બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: બુધવાર, 20 સપ્ટેમ્બર 2017 (13:14 IST)

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે અમદાવાદમાં રાહુલ ગાંધીએ મુંબઈની ટીમ ઉતારી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બ્યૂગલ ફુંકાઈ રહ્યા છે ત્યારે અમદાવાદ શહેર કોંગ્રેસના નેતાઓ વચ્ચે ચાલતા આંતરિક ડખાઓને પ્રદેશ કોંગ્રેસના નેતાઓ છાવરી રહ્યાં હોવાથી આખરે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મુંબઈના પોતાના નવ યુવાન નેતાઓની એક ટીમ અમદાવાદ મોકલી આપી છે અને વિધાનસભાની અમદાવાદની ૧૬ એ ૧૬ બેઠકોની ચૂંટણી અંગેની તમામ કામગીરી વ્યવસ્થા અને પ્રચાર તંત્રનો સંપૂર્ણ દોર સુપ્રત કરી દીધો છે એટલું જ નહીં આ ટીમના મુખ્યવડા પ્રણીલનાયરે પોતાની ટીમ સાથે કામગીરીનો આરંભ કરી દઈને અમદાવાદ શહેર કોંગ્રેસના તમામ નેતાઓને સ્પષ્ટ જણાવી દીધું છે કે,મતભેદ ભૂલીને જો પક્ષના કામ અને ચૂંટણી પ્રચારમાં લાગી નહીં જાવ તો તમને એકબાજુ હડસેલી દઈને પક્ષ પોતાની રીતે જ કામ કરશે અને કામ નહીં કરનારા સમજી લ્યે કે, વિધાનસભાની ટિકિટ તેમનાથી જોજનગાવ દૂર હશે. રાહુલ ગાંધીની પસંદગીની આ ટીમે છેલ્લા બે દિવસથી શહેરના ધારાસભ્યો, કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખો અને શહેર પ્રભારીઓની સતત બેઠકો યોજીને એક સંદેશો સાફ સાફ રીતે આપી દીધો છે કે, આંતરિક જૂથબંધીને રાહુલ ગાંધી ચલાવી લેવા માગતા નથી. દિલ્હી હાઈ કમાન્ડે ગુજરાત માટે નિયુક્ત કરેલા પ્રભારી વર્ષાબહેન ગાયકવાડની હાજરીમાં મળેલી પક્ષના આ આગેવાનો કાર્યકરોની બેઠકમાં પ્રણીલ નાયરે પક્ષની બેઠકમાં મોડા આવતા અને ચાલુ બેઠકે જતા રહેતા મોટા આગેવાનોને સખ્ત શબ્દોમાં ખખડાવ્યા હતા અને એમ ન માનતા કે તમારે એકલાને જ કામ હોય છે અને બીજા નવરા છે. એમ તમારે જ ધંધા રોજગાર છે અને બીજા બેકાર છે. પક્ષમાં જોડાયેલા આપણે સૌ સેવકો છીએ અને આપણે વફાદારી, નિષ્ઠાપૂર્વક કામગીરી કરીને પક્ષને મજબૂત બનાવી ચૂંટણી જીતવાની છે. પ્રણીલે તમામને તેમના મતક્ષેત્રમાં બૂથની રચના ઝડપથી કરીને ગ્રાસરૂટ પર કામો શરૂ કરવાની તાકીદ કરી હતી એ સાથે મુંબઈથી આવેલી તેમની યુવા ટીમના સભ્યોની શહેરના ૧૬ એ ૧૬ વિધાનસભા મત ક્ષેત્રમાં ફાળવણી કરીને એ મતક્ષેત્રના તમામ કાર્યકરોને મુંબઈના નેતાના નેતૃત્ત્વ હેઠળ કામ કરવાની અને એ સાથે આ મતક્ષેત્રના મતદાર યાદીઓની ચકાસણી તુરંત હાથ ધરવાની સૂચના આપી હતી પ્રણીલે એમ પણ કહ્યું કે, તમામ વિધાનસભા મતક્ષેત્રોમાં તેઓ ઓચિંતી મુલાકાત લઈ કામગીરી નિહાળશે કાર્યકરો સાથે સીધો સંપર્ક રાખશે એમ મતદારોને પણ મળશે અને છેલ્લામાં છેલ્લી પરિસ્થિતિનો તાગ પણ મેળવશે. દિલ્હી હાઈકમાન્ડે મુંબઈની ટીમને ચૂંટણી અંગેની તમામ કામગીરી અને સત્તા સુપ્રત અમદાવાદ શહેર કોંગ્રેસના જ નહીં પ્રદેશ કોંગ્રેસના નેતાઓમાં પણ હડકંપ મચી ગયો છે.