શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 5 માર્ચ 2018 (17:05 IST)

વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢમાં ગાબડું, તાલુકા પ્રમુખ-ઉપપ્રમુખના રાજીનામાં

ગત વિધાનસભામાં કોંગ્રેસ ફરી બેઠી તો થઇ પરંતુ પોતાના આંતરિક જૂથવાદ પાર્ટી માટે માથાનો દૂખાવો બન્યો છે. વિપક્ષ નેતા બનવા માટે ટોચના નેતાઓ વચ્ચે વિખવાદ જગજાહેર થઇ ગયો હતો, તો હવે વિપક્ષ નેતાના ગઢમાં સ્થાનિક નેતાઓ હૈયાવરાળ કાઢી રહ્યાં છે. અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને ઉપપ્રમુખે અચાનક રાજીનામું આપી ચર્ચાનું કારણ બન્યા છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢમાં ફરી એકવાર ગાબડું પડ્યું છે, અગાઉ નગરપાલિકામાં હારનો સામનો કર્યા બાદ હવે આતંરિક વિખવાદને કારણે પાર્ટીએ ભોગવવાનો વારો આવ્યો છે. અહીં તાલુકા કોંગ્રેસ પ્રમુખ અરવિંદ કાછડિયાએ અચાનક રાજીનામું આપી દીધું છે. તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ દિલિપ બસિયાએ પણ રાજીનામું આપી દીધું છે. બંનેએ માત્ર અડધો કલાકના અંતરે રાજીનામાં ધરી દેતા ભારે ચર્ચા જાગી છે. સ્થાનિક ટોચના નેતાઓના રાજીનામા પાછળ વિપક્ષ નેતાની ગંદી રાજનીતિથી કંટાળી આ રાજીનામું આપ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે, અરવિંદ કાછડિયાએ પ્રદેશ કોંગ્રેસ તથા જિલ્લા કોંગ્રેસને મેઇલ કરી રાજીનામું મોકલી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં અમરેલી તાલુકા કોંગ્રેસમાંથી વધુ કેટલાક નારાજ નેતાઓ રાજીનામું આપી શકે છે.