મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 14 સપ્ટેમ્બર 2017 (12:35 IST)

સિદી સૈયદની જાળીની ઉત્તમ કોતરણીથી બન્ને મહાનુભાવો પ્રભાવિત

જાપાનના વડા પ્રધાન શ્રી શિન્ઝો આબે અને શ્રીમતી આબે તેમજ ભારતના વડાપ્રધાન 
શ્રી નરેન્દ્રભાઇ મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. દરમિયાન ભારતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદની આગવી ઓળખ એવી આર્ટના ઉત્તમ નમૂના જેવી લાલ દરવાજા ખાતે આવેલ સિદી સૈયદની જાળીની મુલાકાત લીધી હતી. 
 
વડાપ્રધાન શ્રી શિન્ઝો આબે, શ્રીમતી આબે અને ભારતના વડાપ્રધાનશ્રી આ કલાત્મક જાળીઓની કોતરણી અને તેના ઇતિહાસથી ખુબજ પ્રભાવિત થયા હતા. 
 
આ મુલાકાત દરમિયાન જાપનીઝ ડેલીગેશને પણ સિદી સૈયદની જાળીને રસપૂર્વક નિહાળી હતી. 
 
તાજેતરમાં જ ભારતના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકેનો અમદાવાદ શહેરને વૈશ્વિક દરજ્જો પ્રાપ્ત થયો છે. એવા આ ઐતિહાસિક શહેરમાં કળાનો ઉત્તમ નમૂનો એટલે સિદી સૈયદની જાળી. જેને મસ્જિદ તરીકે ઓળખવામાં આવે છે.
 
ગુજરાતનો આફ્રિકા સાથેનો ઘનિષ્ઠ સંબંધ આ મસ્જિદના કર્તા સિદી સૈયદ સાથે જોડાયેલો છે. આ જાળીનું મૂળભૂત રીતે વર્ષ-૧૫૭૩માં નિર્માણ થયું હોવાનું મનાય છે. બે કલાત્મક જાળીઓ વચ્ચે ત્રીજી જાળીના સ્થાને કોતરણીના બદલે આખા પથ્થર મૂકવામાં આવ્યા છે. 
 
લાલ રેતિયા પથ્થરની આ જાળી પ્રથમ નજરે તો એકજ પથ્થરમાંથી તૈયાર કરેલી લાગે પરંતુ તેમાં નાના-નાના અનેક ટૂકડાને એટલી સૂક્ષ્મતાથી જોડવામાં આવ્યા છે કે તે એક જ લાગે. સદીઓ બાદ પણ આજે તેની મોહકતા-કોતરણી અકબંધ છે. આ બેનમૂન જાળીઓને કારણે જ મૂળ આફ્રિકાના વતની સિદી સૈયદનું નામ જગપ્રસિદ્ધ થયું છે. 
 
અત્યંત મોહક કોતરણી ધરાવતી લાલ રેતિયા પથ્થરમાંથી બનાવેલી આ સિદી સૈયદની જાળી એ ૬૦૦ વર્ષ જૂના અમદાવાદ શહેરની આગવી ઓળખ છે. આ સિદી સૈયદની જાળીને જોવા અને માણવા રશિયાના અંતિમ ઝાર નિકોલસ કે જે દ્વિતિય યુવરાજ હતો ત્યારે તેને વિશ્વ પ્રવાસના ભાગરૂપે ૧૮૯૦માં આવ્યો હતો. જ્યારે ૧૯૬૧માં બ્રિટનના રાણી એલિઝાબેથ પણ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. 
 
જાપાનના વડાપ્રધાન શ્રી આબે અને ભારતના વડાપ્રધાન શ્રી મોદીની આજની મુલાકાતથી તેના સોનેરી ઇતિહાસમાં વધુ એક નવો અધ્યાય ઉમેરાયો છે.