1. સમાચાર જગત
  2. આજ-કાલ
  3. મંથન
  4. Bus safety tips for passengers

ચાલતી બસમાં કેમ લાગે છે અચાનક આગ? અકસ્માતથી બચવા માટે દરેક મુસાફરે ધ્યાનમાં રાખવા જેવી આ મહત્વની બાબતો

Common Causes of Bus Fire
Common Causes of Bus Fire

 
આપણે રોજબરોજના સમાચારમાં જોઈએ છીએ કે ચાલતી બસોમાં અચાનક આગ લાગી જાય છે. ખાસ કરીને સ્લીપર અને લાંબા રૂટની લકઝરી બસોમાં આ ચિંતાજનક રીતે ઘટનાઓ વધી ગઈ છે. આ કોઈ સામાન્ય અકસ્માત નથી, પરંતુ તેની પાછળ કેટલાક ચોક્કસ ટેકનિકલ અને માનવીય કારણો જવાબદાર હોય છે.
 
ઘણા લોકો બસોમાં મુસાફરી કરતી વખતે બસનો બાહ્ય દેખાવ અને આકર્ષક સજાવટ કે ચાર્જિંગ અને વાયફાય સુવિદ્યા જેવી વસ્તુઓ જુએ છે જે એટલી જરૂરી નથી. બસમાં સુરક્ષિત મુસાફરી કરવા માટે તેનુ મેઈનટેનન્સ, ડ્રાઈવર અગાઉ ડ્યુટી કરીને તરત જ બીજી શિફ્ટ કરી રહ્યો છે કે નવો ડ્રાઈવર મતલબ તેણે પૂરતો આરામ કર્યો છે કે નહી. આ બાબતો જોવી વધુ જરૂરી છે. હવે જોઈએ ચાલતી બસમાં આજકાલ વધતી જતી આગની ઘટનાના મુખ્ય કારણો...  
 

ચાલતી બસમાં આગ લાગવા પાછળના મુખ્ય કારણો નીચે મુજબ છે:

 

1 . શોર્ટ સર્કિટ અને વાયરિંગમાં છેડછાડ (મુખ્ય કારણ)

મોટાભાગની લક્ઝરી બસોમાં ફેક્ટરીમાંથી આવ્યા પછી બહારથી વધારાનું મોડિફિકેશન કરવામાં આવે છે. 
 
ગેરકાયદેસર વાયરિંગ: બસ ઓપરેટરો વાચકો માટે સીટ પર ચાર્જિંગ પોઈન્ટ, એલઈડી (LED) ટીવી, મ્યુઝિક સિસ્ટમ અને વધારાની લાઈટો લગાવે છે.
 
ઓછી ગુણવત્તાના વાયર: આ વધારાની વસ્તુઓ માટે હલકી ગુણવત્તાના વાયરો વાપરવામાં આવે છે, જે બસ લાંબો સમય ચાલે ત્યારે ગરમ થઈ જાય છે અને પ્લાસ્ટિક ઓગળવાને કારણે શોર્ટ સર્કિટ થાય છે.
 

2. એન્જિન ઓવરહીટિંગ (Engine Overheating)

લાંબા રૂટની બસો સતત ૮ થી ૧૨ કલાક સુધી ઊભી રહ્યા વિના દોડતી હોય છે.
 
જો એન્જિનમાં કૂલન્ટ (Coolant) ઓછું હોય અથવા રેડિએટર બરાબર કામ ન કરતું હોય, તો એન્જિનનું તાપમાન ખૂબ વધી જાય છે.
 
એન્જિન વધુ પડતું ગરમ થવાને કારણે તેની આસપાસ રહેલી ઓઈલની પાઈપો ઓગળી શકે છે અને તેમાંથી લીક થતું ડીઝલ કે ઓઈલ ગરમ એન્જિનના સંપર્કમાં આવતા જ તરત જ આગ પકડી લે છે.

