રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 4 ફેબ્રુઆરી 2020 (15:18 IST)

ચોરી કરીને ચોર રીક્ષામાં ફરાર, રીક્ષા પાછળ લખ્યું હતું કે 'કોણ જાણે ક્યારે મળીએ'

અમદાવાદ શહેરનાં નરોડા વિસ્તારમાં એક દુકાનમાં એક દંપતી વસ્તુ લેવાના બહાને રોકડા રૂપિયા ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જોકે, નવાઇની વાત તો એ છે કે, જે રિક્ષામાં ભાગ્યા તે રિક્ષા પાછળ લખ્યું હતું કે, 'કોણ જાણે ક્યારે મળીએ'. પણ ક્યારે મળીએ તેવું માનનાર આ ચોરીમાં મદદગારી કરનાર ચાલકને લોકોએ પકડી પોલીસ હવાલે કર્યો હતો પણ મહિલા ભાગી જતા પોલીસે તપાસ હાથ ધરી છે. 
મળતી માહિતી પ્રમાણે, નરોડામાં કરિયાણાની દુકાન પાસે રિક્ષા ચાલુ રાખી શખ્સ ઉભો હતો. મહિલા તેમની દુકાનમાં આવી અને બાદમાં સાબુ માંગ્યો હતો. સાબુ આપ્યા બાદ તેણે હીંગ માંગતા દુકાનદાર ભગવતભાઇ હીંગ લેવા ગયા હતા. ત્યારે અચાનક જ દોડીને આ મહિલા રિક્ષામાં બેસીને પલાયન થઇ ગઇ હતી. જેથી ભગવતભાઇએ તેમનો દુકાનનો ગલ્લો જોતા તેમાંથી 10,100 રૂપિયાની ચોરી થઇ છે તેન ખ્યાલ આવ્યો હતો. જેથી ભગવતભાઇ રિક્ષા પાછળ દોડ્યા હતા પણ તે રિક્ષાને રોકી શક્યા ન હતા. 
તેમણે નંબર તો જોયો ન હતો પણ રિક્ષા પાછળ  'કોણ જાણે ક્યારે મળીએ'  તેવું લખેલું હતું. ભગવતભાઇ રિક્ષામાં બેઠેલા ચોર દંપતીને પકડે તે પહેલા સામેથી તેમનો પુત્ર આવતો હતો અને પિતાને ભાગતા જોઇને તેમણે રિક્ષાચાલકને પકડી લીધો હતો. પણ આરોપી મહિલા ફરાર થવામાં સફળ થઇ હતી. બાદમાં પોલીસને જાણ કરતા પોલીસે હરેશ દંતાણીની ધરપકડ કરી હતી. લાલીબહેન હરેશ દંતાણી ભાગી જતા તેની શોધખોળ હાથ ધરી હતી.