શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 28 ઑગસ્ટ 2019 (13:30 IST)

પોળો ફોરેસ્ટમાં 60 દિવસ માટે ટુ વ્હિલર સિવાયના વાહનો માટે પ્રતિબંધ ફરમાવાયો

ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લામાં સ્થિત પોલો ફોરેસ્ટ સહેલાણીઓ માટે જાણિતું પ્રવાસન સ્થળ છે. પરંતુ હવે અહીં આવનારા પ્રવાસીઓ માટે જિલ્લા કલેક્ટરનું જાહેરનામું થોડાક સમય માટે પરેશાન કરી શકે છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના અભાપુર વિસ્તારમાં ફોરેસ્ટ નાકાથી સમગ્ર પોળો જંગલમાં ટુ-વ્હીલર સીવાયના તમામ ફોર વ્હીલર અને ભારે વાહનો લઇ જવા પર પ્રતિબંધ મુકાયો છે. સાબરકાંઠા જિલ્લા કલેક્ટર પ્રવિણા ડી.કે. દ્વારા જાહેરમાનું પ્રસિદ્ધ કરી પ્રતિબંધ ફરમાવાયો છે. ૨૦-૮-૨૦૧૯ ના રોજ જાહેર કરાયેલ આ જાહેરનામું ૧૮-૧૦-૨૦૧૯ સુધી એટલે કે ૬૦ દિવસ માટે અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે દંડાત્મક કાર્યવાહી અને સજા કરાશે. જો કે સ્થાનિક રહીશોના પોતાની માલિકીના વાહનો તેમજ સરકારી વાહનો- સરકારી કામે રોકાયેલ વાહન, આકસ્મિક સંજોગોને પહોચી વળવા ઉપયોગમાં લેવાતા સાધનો જેવા કે એમ્બુલન્સ, અગ્નિશામક વાહનોને આ જાહેરનામું લાગુ નહી પડે. આ જાહેરનામાનો અમલ કરવા માટે સાબરકાંઠામાં ફરજ બજાવતાં પીએસઆઇ અને તેનાથી ઉચ્ચ હોદ્દો ધરાવતાં તમામ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે. જેઓ આઇપીસીની કલમ ૧૮૮ હેઠળ ભંગ કરનાર ઇસમો સામે કાર્યવાહી કરી શકશે. નોંધનીય છે કે, ચાલુ વર્ષે પોળોના જંગલમાં સારો વરસાદ થયો હોવાથી પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે તેથી મોટી સંખ્યામાં સહેલાણીઓ દરરોજ કુદરતી સૌદર્યનો નજારો માણવા પહોંચતા હોય છે. તેમા પણ રજાના દિવસોમાં અહી સહેલાણીઓનો પ્રવાહ વધુ હોવાથી જાહેરનામા મામલે નારાજગી વધે તેવી શક્યતા છે.