1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. કલાકારોની પ્રોફાઇલ

અશોકકુમાર

અશોકકુમાર
કોઈ એમ કહે કે કુમુદલાલ કાંજીલાલ ગાંગુલી એ ફિલ્મ જગતના જાણીતા અભિનેતા હતા તો કદાચ માનવામાં ન આવે. પણ આ વાત ખરેખર સાચી છે. કારણ કે કુમુદલાલ ગાંગુલી એ બીજું કોઈ નહીં પરંતુ દાદામુનિને ઉપનામે જાણીતા બનેલા અશોકકુમાર પોતે હતા.

કુમુદલાલ તો તેમનું ફિલ્મોમાં પદાર્પણ કર્યા પહેલાનું નામ હતું. જ્યારે અશોકકુમાર એ નામ તો ખાસ ફિલ્મો માટે અભિનેત્રી દેવીકારાણીએ આપ્યું હતું.

13ઓક્ટોમ્બર 1911ના રોજ બિહારના ભાગલપુર જીલ્લામાં જન્મેલા અને કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવનારા અશોકકુમાર ફિલ્મોમાં અભિનયની શરૂઆત કરી તે પહેલાં બોમ્બે સ્ટુડીયોમાં લેબોરેટરી આસિસ્ટન્ટ તરીકે કામ કરતા હતા.

દેવિકારાણી બોમ્બે ટોકીઝના માલિક હિમાંશુ રાયની પત્ની હતી. હિમાંશુ રાય તે વખતે ફિલ્મ જીવન નૈયા બનાવી રહ્યા હતા. તેઓને નવા કલાકારની જરૂર હતી. તેમણે પોતાની નવી ફિલ્મમાં સ્ટુડીયોમાં લેબોરેટરી આસિસ્ટન્ટ તરીકે કામ કરતા કુમુદલાલને અશોકકુમારના નામ સાથે અભિનેતા તરીકે પોતાની ફિલ્‍મમાં પ્રસ્તુત કર્યો.

આ રીતે અનાયાસે અશોકકુમાર અભિનેતા બન્યા. હિમાંશુ રાયે જીવન નૈયા પછી તે જ વર્ષે તેમની બીજી ફિલ્મ અછૂત ક્ન્યામાં પણ દેવીકારાણી સાથે અશોકકુમારને લીડ રોલમાં પ્રસ્તુત કર્યા. આ ફિલ્મ સુપર હિટ જતા અશોકકુમાર અભિનેતા તરીકે પ્રસ્થાપિત થઈ ગયા.

આગળ જતા અશોકકુમારે દેવીકારાણી સાથે ફિલ્મ ઈજ્જત (1937), સાવિત્રી (1937) અને નિર્મલા (1938)માં પણ લીડ રોલ કર્યો. દેવીકારાણી તે અરસામાં લોકપ્રિય અભિનેત્રી હોઈ દરેક ફિલ્મમાં અશોકકુમાર તેની સામે ઝાંખા પડતા હતા.

જો કે અશોકકુમાર કંગન (1939), બંધન (1940) અને ઝૂલા (1941) દ્વારા પોતાની આગવી ઓળખ ઊભી કરવામાં સફળ થયા. આ ત્રણેય ફિલ્મોમાં તેમની અભિનેત્રી તરીકે લીલા ચીટનીસે કામ કર્યુ.

તે દિવસોમાં અભિનેતા-અભિનેત્રીઓ પોતાના ગીતો માટે પોતે જ ગાતા હતા. કારણ કે ત્યાર સુધી પ્લે બેક સિંગીગની શરૂઆત થઈ નહોતી. તેથી અશોકકુમારને એક ગાયક તરીકે પણ કામ કરવાનો મોકો મળ્યો. તેમણે ગાયેલા ઘણા ગીતો લોકપ્રિય થયા. તેમનું ગીત મૈં બન કા પંછી આજે પણ યાદ કરવામાં આવે છે.

અશોકકુમારે તે અરસાના અન્ય અભિનેતાઓથી વિપરીત નાટ્યપણાનું તત્વ ત્યજીને સહજ અભિનય કર્યો અને અભિનયને એક નવી જ દિશા પ્રદાન કરી. તેઓ સાહસ કરવામાં અને જોખમ ખેડવામાં જરાય ખચકાતા નહોતા. તેથી તેઓ 1943માં કિસ્મત ફિલ્મમાં નકારાત્મક અભિનયવાળી ભૂમિકા સ્વીકારતા જરાય ખચકાયા નહી. તે જ રીતે ફિલ્મ જ્વેલ થીફમાં પણ તેમણે સજ્જન ખલનાયકનો અભિનય કર્યો.

હિમાંશુ રાયના મૃત્યુ પછી પણ અશોકકુમારે બોમ્બે ટોકીઝ માટે અભિનય કરવાનું ચાલું રાખ્યું. તેમાંથી ફિલ્મ મહલ ફિલ્મ સુપરહીટ થઈ હતી. ફિલ્મ મહલનું લતા દ્વારા ગાયેલું ગીત આયેગા આને વાલા આજે પણ લોકપ્રિય છે.

1960થી અશોકકુમારે ચારિત્ર્ય અભિનેતા સ્વરૂપે એક નવું રૂપ ધારણ કર્યુ. તેઓ 1980 સુધી ફિલ્મોમાં નિયમિતપણે કામ કરતા રહ્યા. 1980ના દાયકામાં ભારતની સૌપ્રથમ શોપઓપેરા સિરીયલ હમ લોગમાં અશોકકુમારે સૂત્રધારની ભૂમિકા નીભાવી.

અશોકકુમાર એક સારા અભિનેતા તો હતા જ સાથે સાથે એક સારા ગાયક, ચિત્રકાર અને હોમિયોપેથી ડોક્ટર પણ હતા. અશોકકુમાર 90 વર્ષની ઉંમર સુધી ફિલ્મોમાં કામ કરતા રહ્યા. તેમણે 275થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ. પરિણીતા, એક હી રાસ્તા, ચલતી કા નામ ગાડી, હાવડા બ્રિજ, બંદિની, ગુમરાહ, મમતા, જ્વેલથીફ, આશીર્વાદ, પાકીઝા, વિક્ટોરીયા નં.203, છોટી સી બાત, શૌખીન વગેરે અશોકકુમારના યાદગાર ફિલ્મો પૂરવાર થઈ.
About Writer
પરૂન શર્મા