Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજથી ગુજરાત સહિત આખા દેશમાં ડિજિટલ વસતી ગણતરીનો પ્રારંભ: જાણો કયા 4 નવા સવાલો પૂછાશે

Updated: સોમવાર, 1 જૂન 2026 (11:49 IST)
ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજથી એટલે કે 1  જૂન 2026 થી 'વસતી ગણતરી-2027'ના પ્રથમ તબક્કાની સત્તાવાર શરૂઆત થઈ ચૂકી છે. આ દેશની 16 મી અને આઝાદી પછીની 8 મી જનગણના છે, જે ઇતિહાસમાં પ્રથમ વખત સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી (એપ્લિકેશન દ્વારા) હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યના વસતી ગણતરી નિયામક સુજલ જે. મયાત્રાએ આ મહાઅભિયાનમાં સહભાગી થઈને દેશના તમામ નાગરિકોને સાચી વિગતો આપવા માટે ખાસ અનુરોધ કર્યો છે.
ALSO READ: સોમવારે શેરબજાર તેજસ્વી રીતે ખુલ્યું! સેન્સેક્સ 264 પોઈન્ટ ઉછળ્યો, અને નિફ્ટી ફરીથી 23,600 ના આંકને પાર કરી ગયો

લાખથી વધુ સ્ટાફની વિશાળ ફોજ મેદાનમાં

આ રાષ્ટ્રીય કાર્યને સફળ બનાવવા માટે સમગ્ર ગુજરાતમાં 1,10,598 હાઉસલિસ્ટિંગ બ્લોક્સ (HLBs) તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં 1,09,038 જેટલા તાલીમબદ્ધ ગણતરીદારો ઘરેઘરે જઈને માહિતી એકત્રિત કરશે અને તેમની કામગીરી પર નજર રાખવા માટે 18,254  સુપરવાઇઝરો તૈનાત કરાયા છે. આ તમામ કર્મચારીઓને વહીવટી તંત્ર દ્વારા ત્રણ અલગ-અલગ તબક્કામાં સઘન તાલીમ આપીને સજ્જ કરવામાં આવ્યા છે.
 

બે મુખ્ય તબક્કા અને પ્રશ્નોની સંખ્યા

સમગ્ર વસતી ગણતરીની પ્રક્રિયાને બે મહત્વના તબક્કામાં વહેંચવામાં આવી છે. પ્રથમ તબક્કો 1  જૂનથી 30  જૂન, 2026  સુધી ચાલશે, જેમાં ગણતરીદારો દ્વારા મકાનોની સ્થિતિ અને ભૌતિક સુવિધાઓને લગતા કુલ 33  પ્રશ્નો પૂછવામાં આવશે. જ્યારે બીજો તબક્કો 9  થી 28  ફેબ્રુઆરી, 2027 દરમિયાન યોજાશે, જેમાં મુખ્ય વસતી ગણતરીની સાથે દેશના ઇતિહાસમાં પ્રથમવાર સત્તાવાર રીતે ‘જાતિ ગણતરી’ પણ સંયુક્ત રૂપે કરવામાં આવશે.
 

પ્રથમ વખત પૂછાનારા ચાર નવા સવાલો

આ વખતની ડિજિટલ જનગણનામાં આધુનિક જીવનશૈલીને ધ્યાનમાં રાખીને ચાર નવા પ્રશ્નોનો પ્રથમવાર સમાવેશ કરવામાં આવ્યો છે. ઘરે આવતા કર્મચારીઓ દ્વારા ઘરના મુખ્ય સભ્યને પૂછવામાં આવશે કે— તમે ઇન્ટરનેટ વાપરો છો? તમારી પાસે સ્માર્ટફોન છે? તમે પીવા માટે બોટલ્ડ વોટર (કેન કે બોટલનું પાણી) મંગાવો છો? અને તમે મુખ્ય અનાજ તરીકે કયા ધાન્યનો ઉપયોગ વધુ કરો છો? આ ચાર બાબતોનો ડેટા દેશમાં પહેલીવાર એકઠો કરાશે.
 

સાવધાન: આ ત્રણ ખાનગી વિગતો ક્યારેય ન આપવી

વસતી ગણતરીના નિયમો મુજબ નાગરિકોની સુરક્ષા માટે કેટલીક સ્પષ્ટતાઓ કરવામાં આવી છે. જો કોઈ કર્મચારી તમને તમારી માસિક આવક કે બેંક બેલેન્સ પૂછે, આધાર કાર્ડ કે પાન કાર્ડ જેવા દસ્તાવેજો બતાવવાનું દબાણ કરે, અથવા બેંક ખાતા નંબર અને OTP (ઓટીપી) જેવી અત્યંત ખાનગી વિગતો માંગે, તો આવી કોઈ પણ માહિતી આપવાની નાગરિકોએ સ્પષ્ટ ના પાડી દેવાની રહેશે.
ALSO READ: સિલિન્ડર ફરી મોંઘા થયા છે, કોમર્શિયલ ગેસના ભાવમાં વધારો થયો છે. જાણો આજે ક્યાં અને કેટલા ભાવે ભાવ મળશે.

 કડક કાયદો અને માહિતીની ગુપ્તતા

કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ, જનગણના દરમિયાન એકત્રિત થનારી તમામ વ્યક્તિગત વિગતો 'જનગણના અધિનિયમ-19 ' હેઠળ સંપૂર્ણપણે સુરક્ષિત અને ગુપ્ત રાખવામાં આવશે. આ ડેટાનો ઉપયોગ કોર્ટ કે કરવેરાની કાર્યવાહીમાં પુરાવા તરીકે ક્યારેય નહીં થાય. જોકે, કાયદા મુજબ દરેક નાગરિકે સાચી વિગતો આપવી ફરજિયાત છે; જો કોઈ વ્યક્તિ જાણીજોઈને ખોટી માહિતી આપશે અથવા વિગતો આપવાનો ઇનકાર કરશે, તો તેની સામે કાનૂની કાર્યવાહી અને દંડ થઈ શકે છે.
 

16  ભાષાઓ અને ઓફલાઇન ટેકનોલોજીનો સંગમ

આ ડિજિટલ અભિયાન માટે એન્ડ્રોઇડ અને આઇઓએસ (iOS) પ્લેટફોર્મ પર ખાસ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે, જે ગુજરાતી સહિત દેશની કુલ 16 સત્તાવાર ભાષાઓ સપોર્ટ કરે છે. ટેકનોલોજીની ખાસિયત એ છે કે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં ઇન્ટરનેટનું નેટવર્ક નથી, ત્યાં પણ ગણતરીદારો નેટ વિના 'ઓફલાઇન' મોડમાં ડેટા સેવ કરી શકશે અને નેટવર્ક મળતા જ ડેટા આપોઆપ સર્વર પર અપલોડ થઈ જશે.
 

લિવ-ઇન અને રસોડાના બદલાયેલા નિયમો

નવા નિયમો અનુસાર, સામાજિક અને ભૌતિક સ્થિતિની વ્યાખ્યામાં કેટલાક મહત્વના ફેરફાર કરાયા છે. જો કોઈ યુગલ લાંબા સમયથી લિવ-ઇન રિલેશનશિપમાં સાથે રહેતું હશે, તો જનગણનામાં તેમને ‘પરિણીત યુગલ’ તરીકે જ નોંધવામાં આવશે. આ ઉપરાંત, ઘરના એક જ રૂમના ભાગમાં રસોઈ થતી હોય અને ત્યાં જ સૂવાનું હોય, તો તેને અલગ ‘રસોડું’ ગણવામાં નહીં આવે; રસોડા માટે અલગ રૂમ હોવો અનિવાર્ય છે.
 

વાહન, રેડિયો અને ટીવીની નવી વ્યાખ્યા

ઇલેક્ટ્રોનિક સાધનો અને વાહનોની નોંધણી માટે પણ ચોક્કસ માપદંડો નક્કી કરાયા છે. જો તમારા મોબાઇલમાં FM સુવિધા હશે, તો તમારી પાસે ‘રેડિયો’ છે તેમ ગણાશે. જોકે, મોબાઈલ પર યુટ્યુબ જોતા હોવ તો તેને ‘ટીવી’ ગણવામાં નહીં આવે, તેના માટે ઘરમાં ટેલિવિઝન સેટ હોવો જરૂરી છે. વાહનોની વાત કરીએ તો, ટ્રેક્ટરને કારની શ્રેણીમાં અને ઈ-રિક્ષા કે ઓટોને બાઇકની શ્રેણીમાં ગણવામાં આવશે નહીં.
 

સેલ્ફ સર્ટિફિકેશન અને સત્તાવાર હેલ્પલાઇન

ગુજરાતમાં ગત 17 મેથી શરૂ કરાયેલી ઓનલાઈન ‘સ્વ-ગણતરી’ (Self-Enumeration) ઝુંબેશને અદભુત પ્રતિસાદ મળ્યો છે. રાજ્યપાલ, મુખ્યમંત્રી અને વરિષ્ઠ અધિકારીઓ સહિત આશરે 3.74  લાખથી વધુ જાગૃત નાગરિકોએ પોર્ટલ પર જાતે જ ફોર્મ ભરી દીધા છે. નાગરિકો પોતાની કોઈપણ મૂંઝવણ, પ્રશ્નો કે વેરિફિકેશન માટે સત્તાવાર ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર 1855 પર સંપર્ક કરી શકે છે અથવા censusindia.gov.in પોર્ટલની મુલાકાત લઈ શકે છે.
About Author
વેબદુનિયા ન્યુઝ ટીમ
અમારા સ્ટ્રિંગર્સ, વિશ્વસનીય સ્ત્રોતો અને અનુભવી પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાઉંડ રિપોર્ટ્સ, સ્પેશ્યલ રિપોર્ટ્સ અને રીયલ ટાઈમ અપડેટ્સને વરિષ્ઠ સંપાદકો દ્વારા સાવધાનીપૂર્વક તપાસીને જાણીને પ્રકાશિત કરવામાં આવે છે.... Read More

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ- પત્નીની વિનંતી

51 વર્ષની વયમાં ફેમસ અભિનેતાએ ફરીથી કર્યા લગ્ન

તમન્ના ભાટિયાના છઠી મૈયા ગીતની યુટ્યુબ પર ધૂમ, 4 દિવસમાં હનુમાન અંશના આ વાયરલ ગીતને પછાડ્યુ

ગુજરાતી જોક્સ - કેટલી સેકન્ડ

ગુજરાતી જોક્સ - દર સોમવારે ઉપવાસ

આગળનો લેખ
Show comments