1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. કલાકારોની પ્રોફાઇલ

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન
જો કોઈ એમ કહે કે અમિત શ્રીવાસ્તવ એ બોલીવુડનો સૌથી લોકપ્રિય હિરો છે તો સાંભળનાર વ્યક્તિ એ વાતને હંસવામાં કાઢી નાખે. પણ જો તે વાક્યમાં એમ પણ ઉમેરવામાં આવે કે અમિત શ્રીવાસ્તવ એ બીજું કોઈ નહી પણ અમિતાભ બચ્ચન પોતે છે તો કદાચ તે કહેનાર વ્યક્તિના જ્ઞાનને સલામ ભરવી પડે.

હા, અમિત શ્રીવાસ્તવ એ અમિતાભનું સાચું અને ફિલ્મોમાં પદાર્પણ કર્યા પહેલાનું નામ છે. જો કે ફિલ્મોમાં છવાઈ ગયા પછી તો અમિતાભને અનેક નવા નામોની ભેટ મળી. જેમ કે એબી બેબી, બીગ બી, એન્ગ્રી યંગમેન, બોલીવુડનો શહેનશાહ વગેરે વગેરે.

કહેવાય છે કે નામમાં શું રાખ્યું છે. જો કદાચ એવું જ હોત અને અત્યારે અમિતાભ તરીકે ઓળખાતો એક સમયનો યુવાન અમિત તે જ નામને વળગી રહ્યો હોત તો બોલીવુડ હાલ જે દશા અને દિશામાં છે ત્યાં ક્યારેય ન પહોંચ્યું હોત. ટૂંકમાં અમિતાભે માત્ર પોતાને જ સ્ટાર બનાવ્યો એમ નહીં પણ અમિતાભના લીધે બોલીવુડ લોકપ્રિય થયું એમ કહેવું વધુ યોગ્ય છે.

અલ્હાબાદ બોય્સ હાઈસ્કૂલમાથી શાળા અભ્યાસ કરનાર અમિતાભે નૈનિતાલની શેરવૂડ કોલેજમાંથી બી.એ.ની ડિગ્રી લીધા બાદ દિલ્હીની કિરોડીમલ કોલેજમાં એડમીશન લીધું. અમિત અભિનય ઘેલો હોઈ તેણે કોલેજ અભ્યાસ પૂર્ણ થયા બાદ કલકત્તામાં મળેલી નોકરીની તકને જતી કરી.

11 ઓક્ટોબર 1942ના રોજ અલ્હાબાદમાં જન્મેલા અમિતે 27 વર્ષની ઉંમરે 1969માં કે.એસ.અબ્બાસની ફિલ્મ સાત હિન્દુસ્તાની દ્રારા બોલીવુડમાં પદાર્પણ કર્યુ. જો કે બોલીવુડ માટે અમિતાભ બચ્ચનનું નામ ધારણ કરનાર અમિતની પહેલી ફિલ્મ બોક્સઓફિસ પર નીષ્ફળ નીવડી.

પણ જાણીતા કવિ હરિવંશરાય બચ્ચનનો દિકરો અમિત તેનાથી જરાય હતાશ કે નિરાશ થયો નહીં. બીજી ફિલ્મ આનંદ માટે અમિતાભને ફિલ્મફેરનો શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ પ્રાપ્ત થયો. તેનાથી અમિતાભના ઉત્સાહમાં એક નવો જ સંચાર થયો.

આનંદ પછી અમિતાભે 1971માં રેશ્મા ઔર શેરામાં કામ કર્યુ. પરંતુ આનંદને બાદ કરતા શરૂઆતની કોઈ પણ ફિલ્મમાં અમિતાભના અભિનયની કોઈ ખાસ નોંધ ન લેવાઈ.

1973માં પ્રકાશ મહેરાની ફિલ્મ જંજીર દ્રારા અમિતાભની કારકિર્દીમાં સૌથી મહત્વનો વળાંક આવ્યો અને તે સાથે બોલીવુડમાં એન્ગ્રીયંગમેન તરીકે અમિતાભ બચ્ચનનો જન્મ થયો. ત્યારબાદ તો લગભગ દરવર્ષે અમિતાભે કમસેકમ એક હિટ ફિલ્મ આપી. તેમાં દિવાર (1975), શોલે (1975). ત્રીશુલ (1978), ડોન (1978), કાલા પત્થર (1979) અને શક્તિ (1982) સુપરડુપર હિટ રહી.

