શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 27 ફેબ્રુઆરી 2018 (12:36 IST)

પાટીદારોના મુદ્દા કેમ કોઈ નથી ઉઠાવતું - હાર્દિક પટેલ

પાટીદાર નેતા હાર્દિક પટેલે કોંગ્રેસ અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી સામે વાંધો ઉઠાવ્યો છે. હાર્દિકે જણાવ્યું છે કે, છેલ્લા પાંચ દિવસથી વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, અને તેમાં દલિત આત્મવિલોપનનો મુદ્દો વારંવાર ઉઠી રહ્યો છે, પણ છેલ્લા અઢી વર્ષથી ચાલતા પાટીદાર અનામત આંદોલનમાં શહીદ થયેલા 14 પાટીદાર યુવાનો અને નિર્દોષ લોકો પર થયેલા રાજદ્રોહના ખોટા કેસનો મુદ્દો કેમ કોંગ્રેસના કોઈ ધારાસભ્ય નથી ઉઠાવતા?હાર્દિક જણાવ્યું છે કે, દલિતોનો પ્રશ્ન વિધાનસભામાં ઉઠાવવો સારી બાબત છે, અને તે ઉઠવો પણ જોઈએ. પરંતુ પાટીદારોના પ્રશ્ન પર વિપક્ષ નેતા પરેશ ધાનાણી કેમ ચૂપ છે?

હાર્દિકે એવો આક્ષેપ પણ કર્યો છે કે, પાટીદાર સમાજ પર થયેલા અમાનવીય અત્યાચાર બાબતે કોંગ્રેસ પાર્ટી વિધાનસભામાં ચૂપ જ રહેવા માગતી હોય તેમ લાગે છે. હાર્દિકે આ મામલે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ‘આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા’ જેવું ભાજપ અને કોંગ્રેસનું કામકાજ હોવાનો પણ આક્ષેપ કર્યો છે.હાર્દિકે એમ પણ કહ્યું છે કે, પરેશ ધાનણી જેવા યુવા નેતા વિપક્ષ નેતા બનવાથી જનતાને ફાયદો થશે તેમ અમને લાગતું હતું, પરંતુ જનતાના મુદ્દા ન ઉઠવાથી જનતાના વિશ્વાસ પર પાણી ફરી રહ્યું છે. આજે મજબૂત વિપક્ષ હોવા છતાંય જો જનતાને નિરાશ થવું પડે તો પછી તેની પાસે બીજો શું વિકલ્પ રહે છે?ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણી વખતે હાર્દિકે કોંગ્રેસને ખુલ્લો ટેકો આપ્યો હતો, અને પાટીદારોને કોંગ્રેસને મત આપવા અપીલ પણ કરી હતી. એટલું જ નહીં, પરેશ ધાનણીને કોંગ્રેસ સીએમ કેન્ડિડેટ તરીકે પ્રોજેક્ટ કરે તેવી પણ હાર્દિકે માગ કરી હતી. તો બીજી તરફ, તાજેતરમાં જ હાર્દિકે રાહુલ ગાંધીને પોતાના નેતા માનવાનો ઈનકાર કરી પ્રિયંકા ગાંધીએ રાજકારણમાં આવવું જોઈએ તેવો મત પણ વ્યક્ત કર્યો હતો.