શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 17 ઑક્ટોબર 2017 (15:23 IST)

રાહુલ ગાંધી 1 નવેમ્બરથી દક્ષિણ ગુજરાત ધમરોળશે

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો દ‌િક્ષણ ગુજરાતનો પ્રવાસ  આગામી તા.૧ નવેમ્બરથી ૩ નવેમ્બર સુધી થાય તેવી શક્યતાઓ છે.   રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસના વિભિન્ન તબક્કા હેઠળ હવે ફક્ત દક્ષિણ ગુજરાતનો પ્રવાસ ખેડવાનો બાકી રહ્યો છે. જો કે કોંગ્રેસનાં સૂત્રો કહે છે, રાહુલ ગાંધી દિવાળીના તહેવારોની ધમાલ પતી ગયા બાદ એટલે કે આગામી તા.૧લી નવેમ્બરથી દક્ષિણ ગુજરાતનો પ્રવાસ ખેડશે.

દક્ષિણ ગુજરાતના સાત જિલ્લા અને મૂળ મહાનગરની તેઓ મુલાકાત લેશે.   તેમની હિન્દુ સમાજનાં શ્રદ્ધા સ્થાન ગણાતાં વિવિધ મંદિરો અને ધામનાં દર્શન પૂજાથી કોંગ્રેસએ બહુમતી સમાજ તરફી વલણ અપનાવ્યું હોવાની પ્રતીતિ પક્ષના નાનામાં નાના કાર્યકરોને પણ થઇ રહી છે. આના કારણે એક તરફ બહુમતી સમાજનો પ્રેમ પક્ષ સંપાદન કરી શકશે તેવી લાગણી પક્ષના અદના કાર્યકરોમાં ફેલાઇ છે. તો બીજી તરફ લઘુમતી સમાજમાં નારાજગી વ્યાપી હોવાનો વિવાદ ઊઠ્યો છે. પ્રદેશ કોંગ્રેસનાં સૂત્રો વધુમાં કહે છે, લઘુમતી સમાજ કોંગ્રેસની પરંપરાગત વોટ બેન્ક છે એટલે દિલ્હીના કેન્દ્રસ્થ નેતાઓએ લઘુમતી સમાજને હળવાશથી લીધો છે. ટિકિટોની ફાળવણીના મુદ્દે પણ વર્ષ ર૦૧ર કરતાં આ વખતે લઘુમતી સમાજને પ્રમાણમાં ઓછી ટિકિટો ફાળવાયા તેવી શયકતા છે. અમદાવાદની વેજલપુર જેવી વિધાનસભાની બેઠક પર પક્ષ બહુમતિ સમાજના ઉમેદવાર પર પસંદગીનો કળશ ઢોળે તેવી પણ ચર્ચા છે. દરિયાપુરની બેઠકના વર્તમાન ધારાસભ્ય લઘુમતી સમાજના છે પરંતુ તેમની ‌વિરુદ્ધ વ્યાપક અસંતોષને જોતા લઘુમતી સમાજના જ કોઇ અન્ય ઉમેદવારને ચૂંટણીજંગમાં ઉતારાય તેવી સંભાવના છે. આમ રાહુલ ગાંધીના સોફટ હિન્દુત્વના પગલે લઘુમતી સમાજમાં પણ અંદરખાનેથી ખળભળાટ મચ્યો છે.