શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 6 સપ્ટેમ્બર 2017 (15:12 IST)

#નર્મદાયાત્રા- રૂપાણીએ રાજ્યવ્યાપી ‘‘મા નર્મદા મહોત્‍સવ યાત્રા’’નો સુરેન્‍દ્રનગરથી શુભારંભ કરાવ્યો

મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ ‘નર્મદા મહોત્‍સવ યાત્રા’ નો સુરેન્‍દ્રનગર ખાતેથી શુભારંભ કરાવ્‍યો હતો. મા નર્મદાના જળને વધાવવા માટે રાજયના તમામ ગામડાંઓને આવરી લેતી આ નર્મદાયાત્રા તા.૬ થી ૧૭ સપ્‍ટેમ્‍બર દરમિયાન ગામડે-ગામડે ફરી નાગરિકોને નર્મદાજળની વધામણી આપશે અને તેનું મહત્‍વ સમજાવી પાણીના ટીપે-ટીપાની બચત કરવાનો સંદેશો રાજયની જનતાને આપશે. આ પ્રસંગે મુખ્‍યમંત્રી રૂપાણીએ ગૌરવભેર જણાવ્‍યું હતું કે, તા. ૧૬ જુને નર્મદા ડેમના બંધ થયેલા દરવાજાએ ગુજરાતના વિકાસના દ્વાર ખોલી આપ્યા છે. ખેતરે-ખેતરે પહોંચેલા નર્મદાના પાણીથી રાજયનો ખેડૂત વિકાસમાં અગ્રેસર બની શકશે.

‘સૌની’ યોજનાની વિગતો આપતા તેમણે જણાવ્‍યું હતું કે, આ યોજનાનો સૌથી વધુ રૂપિયા ૨૨૦૦ કરોડનો લાભ સુરેન્‍દ્રનગર જિલ્‍લાને થયો છે, જિલ્‍લાનો ખેડૂત વર્ષમાં ત્રણ પાક લઈ શકશે અને પ્રત્‍યેક ગામડાં વધુને વધુ સમૃદ્ધ થશે.  મુખ્‍યમંત્રીએ નર્મદા ડેમના નિર્માણની તવારિખી વિગતો આપી જણાવ્યું હતું કે, નર્મદા ડેમના દરવાજા બંધ થવાથી વધારાનું પોણા ચાર ગણું પાણી સંગ્રહ કરી શકાશે, જેનાથી સમગ્ર ગુજરાતનો વિકાસ સોળે કળાએ ખિલશે.  તેમણે રાજયના નાગરિકોને જણાવ્યું હતું કે, તાજેતરમાં થયેલા ભારે વરસાદથી નુકસાન પામેલા રાજયના તમામ રસ્‍તાઓ ૧૫ સપ્‍ટેમ્‍બરથી ૧૫ ડીસેમ્‍બર દરમિયાન યુદ્ધના ધોરણે રીપેર કરવામાં આવશે, જેથી જનજીવન પૂર્વવત ધબકતું થઈ શકે. રૂપાણી આજે સુરેન્‍દ્રનગરથી પ્રસ્‍થાન કરાવેલી ‘નર્મદા મહોત્‍સવ યાત્રા’નું  રાજયના ગામે-ગામ ફરીને ૧૭ સપ્‍ટેમ્‍બરે વડાપ્રધાન મોદીની ઉપસ્‍થિતિમાં તેમના જન્‍મ દિવસ નિમિત્તે ૧૭ સપ્‍ટેમ્‍બરે ડભોઈ ખાતે સમાપન થશે.