બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 28 ઑગસ્ટ 2017 (17:22 IST)

ગુજરાતમાં ઠેરઠેર ભારે પવન સાથે વરસાદ ખાબક્યો, રસ્તા પર પાણી ભરાઈ ગયાં

અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં સોમવારે બપોરે તોફાની પવન અને વાદળોના ગડગડાટ વચ્ચે વરસાદ પડવાનું શરૂ થઈ ગયું હતું. વરસાદ એટલો પૂરજોરમાં પડ્યો હતો કે, ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. શહેરના પૂર્વમાં વસ્ત્રાલ, નરોડા, નારોલ, રખિયાલ, બાપુનગર, ઓઢવ, સીટીએમ તેમજ કોટ વિસ્તાર અને પશ્વિમમાં પાલડી, આશ્રમ રોડ, નારણપુરા, રાણીપ, ઘાટલોડિયા, એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.  શહેરના જમાલપુર, પાલડી, અંજલિ, વાસણા, ગોમતીપુર, ગીતામંદિર સહિતના વિસ્તારોમાં તો ભારે વરસાદને પગલે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી.હવામાન ખાતા દ્વારા 5 દિવસ તોફાની પવન સાથે ભારે વરસાદની આગાહીને પગલે સુરતમાં સોમવાર સવારથી જ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે શહેરના અનેક રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્દશ્યો જોવા મળ્યા હતા.

આ ઉપરાંત નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.સુરત રેલવે સ્ટેશન પર આવેલા સબવેમાં પાણી ભરાઈ જતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સબવેમાં પાણી ભરાયા બાદ રેલવેએ સફાઈ કામદારો લગાવી તેને દૂર કરવા માટે પ્રયત્ન કરી રહી છે. રવિવારે સાંજે અમરેલી જિલ્લામાં કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ વરસાદમાં વીજળી પડવાને કારણે અમરેલીના ગાજેપરા ગામના રહેવાસી વિક્રમ થળેસાનું મોત નિપજ્યું હતું.ગઈકાલે અમરેલી જિલ્લાના મેનકા ગામ નજીક સાવરકુંડલા અને અન્ય અંતરિયાળ ગામડાઓમાં માત્ર બે કલાકમાં 60mm વરસાદ વરસ્યો હતો. અનેક નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. ઘણાં લોકોના તો ઘરમાં પણ પાણી ઘુસી ગયા હતા. આ સિવાય ધરમપુરમાં NDRFની ટીમને એક 37 વર્ષીય વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો, જે વલસાડની ઔરંગા નદીમાં વહી આવ્યો હતો. આ યુવકની ઓળખ ધર્મેશ પટેલ તરીકે થઈ છે. તે ધરમપુર નજીક રહેતો હતો અને ઔરંગાના એક નીચાણવાળા બ્રિજને ક્રોસ કરીને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો. તેને બચાવવા માટે શનિવારના રોજ NDRFની છઠ્ઠી ટીમને બોલાવવામાં આવી હતી અને તેનો મૃતદેહ રવિવારના રોજ મળી આવ્યો હતો.ધરમપુર અને અન્ય વિસ્તારોમાં શનિવારના રોજ માત્ર 3 કલાકમાં 150mm વરસાદ વરસ્યો હતો. આ વરસાદના કારણે નદીઓમાં પાણી છલકાયા હતા. આ સિવાય વડોદરામાં પણ શનિવાર અને રવિવારે વરસાદ જોવા મળ્યો હતો જેના કારણે પાણી ભરાવવાની અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી.