ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદઃ , બુધવાર, 26 જુલાઈ 2023 (13:53 IST)

અમદાવાદમાં મોડી રાત્રે મણિનગર પોલીસ સ્ટેશન બહાર આવતાં જ કોન્સ્ટેબલને રિક્ષા ચાલકે ફંગોળ્યા

The constable was hit by a rickshaw driver
The constable was hit by a rickshaw driver
આરોપી રિક્ષા ચાલક સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં બે દિવસ પહેલાં જ ચોરીનો ગુનો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે
ઈજાગ્રસ્ત કોન્સ્ટેબલને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડી રિક્ષા ચાલક સામે ફરિયાદ લેવાની તજવીજ શરૂ કરાઈ
The constable was hit by a rickshaw driver
The constable was hit by a rickshaw driver
 શહેરમાં ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માત બાદ પોલીસ એક્શનમાં આવી છે અને ઓવર સ્પીડ તથા ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસ કરવાના શરૂ કરી દીધા છે. બીજી બાજુ હાઈકોર્ટે પણ સરકાર અને પોલીસની ઝાટકણી કાઢીને કાયદો હાથમાં લેનારા નબીરાઓ સામે પગલાં ભરવા ટકોર કરી હતી. ત્યારે પોલીસે હાથ ધરેલી ઝૂંબેશ બાદ પણ અમદાવાદમાં અકસ્માતો રોકી શકાયા નથી. પોલીસ અકસ્માત રોકવામાં નિષ્ફળ ગઈ હોય તેમ વધુને વધુ અકસ્માતના કેસ સામે આવી રહ્યાં છે. ગઈકાલે મોડી રાત્રે મણિનગર પોલીસ સ્ટેશનમાંથી બહાર નિકળતાં જ એક કોન્સ્ટેબલને રિક્ષા ચાલકે ફંગોળ્યા હતાં. જેમને ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. 
 
મણિનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલને ફંગોળ્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના મણિનગર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રાજેન્દ્ર પટેલ (ઉ. 50) ગઈકાલે રાત્રે અઢી વાગ્યાની આસપાસના અરસામાં પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળ્યા અને પુરઝડપે આવી રહેલા રિક્ષા ચાલકે તેમને ટક્કર મારીને ફંગોળી દીધા હતાં. આ અકસ્માતનો મોટો ધડાકો થયો હોય તેમ અવાજ આવતાં ત્યાં રહેલા લોકોએ રિક્ષા ચાલકને પકડી પાડ્યો હતો. ત્યાર બાદ ઈજા પામેલા કોન્સ્ટેબલ રાજેન્દ્ર પટેલને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ રિક્ષા ચાલક બે દિવસ પહેલાં જ ચોરીના કેસમાં પકડાયો હોવાની મણિનગર પોલીસમાં જ ફરિયાદ નોંધાઈ હતી. હાલમાં તેની સામે આ અકસ્માતની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે. પોલીસ સુત્રો એવું પણ જણાવી રહ્યાં છે કે, ઈજાગ્રસ્ત કોન્સ્ટેબલ હાલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યાં છે. 
gujarat police
gujarat police
પોલીસની ઝુંબેશની કોઈ અસર દેખાતી નથી
ગઈકાલે મણિનગર પોલીસે સમાજમાં દાખલો બેસે તે માટે દારૂ પીને ગાડીનો અકસ્માત સર્જનાર કેદાર દવે અને અન્ય યુવકને જાહેરમાં લાકડીઓના ફટકા મારીને કાયદાનો પાઠ ભણાવ્યો હતો. બીજી બાજુ તથ્ય જેવો આરોપી 9 લોકોને ભરખી ગયો તે છતાંય તેની સામે માત્ર ઉઠક બેઠક કરાવી હતી. આ બાબતને લઈને સોશિયલ મીડિયામાં પોલીસ અને સરકાર સામે લોકોમાં રોષ દેખાઈ રહ્યો છે. નશો કરીને ગાડી ચલાવતા લોકો સામે એક્શન લેવા હવે ખુદ પોલીસે ઘોડા છુટ્યા પછી તબેલાને તાળા માર્યા હોય તેવો ઘાટ સર્જ્યો છે.પોલીસે ઓવર સ્પીડ અને ડ્રંક એન્ડ ડ્રાઈવના ધડાધડ કેસ નોંધવાનું શરૂ કર્યું છે તેમ છતાંય અકસ્માત રોકવામાં પોલીસ નિષ્ફળ ગઈ છે. કારણ કે પોલીસની લાઠીનો લોકોને હવે ડર રહ્યો નથી. ગઈ કાલે બોપલ વિસ્તારમાં એક બાઈક ચાલકને કાર ચાલકે ટક્કર મારતાં તેનું મોત નિપજ્યું હતું તેમજ ખાનપુર વિસ્તારમાં પણ કાર ચાલકે બાઈક ચાલકને ફંગોળ્યો હતો. હવે એક ચોરીના ગુનામાં પકડાયેલા રિક્ષા ચાલકે પોલીસ સ્ટેશનમાંથી નીકળીને બહાર આવેલા કોન્સ્ટેબલને ફંગોળી નાંખવાનો બનાવ સામે આવ્યો છે.
gujarat police
gujarat police