ગુજરાતમાં આ વખતે ચૂંટણી ઢંઢેરો વગરની સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે !!
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનારી છે ત્યારે અત્યાર સુધીનું સૌથી મોટું અચરજ એ છે કે બરોબર એક અઠવાડીયા પછી અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી યોજાવાની હોવા છતાં ગુજરાતના બે રાષ્ટ્રીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ હજી સુધી એનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડી શકયા નથી એટલું જ નહીં, ભાજપ તો ચૂંટણી ઢંઢેરો બહાર પાડવાની જ નથી.
આગામી બાવીસ નવેમ્બરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે મતદાન યોજાશે. સામાન્ય રીતે ચૂંટણી જાહેર થયા પછી રાષ્ટ્રીય પક્ષો એમના ચૂંટણીઢંઢેરાની જાહેરાત કરતા હોય છે અને એમાં જો તેઓ ચૂંટાઇ આવશે તો શું કરશે એની જાહેરાત કરીને મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરતા હોય છે, પરંતુ આ વખતે અમદાવાદમાં જાણે કે ભાજપ અને કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાનું ભૂલી ગઇ હોય એમ એટલા માટે જણાઇ રહ્યું છે કે, ચૂંટણી આડે હવે ગણીને ૭ જ દિવસ બાકી રહ્યા હોવા છતાં ચૂંટણીઢંઢેરો બહાર પાડી શકી નથી.
ચૂંટણીઢંઢેરો ક્યારે બહાર પાડવામાં આવશે એવો પ્રશ્ન અમદાવાદ ભાજપના મીડિયા કો-ઓર્ડિનેટર ડો. હેમંત ભટ્ટને પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, અમદાવાદ માટે આ વખતે ચૂંટણીઢંઢેરો બહાર પાડવાનો પ્લાન નથી, કેમકે અમદાવાદ સ્માર્ટ સિટી જાહેર થયું છે અને સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રીકટ માટે કામગીરી થઇ રહી છે ત્યારે અમદાવાદ વૈશ્વિક લેવલનું સિટી થઇ જશે.
કોંગ્રેસ દ્વારા અમદાવાદ માટે ચૂંટણીઢંઢેરો ક્યારે બહાર પાડવામાં આવશે એવો પ્રશ્ન ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો. મનીષ દોશીને પૂછતાં તેમણે કહ્યું હતું કે, અમદાવાદ માટે ચૂંટણીઢંઢેરો નહીં પરંતુ વિઝન ડોક્યુમેન્ટ મંગળવારે જાહેર કરવામાં આવશે.
