1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 17 સપ્ટેમ્બર 2017 (15:41 IST)

કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ હેલ્મેટ પહેરીને મોદીનો વિરોધ કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આજે અમરેલીની મુલાકાતે છે ત્યારે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસના કાર્યકરો માથે હેલ્મેટ પહેરીને રેલી સ્વરૂપે રસ્તા પર ઉતરી ગયા હતા. આ કાર્યક્રમ સંદર્ભે એક દિવસ અગાઉ જ કોંગ્રેસ દ્વારા આજના દિવસે લોકોને હેલ્મેટ પહેરીને બહાર નીકળવાનો આગ્રહ રાખવાની સલાહ આપી હતી અને પોતાના કાર્યક્રમ અંગેની જાણકારી પણ આપી હતી જેથી આજના દિવસે માત્ર કોંગ્રેસના જ કાર્યકરો અને નેતાઓ નહીં પરંતુ અન્ય સ્થાનિકો પણ આ હેલ્મેટ રેલીમાં જોડાયા હતા. કોંગ્રેસના અગ્રણી નેતા અને ધારાસભ્ય પરેશ ધાનાણીએ વડાપ્રધાનને ગફોળીદાસ કહીને જણાવ્યું હતું કે, અગાઉ પણ આ ગફોળીદાસ અમરેલી આવ્યા હતા અને ખેડૂતોને પાક વીમા માટેના કરોડોના પેકેજ, શિક્ષણ, યુવાનોને રોજગારી, લોકોના ખાતામાં 15-15 લાખ રૂપિયા આપવાની, 500 કરોડ, 1100 કરોડ જેવા જંગી પેકેજોની જાહેરાતો કરી હતી.

આવા ઘણા ઠાલા વચનો નરેન્દ્ર મોદીએ અહીંની પ્રજાને આપ્યા હતા. જોકે બધી જ વાતો માત્ર રાત્રીના સપના જેવી હતી. સવારે ઉઠો એટલે સપનું તૂટી જાય એમ ગફોળીદાસ અહીંથી ગયા પછી કાંઈ થયું નથી. તેમણે કહ્યું કે, વારંવાર ઠાલા વચનોને કારણે જનતાને આ ફેંકંફાકીના ગોળાઓ વાગે નહીં તેથી હેલ્મેટ પહેરવાની સલાહ આપી હતી. અમારી સાથે સ્થાનિકો પણ જોડાયા હતા. આ કાર્યક્રમ દરમ્યાન પોલીસ અમને પકડી ગઈ છે અને અહીં લાઠી પોલીસ મથકે લાવી છે. મારા સહિત ઘણા છે અને અન્યોને બીજી ગાડીમાં ક્યાં લઈ ગઈ છે તેનો ખ્યાલ નથી.