જાણો કેમ AIIMS મેળવવાની સ્પર્ધામાં રાજકોટ કરતા વડોદરા આગળ નીકળ્યુ?

Last Modified બુધવાર, 14 ફેબ્રુઆરી 2018 (16:42 IST)

મેડિકલ ક્ષેત્રે દેશની સર્વોચ્ચ સંસ્થા એઇમ્સ(ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયુટ ઓફ મેડિકલ સાયન્સીઝ)ની ગુજરાતમાં સ્થાપના માટે વડોદરા અને રાજકોટ વચ્ચેની સ્પર્ધામાં વડોદરાને ફાયદો થાય તેવી શક્યતાઓ વર્તાઇ છે. વડોદરા જિલ્લામાં પાદરા અને વાઘોડિયા તાલુકાના ચાર સ્થળે વિશાળ જમીનનો અભ્યાસ કર્યા બાદ આખરે બે સ્થળની જમીનને બાદ કરતા પાદરા તાલુકાના ચોકારી તેમજ વાઘોડિયા તાલુકાના બાકરોલ ગામની વિશાળ જમીન પર હાલ પુરતી પસંદગી ઉતારાઇ છે જો કે હજી સુધી એઇમ્સની સ્થાપના માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે દરેક રાજ્યમાં એઇમ્સની સ્થાપના કરવા માટે જાહેરાત કરવામાં આવ્યા બાદ ગુજરાતમાં પણ એઇમ્સની સ્થાપનાના મુદ્દે મેડિકલ ક્ષેત્રે સંકળાયેલા લોકોમાં હરખ વ્યાપ્યો હતો. રાજ્યમાં વડોદરા અને રાજકોટમાં એઇમ્સની સ્થાપના માટે જમીનો અંગેની વિગતો કેન્દ્રના હેલ્થ એન્ડ ફેમિલિ વેલફેર વિભાગ દ્વારા મંગાવવામાં આવી હતી જેમાં જાન્યુઆરી-2015માં પાદરા તાલુકાના ચોકારી, જાસપુર અને પાવડા ગામની વિશાળ જમીન તેમજ વાઘોડિયા તાલુકાના બાકરોલ ગામની જમીનની દરખાસ્ત મોકલવામાં આવી હતી. વર્ષ-૨૦૧૫માંજ એઇમ્સની ટીમે વડોદરા જિલ્લાના વિવિધ ખાતાના અધિકારીઓને સાથે રાખી પાદરા તાલુકાના ત્રણ ગામો તેમજ વાઘોડિયા તાલુકાના એક ગામની વિશાળ જમીનની મુલાકાત લઇ સર્વે કર્યો હતો. એઇમ્સની સ્થાપના માટે જમીન યોગ્ય છે કે નહી તે અંગે વિવિધ પાસાઓ અંગે સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી અને ટીમ દ્વારા એક રિપોર્ટ સરકારમાં મુક્યા બાદ વડોદરામાં એઇમ્સની સ્થાપના માટે પાદરા તાલુકાના ચોકારી ગામની ૩૫૩ હેક્ટર જમીન તેમજ વાઘોડિયા તાલુકાના બાકરોલ ગામની ૨૫૩ હેક્ટર જમીન યોગ્ય હોવાનું નક્કી થયુ હતું. ચોકારી અને બાકરોલ ગામની જમીન પર એઇમ્સની સ્થાપના માટે દિલ્હીથી પાંચ સભ્યોની એક ટીમ વર્ષ-૨૦૧૭ના અંતમાં આવી હતી આ પાંચ સભ્યોએ વડોદરાના વિવિધ વિભાગના અધિકારીઓ સાથે વિવિધ પાસાઓ અંગે ચર્ચા કરી હતી. વડોદરાને એઇમ્સ મળે તે માટે એક પ્રેઝન્ટેશન પણ રજુ કરાયુ હતું. વડોદરા જિલ્લામાં એઇમ્સની સ્થાપના માટેના છેલ્લા ઇન્સ્પેક્શન બાદ હવે જાહેરાતની રાહ જોવાઇ રહી છે.


આ પણ વાંચો :