ગુજરાતમાં ગેરકાયદે રીતે સંસદીય સચિવોની નિમણૂકો માટે તૈયારી ચાલી રહી છે - શક્તિસિંહ ગોહિલ

shakti singh gohil
Last Modified સોમવાર, 29 જાન્યુઆરી 2018 (15:53 IST)

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા અને ગુજરાતનાં દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલે રાજ્યપાલ ઓ. પી. કોહલીને એક પત્ર લખ્યો છે. જેમાં જણાવાયું છે કે, પ્રજાના પૈસે મંત્રીઓ જેવી સુવિધાઓ અને પગાર આપીને ગુજરાતની ભાજપ સરકાર સંસદીય સચિવો બનાવવાની હતી . પરંતુ સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ ચૂકાદો આપ્યો છે કે સંસદીય સચિવોની નિમણૂંક ગેરબંધારણીય છે.

સંસદીય સચિવોની નિમણૂંક કરતો કાયદો બનાવવાની સત્તા પણ રાજ્ય સરકારો પાસે નથી. આમ છતાં ગુજરાતમાં ગેરકાયદે રીતે સંસદીય સચિવોની નિમણૂંક માટેની તૈયારી ચાલી રહી છે. આ પત્રમાં જણાવ્યું છે કે, બંધારણની જોગવાઈઓ મુજબ કોઈપણ રાજ્યમાં મંત્રીમંડળનું કદ તેની કુલ સભ્યોનાં ૧૫ ટકાથી વધારે હોઈ શકે નહીં. ગુજરાતનાં મુખ્યમંત્રીએ અનેક ખાતાઓ પોતાનાં હસ્તક રાખ્યા છે. સત્તાધારી પક્ષમાં મંત્રીમંડળમાં સામેલ થવા માટે અનેક વિવાદો ચાલી રહ્યા છે. એટલું જ નહીં સુપ્રીમનાં ચુકાદાની જાણ હોવા છતાં મુખ્યમંત્રી પક્ષની અંદરનાં અસંતોષને ડામવા માટે સંસદીય સચિવોની ખુબ મોટા પાયે લ્હાણી કરવાની વાતો કરી રહ્યા છે. આવી નિમણૂંકો બંધારણની વિરૃદ્ધ અને સુપ્રીમનાં ચૂકાદાથી વિરૃદ્ધ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ ગણાય. ગુજરાતાં અનેક સીનિયર અને પ્રામાણિક ધારાસભ્યો મંત્રીમંડળમાં નથી. ભૌગોલિક સંતુલન કે જ્ઞાાતિગત સંતુલન પણ મંત્રીમંડળમાં નથી. આવી સ્થિતિમાં રાજકીય કારણોસર ગેરબંધારણીય રીતે સંસદીય સચિવોની નિમણૂંક ન થાય તેની કાળજી લેવાની આપની બંધારણીય બડા તરીકેની ફરજ છે. પક્ષનાં અંતમાં લખ્યું છે કે સરકારનો વહિવટ આપના (રાજ્યપાલ) હુકમ અને સહીથી આદેશાત્મક બનતો હોય છે. આથી સંસદીય સચિવોની નિમણૂંક અંગેની પેરવીમાં આપની સહી કે નામનો ઉપયોગ ન થાય તે પણ આવશ્યક છે. કારણ કે બંધારણીય જોગવાઈઓ તેમજ સુપ્રીમ કોર્ટનાં હુકમનું પાલન કરવા અને કરાવવા માટે આપ આપની ફરજોથી બંધાયેલા છો


આ પણ વાંચો :