શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 9 ફેબ્રુઆરી 2018 (17:14 IST)

અમેરિકાના ડોક્ટરોએ ત્રણ વખત મૃત જાહેર કરેલી યુવતીને સ્ટેમસેલથી જીવનદાન મળ્યું

અમેરિકા છોડીને મુંબઇમાં વસેલી 23 વર્ષની ગુજરાતી યુવતી દેશમાં દિવ્યાંગો અને વૃદ્ધોના અધિકાર માટે લડી રહી છે, પરંતુ આ યુવતીની અમેરિકાથી મુંબઇ સિફ્ટ થવાની સ્ટોરી રોચક અને પ્રેરણાદાયક છે. અમેરિકામાં તે બીમાર પડી હતી અને કોમામાં સરી પડી હતી. હોસ્પિટલે તેને ત્રણ વખત ક્લિનિકલી ડેથ જાહેર કરી દીધી હતી અને પછી અચાનક જ તે કોમામાંથી બહાર આવી ગઇ પણ તે સંપૂર્ણ અપંગ બની ગઇ હતી. જીવનમાં અચાનક આવેલો આ વળાંક આઘાતજનક હતો પણ તેણે આઘાતને પચાવી લીધો અને મુંબઇ આવીને પહેલાં પોતાને સ્વસ્થ કરી હવે દિવ્યાંગો અને વૃધ્ધોના અધિકાર માટે લડત ચલાવે છે.

આ યુવતીનું નામ છે વિરાલી મોદી. વિરાલી વડોદરા આવી હતી. વિરાલીએ કહ્યું હતું કે 'અમેરિકાના પેન્સિલવેનિયામાં હું રહેતી હતી. સપ્ટેમ્બર ૨૦૦૬માં હું અચાનક બીમાર પડી. ૨૩ દિવસ સુધી કોમામાં રહી. આ ૨૩ દિવસમાં ડોક્ટરોએ મને ૩ વખત ડેથ જાહેર કરી હતી. છેલ્લે જ્યારે ડેથ જાહેર કરી ત્યારે ૭ મિનિટ સુધી મારૃ હૃદય બંધ હતું હું લાઇફ સપોર્ટ સિસ્ટમ પર હતી. પણ ડોક્ટરોએ ડેથ જાહેર કરી તેના બીજા દિવસે મારો બર્થ ડે હતો. મારા માતા પિતાએ એક દિવસ લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવા વિનંતી કરી અને ૭ મિનિટ બાદ મારૃ હૃદય કામ કરતુ થઇ ગયુ. હું કોમામાંથી બહાર તો આવી ગઇ પણ સારવાર દરમિયાન મારી કરોડરજ્જુમાં આપેલા એક ઇન્જેક્શનના કારણે હું ગરદનથી નીચે સંપૂર્ણ અપંગ બની ગઇ હતી. અમેરિકામાં મારી અપંગતાનો કોઇ ઇલાજ ના થયો. ૨૦૦૮માં મને જાણવા મળ્યુ કે મુંબઇમાં સ્ટેમસેલ થેરાપીથી સારવાર થાય છે એટલે મુંબઇ આવીને સારવાર કરાવી હવે હું સ્વસ્થ છું મારા બે પગમાં તકલીફ છે એટલે વ્હિલચેરનો સહારો લેવો પડે છે' નિરાલી કહે છે કે 'મુંબઇ આવ્યા બાદ રેલવે સ્ટેશન પર, બસ ડેપો પર, હોટેલ, રેસ્ટોરન્ટ, મોલ-મલ્ટીપ્લેક્ષ, એરપોર્ટ તમામ સ્થળોએ અપંગો અને વૃધ્ધોને થતી મુશ્કેલીઓ જોઇને મને ખુબ દુઃખ થયુ. કેમ કે કોઇ સ્થળે રેમ્પ બનાવેલા હોતા નથી એટલે વ્હિલચેર સાથે જતા અપંગ અને વૃધ્ધોને ખુબ મુશ્કેલી વેઠવી પડે છે એટલે મે અમેરિકા પરત જવાના બદલે મે ભારતમાં જ રહેવાનો નિર્ણય કર્યો. અત્યારે મારી ઉમર ૨૬ વર્ષની છે અને દેશભરમાં વ્હિલચેર પર ફરીને જાહેર સ્થળોએ રેમ્પ બનાવા માટે અભિયાન ચલાવુ છું'