મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 11 ઑગસ્ટ 2018 (12:50 IST)

બિસ્માર રસ્તાઓ અંગે મ્યુનિ. અધિકારીઓ વિરૂદ્ધ ફોજદારી કાર્યવાહી થશે

બિસ્માર રસ્તાઓ અને ટ્રાફિક મામલે થયેલી જાહેર હિતની અરજીમાં હાઈકોર્ટની જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ એ.વાય. કોગજેની ખંડપીઠે ચુકાદો આપ્યો છે કે ખરાબ રસ્તાઓ અંગે મ્યુનિસિપિલ અધિકારીઓની વ્યક્તિગત જવાબદારી રહેશે. તેમના વિરૂદ્ધ ખાતાકીય કાર્યવાહી તો થશે જ ઉપરાંત ફોજદારી એટલે કે ઇન્ડિયન પીનલ કોડ(આઈ.પી.સી.) મુજબ પણ કાર્યયવાહી કરવામાં આવશે. અત્યારે બિસ્માર રસ્તાઓ માટે જે જવાબદાર મ્યુનિસિપલ અધિકારીઓ વિરૂદ્ધ ખાતાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમાં ઝડપથી કાર્યવાહી કરવાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ આપવામાં આવ્યો છે. કોઈ રસ્તા કે પુલનું બાંધકામ કે રિસર્ફેસિંગ થયા પછી આસિસ્ટન્ટ સિટી એન્જિનિયર રસ્તાની ગુણવત્તાની ચકાસણી કરી કોન્ટ્રાક્ટરને સર્ટિફિકેટ આપે છે. આ સર્ટિફિકેટ મળ્યા પછી જ કોન્ટ્રાક્ટરને મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ટેન્ડરની રકમનું ચૂકવણું કરવામાં આવે છે. 
આ સર્ટિફિકેટ ફાળવવામાં જરાપણ ભ્રષ્ટાચાર ન થાય તેનું ધ્યાન રાખવાનું સૂચન હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યું છે. હાઈકોર્ટે ટકોર કરી છે કે ટી.પી.(ટાઉન પ્લાનિંગ) સ્કીમ ઝડપથી નિર્ધારિત કરવાની રહેશે કારણ કે લોકોને પાણી, વીજળી અને રસ્તા જેવી માળખાકીય સુવિધાઓથી વંચિત રાખી શકાય નહીં. ટેન્ડરમાં રસ્તાઓની ગુણવત્તા વિશે ખાસ નોંધ કરવામાં આવે તેવો નિર્દેશ પણ હાઈકોર્ટે કર્યો છે. ડિફેક્ટ લાયાબિલિટી પીરિયડ (એટલે કે રસ્તો ખરાબ નીકળે તો સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરની ગણવાનો સમયગાળો) ત્રણ વર્ષથી ઓછો ન રાખવામાં આવે. ટેલિફોન, બ્રોડબેન્ડ કે પાઈપલાઈન માટે રસ્તાઓના ખોદકામની મંજૂરીના નિયમો કડક બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે તેમજ ગમે તે સમયે કોર્પોરેશ આ મંજૂરી ન આપે. શહેરભરના રસ્તાઓની ડિઝાઈનનું ટેકનિકલ એનાલિસિસ હાથ ધરવાની સૂચના આપવામાં આવી છે અને જે જરૂર હોય તે રસ્તાની ફરી ડિઝાઈન કરવા જણાવવામાં આવ્યું છે. 
રસ્તાઓના બાંધકામ અને સમારકામ પર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને સિટી એન્જિનિયર સતત દેખરેખ રાખે તેવો આદેશ આપવામાં આવ્યો છે. ટેન્ડર મળ્યા બાદ કોન્ટ્રાક્ટર તરફથી અપાતી ડિપોઝીટ કે બેન્ક ગેરેન્ટીની રકમ વધુ રાખવા નિર્દેશ કરાયો છે. જેથી રસ્તાની ગુણવત્તા નબળી નીકળે તો આ રકમમાંથી જ જે રસ્તાનું સમારકામ થઈ શકે. ટ્રાફિકની સમસ્યા અંગે હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાર્કિંગ માટેની જગ્યામાં વધારો કરે અને જરૂર જણાય તો રાજ્ય સરકાર કોર્પોરેશનને આ સંદર્ભે નાણાંકીય સહાય પૂરી પાડે. ઉપરાંત નિર્દેશ આપવામાં આવ્યો છે કે જે ચાર રસ્તાઓ અને વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા વધારે છે ત્યાં સર્વે હાથ ધરવામાં આવે અને સુધારા-વધારા હાથ ધરવામાં આવે. ટ્રાફિક નિયમોના ભંગ બદલ વસૂલાયેલા દંડની રકમનો ઉપયોગ પબ્લિક ટ્રાન્સપોર્ટ અને પબ્લિક પાર્કિંગની વ્યવસ્થા માટે કરવામાં આવે. ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત જે લારી-ગલ્લાં હટાવવામાં આવ્યા છે તેમને આજીવિકા ન છીનવાઈ તે રીતે કોઈ નીતિ ઘડવા માટે નિર્દેશ કરાયો છે. 
ઉપરાંત કોઈને પણ જાહેર રસ્તાઓ પર પાર્કિંગ કરવાની કે વેચાણ કરવાની છૂટ ન આપવામાં આવે. કોર્પોરેશને રખડતા ઢોર મુદ્દે અત્યાર સુધીમાં કરેલી કામગીરીનો પણ ચુકાદામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં નોંધવામાં આવ્યું છે કે રખડતી ગાયોને પકડવા માટે કોર્પોરેશનની ટીમ ચોવીસ કલાક કામગીરી કરી રહી છે તેમજ તેના સ્ટાફની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં દિવસની ૫૦થી ૬૦ ગાયો પકડવામાં આવતી જ્યારે હવે દિવસમાં ૧૧૦ જેટલી ગાયો પકડવામાં આવે છે. ગાયના માલિકોને ફટકારાતની દંડની રકમ પણ રૂપિયા ૧૦૦૦માંથી રૂપિયા ૩૦૦૦ કરવાનો ઠરાવ પણ ગત સ્ટેન્ડિંગ કમિટીમાં પસાર કરવામાં આવ્યો છે. ઉપરાંત જરૂર લાગે તો દંડની રકમ વધારવાની ખાતરી પણ કોર્પોરેશને આપી છે. 
ગાયના તમામ માલિકો તેમની ગાયોને ટેગ લગાડવામા કોર્પોરેશનના અધિકારીઓને સહકાર આપે તેવો આદેશ કરાયો છે. જો કોઈ માલિકની ગાય એકથી વધુ વાર રઝળતી જણાય તો તેના માલિક વિરૂદ્ધ કાયદાની વિવિધ જોગવાઈ મુજબ કાર્યવાહી કરવાનો નિર્દેશ કરાયો છે. ગાયોને પકડતી વખતે જો કોઈ માલિક અડચણરૂપ બને તો તેના વિરૂદ્ધ કડકથી કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ અપાયો છે કારણ કે લોકહિતમાં સરકાર તરફથી થતી કાર્યવાહીમાં અડચણરૂપ બનવાનો કોઈને અધિકાર નથી. અમદાવાદની બહારના વિસ્તારોમાં આવેલી બિનઉપયોગી સરકારી જમીનની ઓળખ કામગીરી હાથ ધરાવનો આદેશ કોર્પોરેશન તેમજ રાજ્ય સરકારને અપાયો છે. જેથી આ જમીનોમાં ગાયના માલિકોને વિસ્થાપિત કરવાની કામગીરી હાથ ધરી શકાય.