તેમણે તાબડતોડ એક પત્રકાર પરિષદ યોજી, રડતા-કગરતા મોઢે તે દેશની તમામ ટીવી ચેનલોમાં નજરે ચડ્યાં. તેઓ માત્ર એક જ વાત બોલી રહ્યાં હતાં કે, તેમની 30 વર્ષની રાજકિય કારકિર્દીનો આવો દુ:ખમય અંજામ આવશે તેમની તેમને કલ્પના ન હતી. રામાયણના પાત્રો સાથે પોતાની તુલના કરતા તેમણે કહ્યું કે, પાર્ટી માટે તેમણે હનુમાનની જેમ કામ કર્યું પરંતુ પાર્ટીએ તેમને રાવણ બનાવી દીધા.
પ્રશ્ન અહીં એક જ ઉપસ્થિત થાય છે કે, આખરે એવા તે કયાં કારણો રહ્યાં કે, ભાજપને આટલો કઠોર નિર્ણય લેવો પડ્યો ? અડવાણીજીએ પણ અગાઉ આ ભૂલ કરી હતી ત્યારે તો તેમની સામે કોઈ આકરા પગલા ન લેવામાં આવ્યાં ? આમ પણ ભાજપના બેડામાં છેલ્લા ઘણા સમયથી અનેક વિવાદો વકરતા જઈ રહ્યાં છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રીને બદલવા માટે ચાલી રહેલી મથામણ, રાજસ્થાનમાં વસુંધરા રાજેનું રાજીનામા પ્રકરણ અને હવે જસવંત સિંહની બાદબાકી. આ તમામ બનાવોને જોતા એવું લાગે છે કે, લોકસભા ચૂંટણીમાં મળેલા ઘોર પરાજય બાદ ભાજપનું નેતૃત્વ ડગમગ થવાં લાગ્યું છે. આ તમામ ઉથલ-પથલ છતાં પણ ભાજપ જસવંત સિહને જાકારો આપી દે તેવું તો માન્યમાં જ આવતું ન હતું.
પ્રશ્ન એ પણ ઉભો થાય છે કે, જસવંત સિંહ વિરુદ્ધ જે નિર્ણય લેવામાં આવ્યો તે ભાજપનો ખુદનો તો નિર્ણય છે ને ? કે પછી ક્યાંક તેને સંઘના આદેશને આધિન થઈને આ નિર્ણય લેવો પડ્યો છે. શિમલામાં યોજાયેલી ચિંતન બેઠકમાં જસવંત સિંહની પાર્ટીમાંથી બાદબાકી કરવામાં આવવાની વાત ભલે પાર્ટીના અધ્યક્ષ રાજનાથ સિંહે કરી હોય પરંતુ જાણકારોનું માનવું છે કે, આ નિર્ણય પાછળ સંઘની મુખ્ય ભૂમિકા છે. છેલ્લા બે સપ્તાહ પહેલા જ આરએસએસ ભાજપના ભવિષ્યને લઈને જેટલું સતર્ક નજરે ચડી રહ્યું છે તેટલું ચૂંટણી પરાજય બાદથી કેમ નજરે ન ચડ્યું ?
સત્ય એ છે કે, આરએસએસના ડગલે અને પગલે ચાલનારી ભાજપ સરકાર કદી પણ ઘર્મનિરપેક્ષ નહીં થઈ શકે. જે દેશ માટે ઠીક નથી. ભાજપના હિતમાં એ છે કે, ન માત્ર તે અનુશાસનમાં રહે પરંતુ અનુશાસિત દેખાય પણ ખરું. આ દૃષ્ટિથી જસવંત સાથે જે થયું તે ભાજપના હિતમાં છે.
લાસ્ટ સ્ટ્રોક : હાલ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના રાજ્યમાં જસંવતના પુસ્તકના વેચાણ પર અંકૂશ મૂકી દીધો છે જેને જોતા એવું લાગે છે કે, મોદીજીએ પોતાના તરફથી અનુશાસિત કાર્યવાહીનો પ્રારંભ કરી દીધો છે. કદાચ તેઓ 'ભારતીય જનતા પાર્ટી' ને 'ભારતીય જિણા પાર્ટી' બનવા દેવા ઈચ્છતાં નથી. ઇટ્સ ગુડ મોદીજી !