મંગળવાર, 2 ડિસેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 2 ડિસેમ્બર 2025 (13:39 IST)

અમદાવાદના વિરાટનગરમાં કોમ્પલેક્સમાં ભીષણ આગ, અનેક દુકાનો ખાખ

Major fire in complex in Viratnagar
અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં આવેલા વ્રજેશ્વરી કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગી હતી. જેનાથી અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી ઝડપથી પ્રસરી કે કોમ્પ્લેક્સમાં આવેલી અનેક દુકાનોને લપેટમાં આવતા ખાખ થઈ ગઈ હતી.

આગ લાગવાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમો તુરંત જ ઘટનાસ્થળે પહોંચી હતી. સતત પાણી અને ફોમનો મારો ચલાવી ફાયરના જવાનોએ દોઢ કલાક બાદ આગને કાબૂમાં લીધી હતી. આગને કારણે ધૂમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનું વાતાવરણ સર્જાયું હતું. કોમ્પલેક્સ રોડની સાઈડમાં આવેલું હોવાથી રસ્તા પર પણ આગની અસર જોવા મળી હતી. જેના કારણે ત્યાંથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાસ્થળ પર લોકોની ભીડ જામી હતી અને પસાર થતાં લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ ક્યાં કારણોસર લાગી તે અંગેની તપાસ ફાયર બ્રિગેડ દ્વારા હાથ ધરવામાં આવી છે. જોકે, આગથી થયેલા નુકસાનનો ચોક્કસ આંકડો હાલ જાણી શકાયો નથી.આગને કાબૂમાં લીધા બાદ ફાયર વિભાગે કૂલિંગની પ્રક્રિયા હાથ ધરી હતી. આગને કાબૂમાં લેવા માટે 50 ફોમ કેરબાનો ઉપયોગ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે બે દુકાનોમાં લાગેલી આગ બે માળના આખા બિલ્ડિંગની 18 દુકાનો સુધી પહોંચી ગઈ હતી. સિવિલ ડિફેન્સના માણસોને સાથે રાખી કોમ્પલેક્સમાં કોઈ પણ વ્યક્તિ અંદર છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી હતી. જોકે કોઈ જાનહાનિ ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.વ્રજેશ્વરી કોમ્પ્લેક્સમાં દુકાનોમાં રખાયેલો ઓઈલનો મોટો જથ્થો ગેરકાયદે હોવાનો સોસાયટીના રહીશોનો આક્ષેપ કર્યો હતો. કોમલેક્સમાં ક્યાંય ફાયરસેફ્ટી નહીં અને ઓઇલનો મોટો જથ્થો મૂક્યો હતો. દુકાનમાલિકે દુકાનમાં જ ભોંયરું બનાવી ઓઈલનો સંગ્રહ કર્યો હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો.