શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 28 ફેબ્રુઆરી 2018 (15:34 IST)

લ્યો બોલો ભાઈ! ગુજરાતની યુનિવર્સિટીઓમાં હવેથી ધારાસભ્યો ભણાવશે?

છેલ્લા કેટલાક વખતથી શિક્ષણ ક્ષેત્રે જે નિર્ણયો લેવાઈ રહ્યા છે તે જોતા લાગે છે કે, નવી પેઢીને તૈયાર કરી શકે તેવા અને  દેશના ભાવિનું ઘડતર કરવામાં નિમિત્ત બને તે શિક્ષણનું ક્ષેત્ર ગુજરાતમાં તો સંપૂર્ણ પણે ખાડે ગયું છે. પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચતર -શિક્ષણની કોઈપણ સંસ્થામાં વ્યાસાયિકો સાથે શિક્ષણ વિભાગે જે ખુલ્લેઆમ દેખાતું  સેટિંગ કરી નાખ્યું છે, તે હવે તો નરી આંખે દેખાવા લાગ્યું છે. વિધાનસભામાં કેટલીક મહત્વની જાહેરાતો થઇ. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડમાં પાંચ ધારાસભ્યોની સર્વાનુમતે નિમણુંક કરાશે. રાજ્યની યુનિવર્સિટીઓમાં કુલપતિપદે અભ્યાસુ અધ્યાપકો કે શિક્ષણવિદો તો છે જ નહિ.

હવેથી સત્તાધારી પક્ષના જે ધારાસભ્યોને કંઈ મળ્યું નથી તેમની ભૂખ શાંત કરવા, રાજ્ય સરકાર સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ત્રણ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બે, સરદાર પટેલ યુનિવર્સિટીમાં બે, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં બે, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં એક, શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં એક, મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં બે, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં બે સહીત લગભગ રાજ્યની તમામ યુનિવર્સિટીમાં બે-બે ધારાસભ્યોની સર્વાનુમતે નિમણુંક કરશે. ઉચ્ચ શિક્ષણ એટલે શું તેવી જેમને ગતાગમ નથી, જે સ્વયં ધક્કા ખાતા-ખાતા 8 થી માંડી 12 ચોપડી ભણ્યા છે, તે હવે યુનિવર્સિટી શિક્ષણમાં માર્ગદર્શન આપશે?