બેટ-દ્વારકાની ફેરી બોટમાં પાણી ભરાતા જીવ બચાવવા અફરાતફરી
બેટ દ્વારકા ભગવાન દ્વારકાધીશનું નિવાસસ્થાન હોય દર વર્ષે આ ટાપુ પર લાખો શ્રદ્ધાળુઓ ઓખા- બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટનો ઉપયોગ કરી દર્શનાર્થે આવાગમન કરતાં હોય છે. આ ફેરીબોટ નિયમો મુજબ વધુમાં વધુ પેસેન્જર કરતાં લગભગ દરેક ટ્રીપમાં ઓવરક્રાઉડેડ પેસેન્જરો તંત્રની મીઠી નજર તળે ભરવામાં આવે છે. વળી આવી દરેક બોટમાં લાઈફ જેકેટ પણ હોતાં નથી કે હોય છે તે અપૂરતા હોય છે અને યાત્રીકોને તે પહેરાવવામાં આવતાં નથી.
આ સમગ્ર ગતિવિધિ તંત્રની મીઠી નજર તળે ચાલતી હોય જેનો ભોગ બનતાં આજે અનેક યાત્રિકો સ્હેજમાં બચી જવા પામ્યાં હતાં. દિવાળી વેકેશન અને રવિવાર હોય યાત્રાળુઓની ભીડમાં ઓખાથી બેટ દ્વારકા વચ્ચે નિયમ વિરૃદ્ધની અને તંત્ર દ્વારા નિમાયેલા ગાર્ડની હાજરીમાં ઓવરક્રાઉડેડ 'અલ જાવિદ' નામની બોટમાં કેપેસેટીથી વધુ પેસેન્જરો ભરવામાં આવતાં બોટમાં પાણી ભરાવા લાગ્યા હતા. લાઈફ જેકેટ વગર જ પેસેન્જરોને બેસાડવામાં આવેલ હોય અને ઓખા- બેટ દ્વારકા વચ્ચેનો દરીયો ઉંડો અને જોખમી દરીયા કિનારામાંનો ગણાતો હોવા છતાં કોઈ સુવિધાના અભાવે બોટમાં પાણી ભરાવાથી યાત્રીકોમાં ગભરાટ અને તફડાતફડી મચી જવા પામી હતી. તંત્રના જવાબદારોની હાજરીમાં થયેલી આ ઘટનામાં તંત્ર કોઈ મદદ કરે તે પહેલાં બાજુમાં પસાર થતી બોટના સંચાલકે સમય સૂચકતા દાખવતાં અને ડૂબી રહેલ ફેરી બોટના પેસેન્જરોને પોતાની બોટમાં તત્કાળ લઈ લેતાં સેંકડો યાત્રીકોનો જીવ બચ્યો હતો અને મોટી હોનારત થતાં સ્હેજમાં બચી ગઈ હતી. અલબત આ ઘટનાના પગલે બોટના સંચાલકો તેમજ ગુજરાત મેરીટાઈમ બોર્ડ પ્રત્યે શ્રદ્ધાળુ ભાવિકોમાં રોષની લાગણી ફેલાઈ હતી. દર વર્ષે તહેવારો અને રજાના દિવસોમાં સરકારી તંત્રના પાપે હજારો યાત્રાળુઓના જીવ જોખમમાં મુકવાની ગંભીર બેદરકારી અહીં દાખવવામાં આવે છે પણ તપાસના નામે નર્યુ નાટક કરવામાં આવતુ હોવાથી ગમે ત્યારે અહીં ભાયનક અકસ્માત સર્જાય તેવી સંભાવના યાત્રાળુઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.