શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 9 એપ્રિલ 2018 (12:46 IST)

માનનીય સીએમ રૂપાણી સાહેબ, ખેડૂત પાણી વિના તરસ્યો છે અને તમે વોટરપાર્કનું ઉદ્ઘાટન કરો છો?

એક તરફ વિજય રૂપાણી અને નીતિન પટેલ ખેડૂતોને કહે છે કે ખેતી માટે પાણી મળશે નહીં, પણ  જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પોતે સંવેદનશીલ હોવાનો દાવો કરતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આજે રવિવારે આણંદમાં તૈયાર થયેલા દેશના સૌથી વિશાળ વોટર પાર્કનું ઉદઘાટન કર્યુ. જ્યાં વોટર પાર્ક થયો તેની આસપાસના ખેડૂતોએ રવિવારે સવારે તેમની ખેતીને પાણી મળતુ નથી તેવી ફરિયાદ કરી તો પોલીસે તેમની અટકાયત કરી લીધી. આ ઉપરાંત આણંદ કલેક્ટર ખુદ કહે છે કે વોટરપાર્કના નિર્માતાઓ દ્વારા સરેઆમ કાયદોનો ભંગ થયો છે.

આવી સ્થિતિમાં વિજય રૂપાણી અને રાજેન્દ્ર ત્રિવેદીને ઉદઘાટનમાં જતા જરા પણ સંકોચ થયો ન્હોતો. મુખ્યમંત્રી પદે જ્યારે નરેન્દ્ર મોદી હતા ત્યારે તેઓ આવા કોઈપણ જાહે સમારંભમાં જતા પહેલા તેની કાયદેસરતા અને તેના થનાર અર્થઘટનનો અભ્યાસ કરી જતા હતા પણ વિજય રૂપાણીએ તો પોતાની તો ઠીક પણ ભાજપની આબરૂ પણ ગીરવે મુકી દીધી હોય તેમ ઉનાળામાં પાણીની તંગી વચ્ચે લોકો ધુબાકા મારે તેવા વોટર પાર્કનું ઉદધાટન કરે છે.  વોટર પાર્ક થાય તેની સામે કોઈને કશો જ વાંધો હોઈ શકે નહીં, સવાલ માત્ર ટાઈમીંગનો છે. જ્યારે રાજયના લાખો લોકોને પીવાનું પાણી મળતુ નથી ત્યારે જલસા કરવા માટે વોટર પાર્ક શરૂ કરવો અને તેનું ઉદ્દઘાટન કરવુ બંને નિર્લજાતાની પરાકાષ્ટા છે. ભાજપ સરકારનો દંભ છતો થયો છે તેવુ નથી.

ગુજરાતનું એક અખબાર છેલ્લા કેટલાંક દિવસથી જળ સંચયની જાહેર ખબર કરી રહ્યુ છે. પાણીનો બગાડ કરનારને રોકવા માટે જળશ્રીકૃષ્ણ કહેવાની શરૂઆત કરી છે. આ અખબાર લોક જાગૃતિનું કામ કરે તે સારી વસ્તુ છે કારણ તે પણ પત્રકારત્વ છે. આ અખબારે સરકારી અને ખાનગી સંસ્થાઓમાં જઈ પાણીનો બગાડ અટકાવવા માટે ખાસ્સુ કામ કર્યુ પણ પાણીના મુદ્દે તેઓ ભાજપ સરકાર જેવા કેટલાં ખોખલા છે તેનું ઉદાહરણ સામે આવ્યુ છે. નર્મદા કેનાલ સહિતના જળસ્ત્રોતોમાંથી ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે પણ પાણી ન લે તે માટે એસઆરપી ગોઠવી દીધી છે અને ચેકિંગના નામે પાણી લેતા ખેડૂતોને પાણી ચોર કહી કાયદેસરની કાર્યવાહી કરે છે. જે ખેડૂતને તે ચોર કહે છે તે ખેડૂત માત્ર પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે પાણી લેતો હોય છે. જ્યારે આવા વોટરપાર્ક માત્ર મોજમસ્તી માટે શરુ થતા હોવા છતાં રૂપાણીને એ સજ્જન લાગે છે.

આ જ રૂપાણી ખેડૂતોને ઉનાળામાં પાણી નથી તેમ કહી ખેતી ન કરવાનું કહે છે પરંતુ પાણીની સમસ્યા છે તેથી વોટરપાર્ક શરુ ન કરો તેમ કહેવાને બદલે ઉદ્ધાટનમાં પહોંચી જાય છે.