1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 11 એપ્રિલ 2018 (10:13 IST)

ધોલેરા SIRમાં પ૦૦૦ મેગાવોટના વિશ્વના સૌથી વિશાળ સોલાર પાર્કની સ્થાપનાને સીએમની સૈદ્ધાંતિક મંજૂરી

મુખ્યમંત્રી રૂપાણીએ ધોલેરા એસ.આઈ.આર.માં વિશ્વના સૌથી વિશાળ 5000 મેગાવોટના સોલાર પાર્કની સ્થાપનાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. વડાપ્રધાન મોદીએ 2022 સુધીમાં 175 ગીગાવોટ ઉર્જાનું બિન પરંપરાગત સ્ત્રોત દ્વારા ઉત્પાદન કરવાનો જે મહત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખ્યો છે તેમાં ગુજરાત આ વિશાળ સોલાર પાર્ક દ્વારા આગવું પ્રદાન મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં કરશે. ધોલેરા એસ.આઇ.આર. પર્યાવરણ પ્રિય ગ્રીન ફિલ્ડ ટેકનોલોજી આધારિત વિકસીત થવાનો છે  તેમાં આ સોલાર પાર્ક પૂરક બનશે.

ધોલેરા એસ.આઇ.આરમાં ખંભાતના અખાતમાં 11000 હેક્ટરમાં આકાર પામનારા આ સોલાર પાર્કમાં રૂા. 25000 કરોડનું અંદાજીત રોકાણ થવાની સંભાવના છે. આ સોલાર પાર્કને પરિણામે 20 હજારથી વધુ લોકોને રોજગાર અવસર મળશે, એટલું જ નહીં ધોલેરા ઇન્ટરનેશનલ સિટી અને આસપાસના વિસ્તારોમાં મેન્યુફેક્ચરિંગ ફેસેલિટીઝની સંપૂર્ણ સપ્લાય ચેઇન માટે મોટી તકો ખૂલશે.પ્રાથમિક અભ્યાસોમાં સોલર ઊર્જાના ઉત્પાદન માટે અહિં વિશાળ સંભાવના દર્શાવવામાં આવી છે. આ સોલર પાર્ક સસ્ટેનેબિલિટી, રોજગાર સર્જન તથા ૧૭૫ ગિગાવોટ રિન્યૂએબલ એનર્જીના સર્જનના ભારતના લક્ષ્યાંકને પરિપૂર્ણ કરવા માટેની ગુજરાતની સંકલ્પબધ્ધતાનું એક આગવું કદમ બનશે. મુખ્યમંત્રી રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત દેશના ઉત્પાદન ક્ષેત્રે જી.ડી.પી. વધારવામાં યોગદાન આપવા સાથે કુદરતી સંસાધનોના સંવર્ધન અને પ્રાકૃતિક સંસાધનોને નુકસાન ન થાય એ પ્રકારે સાતત્યપૂર્ણ વિકાસના ક્ષેત્રે તથા ભારતના વિસ્તરી રહેલા ઉત્પાદન ક્ષેત્રમાં મોખરાનું સ્થાન લેવા માટે પ્રતિબદ્ધ છે. તેના ભાગરૂપે જ ગુજરાતે ધોલેરામાં વિશ્વની સૌથી વિશાળ ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રિયલ ટાઉનશિપનું નિર્માણ કરવા માટે દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર (DMIC) સાથે સરકારે ભાગીદારી કરી છે.ધોલેરા ઇન્ડસ્ટ્રિયલ સિટીને ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ તરફથી પ્લેટિનમ રેટિંગ પણ  આપવામાં આવ્યું છે.તેમણે ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનમાં સોલર પાર્ક, વિન્ડ પાર્ક તેમજ અદ્યતન એરપોર્ટના નિર્માણ માટેના વિવિધ વિકાસલક્ષી વિષયો અંગે યોજેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી.