાના નામની પસંદગી માટેની કવાયત શરૂ કરી છે. આગામી તા. ૩જી જાન્યુઆરીને બુધવારે બપોરે ૩.૩૦ કલાકે કૉંગ્રેસના તમામ ધારાસભ્યોની બેઠક રાજીવ ગાંધી ભવન કૉંગ્રેસ કાર્યાલય ખાતે યોજાશે. આ બેઠકમાં પ્રદેશના પ્રભારી અશોક ગેહલોત નિરીક્ષક તરીકે હાજર રહીને ધારાસભ્યોનો મત જાણીને કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને અહેવાલ આપશે. ત્યાર બાદ વિધાનસભા વિપક્ષના નેતાના નામની જાહેરાત કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા પદ માટે કૉંગ્રેસ દ્વારા પરેશ ધાનાણી, કુંવરજી બાવળિયા, મોહનસિંહ રાઠવાના નામો ચર્ચામાં હોવાનું કહેવાય છે જેમાં યુવા નેતા હોવાના નાતે પરેશ ધાનાણીનું નામ મોખરે છે.

જ્યારે ધારાસભ્ય શૈલેષ પરમારને કૉંગ્રેસ પક્ષના દંડકનો હવાલો અપાશે. તથા કુંવરજી બાવળિયાને વિધાનસભા હિસાબ સમિતિના ચેરમેન બનાવવામાં આવે એવી શક્યતા છે, પણ કૉંગ્રેસના ધારાસભ્યો કોને વિપક્ષના નેતા બનાવવા માગે છે તે જાણવા માટે કૉંગ્રેસના તમામ ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી છે. તા. ૩જીને બુધવારે બપોરે ૩.૩૦ કલાકે કેન્દ્રીય નિરીક્ષક અશોક ગેહલોતની હાજરીમાં બેઠક મળશે. અને વિપક્ષના નેતાપદ માટે તમામ ધારાસભ્યોની સેન્સ લેવામાં આવસે. કૉંગ્રેસમાં કેટલાક પૂર્વ સાંસદો પણ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા છે. વિધાનસભામાં આક્રમક રીતે પ્રજાના પ્રશ્ર્નો રજૂ કરી શકે અને ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરી શકે તે માટે યુવાનેતા પર પસંદગીનો કળશ ઢોળાય તેવી શક્યતા છે.