સાબરમતી નદીમાં ૨૦૧૭માં ૨૧૭ લોકોએ જીવન ટૂંકાવ્યું

sabarmati RF
Last Modified સોમવાર, 12 ફેબ્રુઆરી 2018 (11:43 IST)

સાબરમતી નદીમાં ગત વર્ષ ૨૦૧૭માં ૨૯૦ લોકોએ ઝંપલાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાંથી ૧૭૮ પુરૃષ અને ૩૬ સ્ત્રીઓ તેમજ ૩ બાળકો મળીને કુલ ૨૧૭ લોકોના જીવ ગયા હતા. જ્યારે ૭૪ લોકોને ફાયરબ્રિગેડની રેસ્ક્યુ બોટે બચાવી લીધા હતા. નોંધપાત્ર છેકે વર્ષ ૨૦૧૬માં કુલ ૩૦૮ લોકોના મોત થયા હતા. નદી પરના તમામ સાતેય બ્રિજ પર લોખંડની રેલિંગો લગાવી દેવાથી નદીમાં ઝંપલાવીને આપઘાત કરવાના બનાવમાં વર્ષ ૨૦૧૬ની તુલનામાં વર્ષ ૨૦૧૭માંં ૩૦ ટકાનો ઘટાડો નોંધાયો છે.

આમ બ્રિજ પર સુરક્ષાલક્ષી રેલિંગો લગાવવાના કારણે માનવજિંદગી બચાવી શકાઇ છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આંબેડકરબ્રિજ, સરદારબ્રિજ, એલિસબ્રિજ, નહેરૃબ્રિજ, ગાંધીબ્રિજ, દધિચીબ્રિજ અને સુભાષબ્રિજ પર લોખંડની ઉંચી રેલિંગો લગાવીને આ બ્રિજો પરથી લોકોને મોતની છલાંગ લગાવતા અટકાવવામાં સારી એવી સફળતા મળી છે. જોકે હજુ પણ આપઘાતના કિસ્સાઓ બની રહ્યા હોવાથી હજુ પણ શક્ય હોય તેવા અને તેટલા પગલા ભરવાની તાતી જરૃરીયાત જોવાઇ રહી છે. ગત વર્ષ ૨૦૧૬માં જાન્યુઆરીથી- ડિસેમ્બર સુધીમા કુલ ૨૪૩ પુરૃષો અને ૬૧ જેટલી મહિલાઓએ નદીમાં ઝંપલાવીને મોતને વહાલું કર્યું હતું. જ્યારે ચાર બાળકોના મોત થયા હતા. વર્ષ ૨૦૧૭માં ૧૭૮ પુરૃષ, ૩૬ સ્ત્રીઓ અને ૩ બાળકોના મોત થયા હતા. જે બ્રિજ પરથી નદીમાં ઝંપલાવીને આપઘાતના કિસ્સામાં ઘટાડો થયો હોવાનું દર્શાવે છે. આમ આ બે વર્ષના તુલનાત્મક અભ્યાસમાં આપઘાતના ૯૧ બનાવ ઘટયા હોવાનું જણાઇ આવે છે. ચાલુ વર્ષે જાન્યુઆરી માસમાં જ અત્યાર સુધીમાં ૪ પુરૃષ અને ૩ મહિલાઓએ નદીમાં પડીને આપઘાત કરી લીધો છે. નોંધપાત્ર છેકે વિવિધ કારણોસર લોકો જીંદગી સામે હાર સ્વીકારીને આપઘાતનું અંતિમ પગલું ભરતા હોય છે. અમદાવાદ શહેરમાં સાબરમતી નદી આપઘાત કરવાનું મુખ્ય પોઇન્ટ બની ગયું છે.


આ પણ વાંચો :