અમિતાભ ભલે તે વખતે એન્ગ્રીયંગમેન તરીકે જાણીતા બન્યા હોય પણ તેમણે તેમના અભિનયમાં વૈવિધ્યતા લાવવા દરેક પ્રકારની ભૂમિકા નીભાવી. 1975માં ચૂપકે ચૂપકે, 1977માં અમર અકબર એન્થોની, 1980માં દો ઔર દો પાંચ અને 1982માં નમક હલાલમાં અમિતાભે કોમેડીયન તરીકેની ભૂમિકા નીભાવીને પ્રેક્ષકોના દિલ જીતી લીધા. તો 1976માં કભી કભી અને 1981માં સીલસીલામાં અમિતાભે નીભાવેલી રોમેન્ટીક ભૂમિકા યાદગાર બની રહી.

1982માં અમિતાભ સહાયક અભિનેતા પુનીત હિસારના હાથે કુલી ફિલ્મના એક દ્રશ્યના શૂટીંગ દરમિયાન બૂરી રીતે ઘવાયા. તે ઈજાને લીધે મૃત્યુ સમીપ પહોંચી ગયેલા અમિતાભને એક લાંબા ગાળા સુધી સારવાર અર્થે હોસ્પિટલમાં રાખવા પડ્યા. દેશભરમાં અમિતાભના જીવનની રક્ષા માટે પ્રાર્થના સભાઓ યોજાઈ. કોઈ અભિનેતા માટે ફિલ્મ રસીકો આ હદ સુધી જઈ શકે તે એક આશ્વર્યથી કમ નહોતું.

આખરે ફિલ્મ રસીયાઓની દુઆ-પ્રાર્થના ફળી અને તેમનો લાડલો એન્ગ્રીયંગમેન ફરી એકવાર સારોસાજો થઈને કામે વળગ્યો. અમિતાભે સ્વસ્થ થતાં જ કુલીનું શૂટીંગ પૂરૂં કર્યુ. અમિતાભની ઈજા પહેલાં કુલીની ઓરીજીનલ સ્ક્રિપ્ટ પ્રમાણે અમિતાભનું પાત્ર મૃત્યું પામે છે. પરંતુ અમિતાભ પ્રત્યે દેશવાસીઓની લાગણી જોઈને મનમોહન દેસાઈએ સ્ક્રિપ્ટમાં ફેરફાર કરતાં કુલી ફિલ્મના ક્લાઈમેક્સમાં અમિતાભના પાત્રને જીવંત રાખ્યું.

મનમોહન દેસાઈના ફેરફાર સાથેની કુલી ફિલ્મને બોક્સઓફિસ પર ધાર્યા કરતા વધુ સફળતા મળી. મનમોહન દેસાઈએ અમિતાભની ઈજાવાળા દ્રશ્યને ફિલ્મમાં કેપ્શન સાથે દર્શાવ્યું.

1980ના દાયકાના અંતે અમિતાભે રાજકારણમાં પણ જંપલાવ્યું. તે અરસામાં અમિતાભની ફિલ્મોની લોકપ્રિયતામાં ઓટ આવી, પરંતુ અમિતાભની પોતાની લોકપ્રિયતા અકબંધ રહી. અમિતાભની 1989માં રીલીઝ થયેલી જાદુગર અને તૂફાન ફિલ્મો સદંતર નીષ્ફળ નીવડી.

પણ 1991માં રીલીઝ થયેલી હમ અને 1992માં રીલીઝ થયેલી ખુદા ગવાહે સારો વકરો કર્યો. ખુદા ગવાહ ફિલ્મ પછી અમિતાભે કેટલાક વર્ષો માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી સ્વૈચ્છીક નિવૃત્તિ સ્વીકારી.

