મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 12 ઑગસ્ટ 2017 (14:28 IST)

૧૫મી ઑગસ્ટ બાદ ગુજરાત 'ચૂંટણી મોડ'માં મુકાશે, બંને પક્ષો જીતના ઉત્સાહથી પ્રચાર કરશે

રાજ્યસભાની ગુજરાતની ત્રણ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં જે પ્રકારની રસાકસી જોવા મળી છે તે જોતાં અનુમાન થઈ શકે છે આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી તેની તમામ પરાકાષ્ટા વટાવી દેશે. ૧૫મી ઓગસ્ટ બાદ સમગ્ર રાજ્ય 'ચૂંટણી મોડ' પર આવી જશે. ૨૦૧૨ની ચૂંટણીમાં સત્તાધારી ભાજપ કરતાં કોંગ્રેસને માત્ર ૯ ટકા જ ઓછા મત મળ્યા હતા. આથી કોંગ્રેસ હવે આ ટકાવારી ઓછી કરીને પોતાની બેઠકો વધારવા માંગે છે. ગત ચૂંટણીમાં છ કરોડથી વધુની વસતી ધરાવતા ગુજરાતમાં ૨ કરોડ ૭૪ લાખથી વધુ નાગરિકોએ મતદાન કર્યું હતું જેમાં ભાજપને ૧.૩૧ કરોડથી વધુ જ્યારે કોંગ્રેસને ૧ કરોડ અને પોણા સાત લાખ જેટલા મત મળ્યા હતા. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો ભાજપને લગભગ ૪૮ ટકા તથા કોંગ્રેસને ૩૯ ટકા જેટલા મત મળ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે 'કેશુભાઈ પટેલની પાર્ટી GPP એ લગભગ ૧૦ લાખ મત (સાડા ત્રણ ટકા) સેરવી લીધા હતા.' તેનાથી પણ વધુ આંચકો આપનારી વાત એ છે કે અપક્ષોની સંખ્યા ૬૬૩ની હતી જેમાંથી એકમાત્ર ઉમેદવાર જીત્યો હતો બાકીના ૬૬૨ ઉમેદવારોની ડિપોઝીટ પણ જપ્ત થઈ હતી. આમ છતાં આ અપક્ષો ૧૬ લાખ જેટલા મત એટલે કે ૬ ટકા જેટલો મતનો હિસ્સો લઈ ગયા હતા. સૂત્રો જણાવે છે કે ગત ચૂંટણીમાં ભાજપને ૧૧૫ અને કોંગ્રેસને ૬૧ બેઠકો મળી હતી. મતની ટકાવારી મુજબ કોંગ્રેસને ભાજપ કરતા ઓછી બેઠકો મળી હતી. જ્યારે GPP ને ૨, NCP ને ૨ અને ૧ JDUને મળી હતી. ૨૦૧૨ની ચૂંટણીમાં રાષ્ટ્રીય કક્ષાના ૭ તથા અન્ય રાજ્યના ૪ પક્ષો પણ ચૂંટણી લડયા હતા. ૨૦૧૭ની ચૂંટણી જાહેર થવા આડે હવે બે મહિના જેટલો સમય બચ્યો હોઈ રાજકીય પક્ષો ગત ચૂંટણીમાં કોને કેટલા મત મળ્યા હતા, કેવી સ્થિતિ હતી, પ્રચારના કયા મુદ્દાઓ હતા ? તેની સમીક્ષામાં લાગી ગયા છે. શ્રાવણ માસની આઠમ અને જન્માષ્ટમી પત્યા બાદ થોડા દિવસોમાં જ ગુજરાતમાં ચૂંટણી ફિવર છવઈ જશે. કોંગ્રેસના નેતાઓ ગત ચૂંટણીમાં મેળવેલા મતોની જે ટકાવારી છે તેને ઘટાડીને વધુ બેઠકો પર કબજો કરવાનો વ્યૂહ ધરાવે છે.