Last Modified: મહેસાણા: , રવિવાર, 28 ફેબ્રુઆરી 2016 (23:14 IST)
SPG પ્રમુખ લાલજી પટેલનો વિરોધ કરવામાં આવ્યા બાદ લાલજી પટેલનુ એસપીજીના અધ્યક્ષ પદેથી રાજીનામુ
મહેસાણામાં યોજાયેલા મહિલા પાટીદાર મહાસંમેલનમાં ધક્કે ચડાવાતાં અપમાનિત થયેલા લાલજી પટેલે સરદાર પટેલ ગ્રુપ (એસપીજી)ના પ્રમુખપદેથી રાજીનામું ધરી દીધું હતું. અત્યંત ભાવુક થઈ ગયેલા લાલજી પટેલે કહ્યું હતું કે. પાટીદાર સમાજ માટે 17 વર્ષ સુધી કામ કર્યા પછી આ બદલો મળતાં પોતાને એવું લાગે છે કે આ હોદ્દા માટે પોતે લાયક નથી. તેમણે કહ્યું હતું કે રાજકારણથી પ્રેરિત થઇને તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો, જે લોકો પાટીદાર અનામત અંગે ખોટી ખોટી વાતો ફેલાવી રહ્યા છે એ લોકો જ હવે પટેલોને અનામત અપાવશે.
પાટીદાર મહિલા સંમેલનની શરૂઆત થતાં જ પાટીદારો દ્વારા તેમનો વિરોધ શરૂ થઇ ગયો હતો. તમામ પાટીદારો દ્વારા તેમનો વિરોધ કરાયો હતો. લાલજી પટેલ સામે સુત્રોચ્ચાર કરાયા હતા. એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલને મંચ ઉપર પણ જવા દેવાની તક અપાઈ ન હતી. આ સંદર્ભમાં લાલજીએ મોડેથી પોતાની પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, સમાજ માટે તેઓ સેવા કામ કરી રહ્યા હતા. સમાજે જે તેમનું અપમાન કર્યું છે જેથી તેઓ રાજીનામુ આપી રહ્યા છે. સંમેલનમાં એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ સ્ટેજ પર ન બોલાવાતા પાસ અને એસપીજીના કાર્યકરો વચ્ચે બોલાચાલી શરૂ થઇ ગઇ હતી. વિરોધ કરીને લાલજી પટેલને નીચે ઉતારી દેવાયા હતા. લાલજી સાથે ધક્કામુકી કરાઈ હોવાના અહેવાલ પણ મળ્યા છે. જો કે, આને સમર્થન મળ્યું નથી. મોડેથી લાલજી પોતે જ કાર્યક્રમ છોડીને જતા રહ્યા હતા.