શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 6 નવેમ્બર 2017 (13:09 IST)

ચૂંટણી પંચે ફરાર થયેલા 80 વોન્ટેડની યાદી મગાવી

ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ ગુજરાતમાં આચારસંહિતા તાત્કાલીક અસરથી લાદી દેવાઈ. શરૂઆતની ઘડીથી જ ચૂંટણી પંચ આકરા પાણી હોય તેવો ઘાટ ઘડાવા લાગ્યો છે. ખાસ કરીને કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટીએ. હાલ રાજ્યભરની તમામ ચેક પોસ્ટ પર કડક વોચ ગોઠવી દેવાઈ છે તો શહેરો કે જિલ્લાઓની સરહદે પણ વાહનોની તપાસ થવા લાગી છે. અમદાવાદમાં પણ ગણે તે સમયે ગમે તે જગ્યાએ પોલીસવાહનો વાહન ચેકીંગથી માંડીને શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરવા લાગ્યાં છે.

ચૂંટણી દરમિયાન કોઈ જ અનિચ્છનિય બનાવ ન બને તે હેતુથી કડક વલણ અપનાવનારા ઈલેક્શન કમિશને શહેરના પેરોલ અને ફર્લો પર જેલમાંથી નીકળીને ફરાર થઈ ગયેલા ૮૦ જેટલા લોકોની યાદી મંગાવી હોવાનું પણ આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે. ગુજરાત પોલીસ માટે વર્ષોથી રજા લઈને ફરાર થતા કેદીઓ માથાનો દુખાવો સાબીત થયા છે. ગુજરાત પોલીસના સિનિયર અધિકારીઓનું કહેવું છે કે, ગુજરાતનો જ આરોપી હોય તો તેને પરત શોધવામાં ગમે તેટલા સમયે સફળતા મળે છે. પરંતુ જ્યારે કોઈ બીજા રાજ્યનો આરોપી પેરોલ કે ફર્લો પર બહાર નીકળીને પરત હાજર થતો નથી ત્યારે પોલીસ એજન્સીઓને નોટીસ આપીને તેમની તપાસના આદેશ અપાય છે. સ્વાભાવિક છે કે, જેલમાંથી ‘આઝાદ’ થયેલો કેદી કોઈ દિવસ પોતાના ઘરે હાજર મળવાનો હોતો નથી. છતાં પોલીસ ફરજના ભાગ રૂપે એક-બે વાર તપાસ કરતી હોય છે. સૂત્રોનું કહેવું છે કે, હાલ અમદાવાદના જ ૮૦ કેદીઓ એવા છે કે જે પેરોલ કે ફર્લો પર રજા મેળવીને બહાર નિકળ્યા બાદ ક્યારેય જેલમાં પરત ફર્યા નથી. આખી ગુજરાતની તમામ સેન્ટ્રલ જેલનો આંકડો ખાસો મોટો છે. હાલ ઈલેક્શન કમિશને હાલ અમદાવાદના વોન્ટેડની યાદી મંગાવી છે. શક્ય છે કે આ આરોપીઓની શોધખોળનું એક અલાયદુ ઓપરેશન પણ ટુંક સમયમાં હાથ ધરવામાં આવે. જેનો હેતુ ચૂંટણી દરમિયાન શહેરમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટેનો જ હોવાનું પણ પોલીસ સૂત્રો જણાવી રહ્યાં છે.