ખેલમહાકુંભ માટે કરોડોનો ખર્ચ, ૮૦ ટકા શાળામાં રમતનાં મેદાનો જ નથી : કૉંગ્રેસ
ખેલ મહાકુંભ બંધ કરી ન શકાય એવી માનસિક્તા ધરાવતા ખેલ અધિકારીઓ અને ભાજપ સરકાર રમતવીરો સાથે અન્યાય કરી રહ્યાં છે. સ્કૂલ રમત બંધ કરાવી ખેલ મહાકુંભમાં ભાગ લેવાની ફરજ પાડવામાં આવે છે. જે ગુજરાતના સારા ખેલાડીઓ સાથે અન્યાય છે. ગુજરાતની ૮૦ ટકા શાળામાં રમત-મેદાન કે વ્યાયામ શિક્ષકો જ નથી તો કઈ રીતે તૈયાર થશે રમતવીરો તેમ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,વર્ષ ૨૦૧૫-૧૬માં શાળા કોલેજો પર દબાણ કરી અંદાજે ૪૦ લાખ જેટલા રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યા હતા.
જે ચાલુ વર્ષે ઘટીને માત્ર ૩ લાખમાં સીમિત થતું હોવાના આંકડા સામે આવ્યા છે. માત્ર આંકડાકીય માહિતીને આધારે પ્રસિદ્ધિ મેળવનારી ભાજપ સરકાર નિષ્ફળતા જોઈ રહી છે. છતાં પરિણામલક્ષી રમત નીતિ બનાવવાની જગ્યાએ ખેલ મહાકુંભની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ડી.ઓ. અને ડી.એસ.ઓ. ઑફિસના કર્મચારીઓ જે તે સ્કૂલ પર જઈ રજિસ્ટ્રરમાંથી વિદ્યાર્થીઓની વિગતો પરથી જાતેજ સ્કૂલવતી રજિસ્ટ્રેશન કરતાં હોય તેવી ઘટનાઓ સામે આવી છે. જે ખૂબ જ નીંદનીય બાબત છે. ગુજરાતની ૮૦ ટકાથી વધુ શાળામાં રમત શિક્ષકો કે રમતના મેદાનો નથી. આવા સંજોગોમાં ગુજરાતમાં રમત સ્તરને સુધારવું એ માત્ર સ્વપ્ન સમાન છે. આજ દિન સુધી ખેલ મહાકુંભ પાછળ ખર્ચેલા બજેટમાંથી જો વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવી હોત તો તાલીમ સાથે સારા રમતવીરો તૈયાર કરી શકાયા હોત, પરંતુ પરિણામલક્ષી નહીં પરંતુ પ્રસિદ્ધિલક્ષી આ ભાજપ સરકાર ગુજરાતના રમતસ્તર પ્રત્યે ઉપેક્ષા સેવી રમતવીરો સાતે રમત રમી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, કરોડો રૂપિયાના ખર્ચે ખેલ મહાકુંભના તાયફા કરવાને બદલે સાચા અર્થમાં ખેલાડીઓને ન્યાય અને પ્રોત્સાહન આપવું જરૂરી છે. રમત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો માટે ભ્રષ્ટાચારના અખાડા સમાન ખેલ મહાકુંભને બદલે ગુજરાતમાં રમત મેદાનો, સાધનો તેમ જ વ્યાયામ શિક્ષકોની પરીપૂર્ણતા તરફ સરકાર ધ્યાન કેન્દ્રીત કરે તો જ રમશે ગુજરાતનું સ્વપ્ન સાકાર થઈ શકશે.