ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 6 ફેબ્રુઆરી 2018 (13:19 IST)

મગફળીના ગોડાઉનમાં વેલ્ડિંગ કરતાં આગ લાગી હતી, છ લોકોની ધરપકડ કરાઈ

ગોંડલના મગફળીના ગોડાઉનમાં લાગેલી આગનો આજે આઠમો દિવસ છે. આગમાં સરકારે ટેકાના ભાવે ખરીદ કરેલી 2 લાખ મગફળીની ગુણી  એટલે કે 28 કરોડની મગફળી બળીને ખાખ થઇ ગઇ છે. આ અંગેની તપાસ સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ છે. આજે સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચના ડીઆઇજી દીપાંકર ત્રિવેદીએ પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે, વેલ્ડિંગથી આગ લાગી છે.

આથી ગોડાઉન માલિક સહિત વેલ્ડિંગ કરનારા સહિત છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. દીપાંકરે વધુમાં જણાવ્યું હતું કે, મગફળીના ગોડાઉનમાં પતરા સાંધવાના હોય પતરા કાપતા હતા ત્યારે તણખાથી આગ લાગી હતી. આગ લગાડી નથી લાગી છે. 6 લોકોની બેદરકારી સામે આવી હોવાથી તમામ વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે. વેલ્ડિંગ માટે બાજુની રઘુવીર જીનિંગમાંથી વીજ કનેક્શન લેવામાં આવ્યું હતું. પહેલા આગ કેમ લાગી તે શોધવાનું હતું. હજુ તપાસ શરૂ છે. હજુ આગ ઠરી નથી. ગોડાઉન માલિક દિનેશ સેલાણી સહિત 6ની ધરપકડ કરાઇ છે. હજુ પુરાવા મળશે તેની ધરપકડ કરીશું. આ છ લોકોના 10 દિવસના રિમાંડની માંગણી કરી છે. ગોડાઉનમાં 1,35,957 ગુણી હતી. સહકારી ક્ષેત્રના આગેવાનોએ એવો આક્ષેપ કર્યો હતો કે, અત્યાર સુધી મગફળીની ટેકાના ભાવે ખરીદીનું કામ ગુજકોમાસોલ કરતી હતી, પંરતુ આ વખતે તેને માત્ર 10 ટકા જ કામગીરી સોંપવામાં આવી છે, જ્યારે મોટાભાગની ખરીદીની જવાબદારી તેના બદલે ફડચામાં ગયેલી ગુજકોટને આ કામગીરી સોંપવામાં આવી છે તે બાબતે રાજ્યના એક પૂર્વ મંત્રીએ પણ ગંભીર આક્ષેપો કર્યા બાદ આ કાંડ બન્યો છે.