૩. એર કંડિશનર (AC) પર વધુ પડતો લોડ

ઉનાળામાં બહારનું તાપમાન 40  થી 45  ડિગ્રી હોય ત્યારે બસના એસી (AC) કોમ્પ્રેસર પર ભયંકર લોડ આવે છે. જો એસીનું નિયમિત મેઈન્ટેનન્સ ન થયું હોય, તો કોમ્પ્રેસરમાં ગેસ લીક થવાને કારણે અથવા ઓવરહીટિંગને કારણે આગ લાગવાની શક્યતા વધી જાય છે. બસોમાં એસી ડક્ટ્સ મોટેભાગે પ્લાસ્ટિક કે ફાઈબરની હોવાથી આગ ખૂબ ઝડપથી ફેલાય છે.
 

4 . ટાયરનું ઘર્ષણ અને બ્રેક જામ થવી

જો બસની બ્રેક લાઈનર જામ થઈ ગઈ હોય, તો ચાલતી બસે ટાયર અને બ્રેક વચ્ચે સતત ઘર્ષણ (Friction) થાય છે. આ ઘર્ષણથી એટલી ગરમી અને તણખા (Sparks) પેદા થાય છે કે ટાયર સળગી ઉઠે છે. ટાયર પાછળના ભાગે હોવાથી ઘણીવાર ડ્રાઈવરને આની ખબર મોડી પડે છે.
 

5 . બસની બનાવટમાં જ્વલનશીલ મટીરિયલનો વપરાશ

આજકાલની સ્લીપર બસોની અંદર કેબિન બનાવવા માટે, સીટોના કુશન માટે અને પડદા માટે જે પ્લાસ્ટિક, ફાઈબર અને રેક્ઝિન વપરાય છે તે અત્યંત જ્વલનશીલ (Highly Flammable) હોય છે. એકવાર નાનકડો તણખો પણ થાય તો આ મટીરિયલને કારણે આખી બસ માત્ર ૩ થી ૫ મિનિટમાં રાખ થઈ જાય છે અને મુસાફરોને બહાર નીકળવાનો મોકો જ નથી મળતો.
 
સૌથી મોટી મુશ્કેલી: બસોમાં સામાન્ય રીતે ઇમરજન્સી એક્ઝિટ (ટોચ પરની બારી અથવા પાછળનો કાચ) સુધી પહોંચવાના રસ્તા સામાન અથવા વધારાની સીટોથી બ્લોક કરેલા હોય છે. સાથે જ, મોટાભાગની બસોમાં ફાયર એક્સટિંગ્વિશર (આગ ઓલવવાનું સિલિન્ડર) કાં તો હોતું નથી અથવા એક્સપાયર થઈ ગયેલું હોય છે.
 
આ અકસ્માતો રોકવા માટે આરટીઓ (RTO) દ્વારા બસોના ફિટનેસ સર્ટિફિકેટ અને ગેરકાયદેસર વાયરિંગનું કડક ચેકિંગ થાય તે ખૂબ જરૂરી બન્યું છે.
 

એક મુસાફર તરીકે બસમાં મુસાફરી કરતા પહેલા ધ્યાનમાં રાખવાની બાબતો 

 
એક મુસાફર તરીકે આપણી પોતાની સતર્કતા જ આપણો સૌથી મોટો બચાવ છે. ચાલતી બસમાં જ્યારે આગ લાગે છે ત્યારે સેકન્ડોની કિંમત હોય છે. તેથી, બસમાં મુસાફરી શરૂ કરતા પહેલા અને મુસાફરી દરમિયાન આપણે કેટલીક બાબતોની ખાસ સાવધાની રાખવી જોઈએ:
 

1 . બસમાં બેસતાની સાથે જ 'ઇમરજન્સી એક્ઝિટ' ચેક કરો

બારી અને કાચ: બસમાં બેઠા પછી આજુબાજુ નજર દોડાવી લો કે Emergency Exit  ક્યાં છે. સ્લીપર બસમાં મોટેભાગે પાછળનો આખો કાચ ઇમરજન્સી એક્ઝિટ હોય છે.
 
હથોડી (Safety Hammer): ઈમરજન્સી બારીની બાજુમાં કાચ તોડવા માટેની લાલ રંગની સેફ્ટી હથોડી મુકી છે કે નહીં તે ખાસ જુઓ. જો ન હોય, તો તમારી પાસે કોઈ ભારે વસ્તુ (જેમ કે લોખંડની બોટલ કે પાવરબેંક) એવી જગ્યાએ મુકો જેથી જરૂર પડે કાચ તોડી શકાય.
 

