શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: ગુરુવાર, 31 ઑગસ્ટ 2017 (13:05 IST)

ગુજરાતની ચૂંટણીઓમાં કોઈ કચાશ ન રાખવા કોંગી હાઈકમાન્ડ કટીબદ્ધ

કોંગ્રેસ હાઈકમાન્ડ ૨૦૧૭ની વિધાનસભામાં અગાઉની કોઈ ભૂલ કે બેદરકારીને દોહરાવવા માંગતી નથી.  ધારાસભા બેઠક દીઠ પ્રદેશ સમિતિના નિરીક્ષકો ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ બિનગુજરાતી નિરીક્ષકોની વરણી કરાઈ છે. આ નિરીક્ષકો પોતાની સાથે પોતાના ૧૦ કસાયેલા અને વિશ્વાસુ મદદનીશોને લઈને ૨ સપ્ટેમ્બર બાદ ગુજરાત આવશે અને પોતાની જવાબદારી સંભાળી લેશે. ૨ સપ્ટેમ્બરથી સૌરાષ્ટ્રના સહપ્રભારી રાજીવ સાતવ પણ સૌરાષ્ટ્રમાં ચૂંટણી સુધી ધામા નાખશે.  કોંગ્રેસ હાઈકમાન્ડ આ વખતે પ્રદેશ સમિતિ કે સ્થાનિક નેતાગીરીના ભરોસે વિધાનસભા ચૂંટણી લડવા માંગતુ નથી.

મોટાભાગના ચૂંટણી લક્ષી નિર્ણયો રાજ્યના પ્રભારી તથા ચાર સહપ્રભારીઓ ઉપરાંત ધારાસભા બેઠક દીઠ અન્ય રાજ્યોમાંથી વરાયેલા નિરીક્ષકો ઉપર વધુ મદાર રાખશે અને નાનામાં નાની વાતો પર સોલીડ નજર રાખશે. કોંગી વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ઓલ ઈન્ડીયા કોંગ્રેસ કમિટિએ ધારાસભાની તમામ બેઠક માટેના નિરીક્ષકોની નિમણૂકો રાજસ્થાન, તેલંગણા, ઉત્તર પ્રદેશ, કર્ણાટક સહિતના રાજ્યોમાંથી કરી દીધી છે. બહારના રાજ્યોમાંથી વરાયેલા નિરીક્ષકો જે તે મત વિસ્તારમાં પહોંચતા જ બુથ કમિટિઓની ખરાઈ કરશે કેમ કે હાઈકમાન્ડને ફરીયાદો મળી છે કે, મોટાભાગથી બુથ કમિટિઓ કાગળ ઉપર જ ઉભી કરી દેવાય છે. જો કે અમુક મત વિસ્તારોમાં ગંભીરતાપૂર્વક આગોતરૂ આયોજન કરાયુ છે, પરંતુ ધારાસભાની ચૂંટણી લડવા ઈચ્છુક બધા મુરતીયાઓ પાસેથી જે બુથ કમિટિઓ મંગાવાઈ છે. તેમા મોટાભાગની ખોટી છે અથવા તો એકની એક છે. નિરીક્ષકો અને તેમની સાથે આવનારા ૧૦ કસાયેલા આગેવાનો મત વિસ્તારને ધમરોળશે અને સંગઠન કે પ્રચારની ખામી શોધશે અને જુથવાદના કારણે ઉભી થયેલી તીરાડોને સાંધવાના પ્રયાસો કરશે. પ્રદેશ સમિતિના નિરીક્ષકો સાથે પણ બહારના રાજ્યના નિરીક્ષક સંકલન કરશે.દરમ્યાન મળતા અહેવાલો મુજબ હજુ ત્રણેક દિવસ પહેલા દિલ્હી ગયેલા સૌરાષ્ટ્ર-કચ્છના સહપ્રભારી રાજીવ સાતવ આગામી ૨જી સપ્ટેમ્બરે ફરી રાજકોટ આવે છે અને હવે સૌરાષ્ટ્રમાં ધામા નાખશે, અનિવાર્ય સંજોગોમાં જ તેઓ સૌરાષ્ટ્ર બહાર જશે. ટૂંકમાં કહીએ તો અત્યારે તો હાઈકમાન્ડે આગામી વિધાનસભા ચૂંટણીઓ માટે ફુલપ્રુફ સુપરવિઝન ગોઠવ્યુ છે પરંતુ સૌરાષ્ટ્રમાં સંગઠનના નામે કોંગ્રેસમાં ખૂબ જ નબળી ગોઠવણ છે ત્યારે કોંગ્રેસના 'ઘોડા' દશેરાએ દોડશે કે નહી? એ તો આવનારો સમય જ કહેશે