મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 17 ઑગસ્ટ 2017 (13:27 IST)

ગુજરાતમાં Swine Flu બેકાબૂ, ૪ કરોડ લોકોનું સર્વેલન્સ કરાયુ

ગુજરાતમાં સ્વાઇન ફ્લૂએ હાહાકાર મચાવ્યો છે. બે દિવસ દરમિયાન જ રાજ્યભરમાં ૧૯ જણાં સ્વાઇન ફ્લૂને લીધે મૃત્યુ પામ્યા છે. ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો મૃત્યુઆંક ૨૨૦ થયો છે. સ્વાઇન ફ્લૂ વકર્યો છે ત્યારે હવે રાજ્ય સરકાર સફાળી જાગી છે.  અમદાવાદમાં માત્ર ૨૪ કલાકમાં સ્વાઇન ફ્લૂના ૯૧ કેસો નોંધાયા હતાં. આખીય સિઝનમાં સ્વાઇન ફ્લૂના સૌથી વધુ કેસો નોંધાયા હોય તેવી આ પ્રથમ ઘટના બની છે. અમદાવાદમાં બે દિવસમાં સ્વાઇન ફ્લૂ પિડીત ૭ દર્દીઓના મોત થયા હતાં. જે રીતે સ્વાઇન ફ્લૂના કેસો વધી રહ્યાં છે તે જોતાં લાગી રહ્યું છેકે, રોગચાળો કાબૂમાં લેવામા અમદાવાદ મ્યુનિ.આરોગ્ય તંત્ર નિષ્ફળ નિવડયું છે.

અમદાવાદમાં ૧૫મી ઓગષ્ટના દિવસે ય સ્વાઇન ફ્લૂના ૫૫ કેસો નોંધાયા હતાં. બે જ દિવસમાં ૧૪૫ કેસો નોધાતા મ્યુનિ.આરોગ્ય તંત્ર દોડતુ થયું છે. સ્વાઇન ફ્લૂએ માઝા મૂકી છે ત્યારે અમદાવાદ મ્યુનિ.આરોગ્ય તંત્રે એવો દાવો કર્યો છે કે, હોમ ટુ હોમ સર્વેલન્સ શરૃ કરાયુ છે. ફિવર ડિટેક્શન માટે યુધ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. અમદાવાદમાં જ નહીં, રાજ્યમાં ૨૦ જિલ્લામાં સ્વાઇન ફ્લૂએ દેખા દીધી છે. વડોદરા, સુરત,કચ્છ,બનાસકાંઠા,ગીર સોમનાથ,ભાવનગર,અરવલ્લી સહિતના જિલ્લામાં બે દિવસમાં કુલ મળીને ૩૪૧ કેસો નોંધાયા છે.  ૧૫મી ઓગષ્ટ સ્વાઇન ફ્લૂને લીધે સાતના મોત નિપજ્યા હતાં. જયારે મંગળવારે વધુ ૧૨ના મોત થયા હતાં. આમ, બે દિવસમાં સ્વાઇન ફ્લૂના કુલ ૧૯ દર્દીઓ મોતને ભેટયા હતાં. અત્યારે ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના કુલ કેસોની સંખ્યા ૨૦૯૫ થઇ છે. જયારે ૧૧૨૯ દર્દીઓ હજુયે વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યાં છે. સરકારે એવો દાવો કર્યો છે કે,૭૪૬ દર્દીઓ સારવાર લઇને સ્વસ્થ થઇ ઘેર પહોંચ્યા છે.  ખુદ રાજ્ય આરોગ્ય વિભાગે દાવો કર્યો છેકે, લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે વિના મૂલ્યે આર્યુવેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. રાજ્ય આરોગ્ય વિભાગે એવો દાવો કર્યો કે, સ્વાઇન ફ્લૂને પગલે ગુજરાતભરમાં આરોગ્ય કર્મીઓની ૧૭ હજાર જેટલી ટીમો કામે લાગી છે.૪૩ હજાર આશા વર્કરો પણ આ ઝુંબેશમાં જોડાઇ છે. ઘેર ઘેર જઇને ફિવર ડિટેક્શનની કામગીરી ચાલી રહી છે જેમાં અત્યાર સુધીમાં ૪ કરોડ લોકોનું સર્વેલન્સ કરાયુ છે. હવે બીજા તબક્કામાં વધુ ૨ કરોડ લોકોનું સર્વેલન્સ કરવામાં આવનાર છે. સ્વાઇન ફ્લૂના ટેસ્ટ માટે અમદાવાદ સિવિલ ઉપરાંત અન્ય છ શહેરોની મેડિકલ કોલેજ અને બે ખાનગી લેબોરેટરીમાં વિનામૂલ્યે ટેસ્ટ કરવાની સુવિધા ગોઠવવામાં આવી છે. 

અમદાવાદમાં સિવિલમાં હાલમાં ૬૯ દર્દીઓ સ્વાઇન ફ્લૂની સારવાર લઇ રહ્યાં છે.  પત્રકાર પરિષદમાં સિવિલના નિષ્ણાત તબીબોએ સ્વાઇન ફ્લૂના વધતા જતા મૃત્યુઆંક પાછળ દર્દીઓને જ જવાબદાર ઠેરવ્યા હતાં. તેમનુ કહેવુ હતું કે, સ્વાઇન ફ્લૂના દર્દીઓ મોડે રહી રહીને હોસ્પિટલ પહોંચે છે એટલે મૃત્યુ પામે છે. લોકોમાં જનજાગૃતિ જ નથી. અમદાવાદમાં સિવિલમાં સ્વાઇન ફ્લૂના દર્દીઓનો મૃત્યુઆંક ૩૦ સુધી પહોંચ્યો છે. અહીં વધારાનાં ત્રણ વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે.