ભાજપનો સરપંચ સન્માન સમારોહ ફ્લોપ ડ્રાઇવર, કર્મચારી સ્ટાફને ખેસ પહેરાવાયાં

Last Modified બુધવાર, 7 ફેબ્રુઆરી 2018 (15:39 IST)

ગ્રામ પંચાયતોની ચૂંટણીનુ પરિણામ જાહેર થતાં ભાજપ-કોંગ્રેસે પોતાનાતરફી સરપંચો ચૂંટાયા હોવાના દાવા-પ્રતિદાવા રજૂ કર્યા હતાં. ભાજપે તો એવો દાવો કર્યો કે,૮૦ સરપંચો ભાજપ સમર્પિત ચૂંટાયા છે. ભાજપે સરપંચ અભિનંદન કાર્યક્રમ યોજ્યો હતો પણ કમલમમાં એકેય સરપંચ ડોકયો ન હતો જેથી ડ્રાઇવર-સ્ટાફ કર્મચારીઓને ખેસ પહેરાવી ડુપ્લિકેટ સરપંચો ઉભા કરવાની નોબત આવી પડી હતી. સામાન્ય રીતે પંચાયતોની ચૂંટણી પક્ષના નિશાન પર લડાતી નથી તેમ છતાંયે ભાજપ સમર્પિત સરપંચો ચૂંટાયા હોવાનો દાવો કરાયો હતો. આ પરિણામની ઉજવણીના ભાગરૃપે કમલમ ખાતે સાંજે ચારેક વાગે સરપંચોનું અભિનંદન કરવા કાર્યક્રમ ઘડી કઢાયો હતો.

જોકે,આ અભિનંદન કાર્યક્રમમાં એકેય સરપંચ આવ્યો ન હતો. ઘણી રાહ જોયા બાદ પણ સરપંચો ન આવતાં આખાય કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો. સરપંચો ન આવતાં ભાજપના મિડીયા સેલના પદાધિકારીઓ ય ભોઠા પડયા હતાં. આખરે હારીથાકીને ભાજપના એકાદ બે નેતાઓએ ઉપસ્થિત કાર ડ્રાઇવર-સ્ટાફ કર્મચારીઓને ખેસ પહેરાવી નકલી સરપંચો ઉભા કરવા પડયા હતાં.ટૂંકમાં, સરપંચ અભિનંદન કાર્યક્રમને સફળ બનાવવાનો બનાવટી પ્રયાસ કરાયો હતો. નવાઇની વાત એ હતી કે,એક તરફ,૮૦ ટકા ભાજપ સમર્પિત સરપંચો ચૂંટાયા હોવાનો દાવો કરાયો હતો તો,બીજી તરફ,ભાજપના એકેય નેતા સરપંચ અભિનંદન કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતાં. ચૂંટણી પરિણામના દિવસે ય કમલમ સૂમસામ ભાસતુ હતું.


આ પણ વાંચો :