મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 20 માર્ચ 2018 (15:05 IST)

સમ્રાટ અશોકના શિલાલેખને 3 વર્ષથી પ્રવાસીઓ જોઈ શકતા નથી

જૂનાગઢના ગિરનાર રોડ પર આવેલા અશોક શિલાલેખના નવા બિલ્ડીંગનું નિર્માણ થતા ગત ફેબુ્ર. માસમાં મહાશિવરાત્રી મેળા પૂર્વે શિલાલેખના બિલ્ડીંગના ઉદ્ધાટનનું નાટક થયું હતું. પરંતુ ત્યારબાદ ફરી આ પ્રાચીન શિલાલેખના બિલ્ડીંગને બંધ કરી દેવાયો છે. આમ પ્રવાસનને વેગ આપવાની માત્ર વાતો જ થઇ રહી છે. જૂનાગઢનો અશોક શિલાલેખ દેશના પ્રાચીન શિલાલેખ પૈકીનો એક છે. ત્રણેક વર્ષ પૂર્વે આ શિલાલેખની છત તથા દિવાલ ધરાશાયી થઇ ગઇ હતી.જેથી શિલાલેખની મુલાકાત બંધ કરવામાં આવી હતી. તે વખતના કલેકટરે દિવાલ તથા છતનું તાકિદે કામ કરી મુલાકાતીઓ માટે ખુલ્લો મુકવા પુરાતત્વ વિભાગને તાકિદે કરી હતી. પરંતુ ત્રણ વર્ષ કરતા વધુ સમય વીતી ગયો છે.

પુરાતત્વ વિભાગ કલેકટરની તાકિદને પણ ધોળીને પી ગયું હોય તેમ હજું સુધી શિલાલેખ મુલાકાતીઓ માટે ખુલ્લો મુકાયો નથી. ગત ફેબુ્ર. માસમાં મહાશિવરાત્રી મેળામાં મુખ્યમંત્રી આવવાના હોવાથી શિલાલેખ બિલ્ડીંગનું ઉદ્ધાટન કરી નાખવામાં આવ્યું હતું. અને ત્યારબાદ બંધ કરી દીધો હતો. ત્યારે થોડુ કામ બાકી હોવાથી એક સપ્તાહમાં પર્યટકો માટે શિલાલેખ ખુલ્લો મુકાશે તેવું જણાવાયું હતું. પરંતુ તેના પણ દોઢેક માસ થઇ ગયો છતાં હજુ સુધી બંધ છે. આ પરથી ત્યારે થયેલું ઉદ્ધાટન માત્ર નાટક હોવાની ચર્ચા થઇ રહી છે. રાજ્ય તથા કેન્દ્ર સરકાર પ્રવાસનને વેગ આપવાની વાતોના વડા કરે છે. પરંતુ જુનાગઢમાં આવા પ્રાચીન સ્થળોની યોગ્ય જાણવણી થતી નથી. અને કોઇ નુકસાન થાય તો તેની મરામત કરવા પાછળ વર્ષો કાઢી નાખવામાં આવે છે.