ગુજરાતમાં કોંગ્રેસને મોટો ફટકો, વિજય કેલ્લાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું

vijay kella
Last Modified બુધવાર, 15 નવેમ્બર 2017 (16:56 IST)


કોંગ્રેસના નેતા વિજય કેલ્લાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. વિજય કેલ્લાએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને સ્ફોટક પત્ર લખી રાજીનામાની જાણ કરી હતી અને પોતે ભાજપમાં જોડાશે તેવો પણ ઉલ્લેખ કર્યો હતો. વિજય કેલ્લાએ પત્રમાં ભરતસિંહ સોલંકી અને કોંગ્રેસના નેતાઓ પર આક્ષેપો કર્યા છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના વખાણ કર્યા છે. પક્ષ સાથે 38 વર્ષથી જોડાયેલ છું. એન.એસ.યુ.આઇ., યુવક કોંગ્રેસના વિવિધ હોદ્દા પર તેમજ કોંગ્રેસના પ્રદેશ સંગઠનમાં મહામંત્રી, એ.આઇ.સી.સી.ના ડેલિગેટ તરીકેની જવાબદારી નિભાવેલ હતી. તેમજ હાલ કોંગ્રેસની રીલીફ કમિટીના ચેરમેન તરીકે કામ કરી રહ્યો છું.

હાલ કોંગ્રેસ પક્ષની સ્થિતિ, અસ્થિર અને ખંડેર જેવી છે. તેના અસ્તિત્વ માટેની આખરી લડાઇ પક્ષ લડી રહ્યો છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં જીતવા માટે સિદ્ધાંત, વિચારધારા અને પક્ષના વફાદારોને કચરાપેટીમાં ફેંકી દઇ જંગ જીતવા માટે સગવડિયા લગ્ન કરી રહી છે. ગાંધીજીના સિદ્ધાંત, બિનસાંપ્રદાયિકતા અને સમાનત-સમાજવાદ ઉપર રોલર ફેરવી વફાદારોને ગુલામ બનાવી, ગાંધીજીની કોંગ્રેસને પાઇપલાઇનમાં ઉતારી નવા તકવાદી આંગતુકોની સરભરા કરી પક્ષ કોકટાઇલ બની ગયો છે. માધવસિંહ સોલંકીની ખામ થીયરીથી પક્ષને ઘણું નુકસાન થયું હતું. આજે તેના વારસદાર તરીકે તમો પણ ખામ થીયરીને નવા સ્વરૂપે ઉમેરો કરી ગુજરાતને પૂરી ન શકાય. વફાદાર કાર્યકરોને વ્યથિત કરી રહ્યો છે. તેમજ વંશવાદના વારસદારોને હોદ્દા આપી પક્ષમાં એક ચક્રી પકડ જમાવવાનો પ્રયાસ કરેલ છે. 133 વર્ષના જૂના પક્ષની ઉમારત જર્જરિત થઇ ગઇ છે. અલ્પેશ, હાર્દિક અને જીજ્ઞેશ જેવા આંદોલનકારો માટે લાલ જાજમ પાથરી પક્ષે પોતાની શરણાગતિ સ્વીકારી લીધેલ હોય હું અને મારા જેવા અનેક કાર્યકરોએ આ પક્ષનું આકર્ષણ ગુમાવી દીધું છે. વિરોધપક્ષના નેતા અને પક્ષના 14 વગદાર ધારાસભ્યો પક્ષમાંથી રાજીનામું આપે ત્યારે પણ શરમ અનુભવવાની જગ્યાએ કચરો સાફ થયો તેવું કહી સંતોષ લેતા તમારા સહિત અન્ય ત્રણ આગેવાનો કે જેનો હારવાનો ઇતિહાસ છે. તેના ભરોસા પર વિજય મેળવી શકાશે? તમારા સહિત તમારી નજીક ગણાતા આગેવાનો તાલુકા અને જીલ્લા પંચાયતો પાસેથી આજે પણ ખંડણી વસુલ કરે છે શું આ લોકશાહી છે?ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને ભારતના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય સન્માન મેળવી દેશની વિકાસની દિશા બદલી નાખી છે. તેના વિશે અસભ્યતાભરી ભાષામાં ટીકા કરવાથી શું કોંગ્રેસ સત્તા પ્રાપ્ત કરી શકશે? ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ચાણક્ય અમિત શાહના કશળ નેતૃત્વથી લોકસભામાં અને રાજ્યોની ચૂંટણીમાં ભવ્ય વિજય પ્રાપ્ત કરનારની સિદ્ધી અને વિકાસ સામે આંગળી ચિંધવાથી શું ગુજરાતમાં કોંગ્રેસ સજીવન થશે? આથી ભારે હ્રદયે કોંગ્રેસના પ્રથામિક, સક્રિય અને રાહત સમિતિના અધ્યક્ષપદેથી રાજીનામું આપી ભારતના નવનિર્માણ અને ગુજરાતના લોકકલ્યાણ માટે હું મારા અનેક સાથીદારો સાથે ભાજપમાં જોડાઇ રહ્યો છું.


આ પણ વાંચો :