ડાંગમાં બે બચ્ચા સહિત દેખાયો વાઘ, સામાજિક સંસ્થાના રીપોર્ટમાં ખુલાસો થયો

tiger
Last Modified મંગળવાર, 30 જાન્યુઆરી 2018 (12:03 IST)

ગુજરાતમાં એશિયાટિક સિંહ માટે ગીરનું અભયારણ જાણિતું છે પણ હવે ગુજરાતમાં વાઘ હોવાની વાતે ચર્ચાઓ જગાવી છે. ગુજરાતમાં વાઘની વસતી ગણતરી ફેબ્રુઆરીમાં શરુ થવાની છે, પણ ટાઈગર કન્ઝર્વેશન ફાઉન્ડેશન માટે કામ કરતા એક NGOએ ગયા અઠવાડિયે પોતાનો એક સર્વે કર્યો હતો, અને તે સર્વે પ્રમાણે, દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં એક વાઘ, વાઘણ અને બે બચ્ચા હોવાની શક્યતા વ્યક્ત કરી છે.

આ સર્વે અને સ્થાનિક લોકોના સ્ટેટમેન્ટને PCCF ગુજરાત અને નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી(NTCA)ને મોકલવામાં આવ્યા છે. ફાઉન્ડેશનના ચેરમેન જલ્પેશ મેહતાએ કહ્યું હતું કે, સ્થાનિકોના જણાવ્યા અનુસાર પાછલા દોઢ વર્ષમાં વાઘ દેખાવાનું પ્રમાણ ઘણું વધી ગયું છે.
બે વર્ષ પહેલા વાઘ દેખાયા હોય તેવી કોઈ ઘટનાનો ઉલ્લેખ નહોતો થતો. જો કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આ રિપોર્ટ પર શંકા હોય તેમ લાગી રહ્યું છે. મુખ્ય ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ જી.કે.સિન્હા જણાવે છે કે, અમે NTCAને રિક્વેસ્ટ કરી છે કે ફેબ્રુઆરીમાં વાઘની વસતીગણતરી કરવામાં આવે. આ ગણતરીના રિપોર્ટ પછી જ વાઘના ગુજરાતમાં અસ્તિત્વની સાચી માહિતી મળી શકશે. NGOના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, સ્થાનિકોએ 3 પ્રાણીઓને જોયા હતા અને તેમને વિશ્વાસ છે કે તે વાઘ જ હતા. અમુક સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ઘણાં સમય પહેલાથી જ આ વિસ્તારમાં વાઘ ઉપસ્થિત છે.


આ પણ વાંચો :