ઉત્તરાયણની મજા પણ સજા બને છે - 5નાં મોત, 573 પક્ષીઓ ઘાયલ, 47ને ઇજા

Last Modified સોમવાર, 15 જાન્યુઆરી 2018 (12:23 IST)
સમગ્ર ગુજરાતમાં ભારે હર્ષોલ્લાસ સાથે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી. બીજી બાજુ રાજ્યમાં અનેક જગ્યાએ દુર્ઘટનાઓ પણ સર્જાઈ હતી. ધાબા પરથી પટકાવવા અને દોરી અથવા અકસ્માતે પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે સમગ્ર ગુજરાતમાં દોરીથી ઉજા થઇ હોય તેવા 47 કેસ નોંધાયા હતા. જેમાંથી સૌથી વધુ 19 કેસ અમદાવાદ, 7 વડોદરા, 4 રાજકોટ, 3 સુરતમાં નોંધાયા હતા. ઉપરાંત છેલ્લા બે દિવસમાં 573 પક્ષીઓ ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. ઉત્તરાયણ અગાઉ દોરીથી સાવચેત રહેવા અને સેફ ઉત્તરાયણ માટે ઘણા કેમ્પેઇન ચલાવવામાં આવે છે. ખાસ કરીને અબોલ પક્ષીઓનું ધ્યાન રાખવા અને તકેદારી રાખવા લોકોને અપીલ કરવામાં આવે છે, છતાં છેલ્લા બે દિવસમાં સમગ્ર ગુજરાતમાં લગભગ 573 પક્ષીઓ ધાયલ થયા હોવાની ફરિયાદો મળી હતી. કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇનના જણાવ્યા અનુસાર 13 તારીખે 241 અને 14મીએ 332 મળીને બે દિવસમાં 573 પક્ષીઓ ઘાયલ થયા હોવાની જાણ થઇ હતી. અમદાવાદ શહેરના મણિનગર વિસ્તરાના જવાહર ચોક પાસે આવેલા સૂર્યનગર એપાર્ટમેન્ટમાં 30 વર્ષીય અંકિત રાવળ નામનો યુવક ધાબા પરથી પટકાયો હતો. જેના પગલે તેને ગંભીર ઇજાઓ થઈ હતી. ઇજાગ્રસ્ત અંકિતને એસજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઉપરાંત સિદ્ધપુરના કલ્યાણામાં પતંગ ચગાવતી વખતે બાળક ધાબા પરથી પટકાયો હતો. જેથી તેને ઇજાઓ પહોંચી હતી. બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.


આ પણ વાંચો :