શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 25 જાન્યુઆરી 2018 (12:24 IST)

Photos - ગુજરાતમાં બંધને મિશ્ર પ્રતિસાદ, એકલ દોકલ બનાવો વચ્ચે સંપૂર્ણ શાંતિમય વાતાવરણ

સંજય લીલા ભણસાલી અને વાયાકોમ 18 મોશનની પદ્માવત આજે દેશમાં રીલિઝ થઈ છે. ફિલ્મ રીલિઝને પગલે કરણીસેનાએ ભારતબંધનું એલાન આપ્યું છે. બંધના એલાનને પગલે રાજ્યમાં એકંદર શાંતિપૂર્ણ બંધ રહ્યો છે. છુટાછવાયા બનાવોને બાદ કરતાં શાંતિ છે. અમરેલીમાં હાઈવે પર ટાયરો સળગાવી હાઈવે બ્લોક કરાયો હતો. તો બંધને પગલે બનાસકાંઠામાં એસટી બસ સેવા બંધ કરી દેવાઈ હતી. કોઈપણ પ્રકારની નુકસાની ન થતાં બંધની ખાસ અસર જોવા નથી મળી.

રાજકોટમાં એક પણ સિનેમામા પદ્માવત ફિલ્મ રિલીઝ કરવામાં આવી નથી. છતાં પણ સિનેમા બહાર મોટી સંખ્યામાં પોલીસ તહેનાત કરવામાં આવી છે. કરણી સેના બાઇક રેલી યોજી જય ભવાનીના નાદ સાથે રસ્તા પર નીકળી હતી અને ખુલ્લા શો રૂમ, મોલ અને દુકાનો બંધ કરાવ્યા હતા. જો કે ગુલાબ આપી ગાંધીગીરી કરી અપીલ કરવામાં આવી હતી.સવારથી રાજકોટ બંધને મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. સવારે અમુક શાળાઓ ચાલુ હતી તેને બંધ કરાવી હતી અને શાળા સંચાલકોએ પણ બપોર પછી રજા જાહેર કરી હતી.

શહેરમાં અમુક બજારો ખુલ્લી રહી હતી .જિલ્લાની વાત કરીએ તો ગોંડલ, ધોરાજી, વીરપુર, જેતપુરમાં પણ મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. કરણી સેનાએ પણ ખાત્રી આપી છે કે કાંકરિચાળો કર્યા વગર અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની વાત કરી છે.રાજકોટમાં પણ બંધના એલાનને પગલે કોઇ ટીખળી કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર પલીતો ચાંપે નહીં તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 5 એસીપી સહિત 1200 પોલીસ જવાનો રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરશે.

રાજકોટમાં પણ પદ્માવતને લઇ માહોલ તંગ છે. સંઘર્ષ સમિતિએ અનેક બેઠકો યોજી ફિલ્મ પ્રસારિત નહીં થવા દેવાની ચીમકી આપી હતી, સિનેમાઘરોના સંચાલકોએ પણ સ્થિતિને પામી પદ્માવત ફિલ્મ રિલીઝ નહીં કરવાની ખાતરી આપી હતી. આમ છતાં શહેરમાં અનેક સ્થળે ટાયર સળગાવવાના તેમજ બસ પર પથ્થરમારો કરી કાચ ફોડવાની ઘટના બની હતી.

બુધવાર રાતથી ગુરુવારના રાત્રીના 12 વાગ્યા સુધી 5 એસીપી.18 પીઆઇ, 60 પીએસઆઇ, 28 મહિલા પીએસઆઇ, 266 એએસઆઇ-કોન્સ્ટેબલ અને 50 એસઆરપીમેન સહિત કુલ 1200 પોલીસ જવાનો બંદોબસ્તમાં તૈનાત છે.