2 . સામાન ગોઠવતી વખતે રસ્તો બ્લોક ન કરો

ઘણી વખત મુસાફરો પોતાનો મોટો સામાન બસની વચ્ચે ચાલવાની ગેલેરીમાં અથવા ઇમરજન્સી બારીની સામે ગોઠવી દે છે. યાદ રાખો, જો કોઈ દુર્ઘટના થાય તો અંધારા અને ધુમાડામાં આ સામાન જ નડતરરૂપ બનશે અને લોકો બહાર નીકળી નહીં શકે. તમારો સામાન હંમેશા સીટની નીચે અથવા બસના નીચેના કેબિનમાં જ મુકાવો. અન્ય મુસાફરોનુ પણ આ બાબતો પર ધ્યાન દોરો. 
 

3. બસની અંદર ધૂમ્રપાન કે જ્વલનશીલ વસ્તુઓ ન મુકશો 

બસની અંદર ક્યારેય સિગારેટ, બીડી કે માચીસ ન સળગાવો. આ ઉપરાંત તમારા સામાનમાં કપૂર, સેનિટાઈઝર (જેમાં આલ્કોહોલ હોય છે), પરફ્યુમ સ્પ્રે કે ફટાકડા જેવી જ્વલનશીલ વસ્તુઓ રાખવાનું ટાળો, કારણ કે તે આગને ખૂબ ઝડપથી ભડકાવે છે.
 

4. વાયરિંગ અને ચાર્જિંગ પોઈન્ટનો સમજી-વિચારીને ઉપયોગ

જો તમારી સ્લીપર કેબિનના ચાર્જિંગ પોઈન્ટમાંથી કોઈ તણખો (Spark) થતો દેખાય, વાયર ખુલ્લો હોય, અથવા ચાર્જર ભરાવતી વખતે પ્લાસ્ટિક બળવાની ગંધ આવે, તો તરત જ તેનો ઉપયોગ બંધ કરો અને કંડક્ટરને જાણ કરો. આખી રાત ફોન ચાર્જિંગમાં મૂકીને સૂઈ જવાનું ટાળો, કારણ કે ઓવરહીટિંગથી પણ શોર્ટ સર્કિટ થઈ શકે છે.
 

5.  કોઈ પણ અસામાન્ય ગંધ કે ધુમાડાને અવગણશો નહીં

જો મુસાફરી દરમિયાન તમને બસમાં એસી (AC) માંથી કે એન્જિન તરફથી કોઈ પ્લાસ્ટિક બળવાની, વાયર ઓગળવાની કે ડીઝલની તીવ્ર ગંધ આવે, તો એમ ન વિચારો કે "બીજુ કોઈ તો બોલતુ નથી..  તો હું શું કામ બોલું?"  તરત જ બૂમ પાડીને ડ્રાઈવર કે કંડક્ટરનું ધ્યાન દોરો અને બસ ઊભી રખાવો. ઘણીવાર વહેલી ખબર પડવાથી મોટી દુર્ઘટના ટળી જાય છે.
 

6. પ્રાઈવેટ બસ બુક કરતી વખતે રેટિંગ અને રિવ્યૂ જુઓ

ઓનલાઈન (જેમ કે RedBus વગેરે પર) ટિકિટ બુક કરતી વખતે માત્ર સસ્તું ભાડું ન જુઓ. જે ટ્રાવેલ્સની બસોનું રેટિંગ સારું હોય, જેમની બસો નવી અને વેલ-મેઈન્ટેન્ડ હોય તેને જ પ્રાથમિકતા આપો.
 
યાદ રાખો (સેફ્ટી ટીપ): જો ક્યારેય બસમાં આગ લાગે અને ધુમાડો વધી જાય, તો સીધા ઊભા થઈને દોડવાને બદલે નીચે નમીને અથવા ઘૂંટણભેર (Crawl થઈને) બહાર નીકળવાનો પ્રયત્ન કરો. ધુમાડો હંમેશા ઉપર તરફ જાય છે, જેથી નીચે નમવાથી તમને શ્વાસ લેવા માટે શુદ્ધ ઓક્સિજન મળી રહેશે.
About Writer
કલ્યાણી દેશમુખ
Gujarati portal head, Writer.... બધા વાંચો