નિવૃત્તિ પછી અમિતાભે, અમિતાભ બચ્ચન કોર્પોરેશન લીમીટેડ નામે પોતાનું પ્રોડક્શન હાઉસ સ્થાપ્યું અને તેના બેનર તળે જ 1997માં મૃત્યુદાતા ફિલ્મ દ્રારા બોલીવુડમાં પુનરાગમન કર્યુ. પરંતુ અમિતાભની ધમાકેદાર પુનરાગમનની ઈચ્છા બર આવી નહીં.

જો કે 1998માં રીલીઝ થયેલી ગોવિન્દા સાથેની બડે મીયાં છોટે મીયાંએ અમિતાભના જૂના દિવસોની યાદો તાજી કરી. ત્યારબાદ 1999માં રીલીઝ થયેલી સૂર્યવંશમ્ અને લાલ બાદશાહ અમિતાભની અપેક્ષાઓમાં ખરી ઉતરી નહીં.

2000ની સાલમાં અમિતાભે યશ ચોપડાની ફિલ્મ મોહબ્બતેમાં શાહરૂખના સહાયક અભિનેતાની ભૂમિકા નીભાવી. મોહબતે દ્રારા યશરાજ ફિલ્મ્સ અને અમિતાભની જોડીએ ફરી એકવાર બોક્સઓફિસ પર સીલસીલાની સફળતાનો સીલસીલો આગળ વધાર્યો.
દરમિયાન અમિતાભે જૂલાઈ 2000માં ગેમ શો કોન બનેગા કરોડપતિ દ્રારા નાના પડદા પર જંપલાવવાનો નિર્ણય લીધો. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા લોકો, ફિલ્મ સમીક્ષકો, મિડીયા અને તેના અસંખ્ય પ્રશંસકોએ અમિતાભના નાના પડદા તરફ જવાના નિર્ણયની આલોચના કરી. પરંતુ અમિતાભે તે બધાને જ ખોટા ઠેરવતા કોન બનેગા કરોડપતિને ભારતના સૌથી પોપ્યુલર ગેમ શો તરીકે પ્રસ્થાપિત કર્યો.

કોન બનેગા કરોડપતિ ગેમ શોમાં એક કરોડનું ઈનામ રાખવામાં આવ્યું હતું. પરંતુ ઘણા સ્પર્ધકો પૈસા જીતવાની ઈચ્છાથી નહીં પણ અમિતાભની એક ઝલક મેળવવાના ઈરાદાથી ભાગ લેતા. અમિતાભની હાજરીને લીધે આ શો એટલો બધો લોકપ્રિય થયો કે થીયેટર ઓનર્સ એશોસિયેશનના અધ્યક્ષે સવારના સમયે તેનું પ્રસારણ કરવાની વિનંતી કરવી પડી. કારણ કે આ શો રાત્રે પ્રાઈમટાઈમમાં આવતો હોવાથી રાતોરાત થીયેટરોની કમાણી ઘટી ગઈ હતી.

અમિતાભે કોન બનેગા કરોડપતિની સાથે ફિલ્મોમાં અભિનય ચાલુ રાખ્યો. 2001માં તેમની એક રાસ્તા અને કભી ખુશી કભી ગમ રીલીઝ થઈ. ત્યારબાદ રીલીઝ થયેલી અમિતાભ અભિનીત ફિલ્મોમાંથી અક્સ (2001), આંખે (2002), બાગબાન (2003), ખાખી (2004) વગેરે ઠિક ઠિક સફળ રહી.

2005માં અમિતાભ પુત્ર અભિષેક સાથે બંટી ઔર બબલીમાં એક નવા જ અંદાજમાં દેખાયા. તે જ વર્ષે સરકાર અને 2006માં કભી અલવિદા ના કહેનામાં અમિતાભનો અભિનય પ્રશંસનીય રહ્યો. દરમિયાન 2005માં અમિતાભના ગેમ શો કોન બનેગા કરોડપતિનું સ્મોલ સ્ક્રિન પર પુનરાગમન થયું અને ફરીથી ટીવીની દુનિયામાં અમિતાભના નામનો ડંકો વાગવા લાગ્યો.

જો કે 2005ના અંતે અમિતાભ ગંભીર બિમારીમાં પટકાતા તેઓ કૌન બનેગા કરોડપતિનો કોન્ટ્રાક્ટ પૂરો કરી શક્યા નહીં. 2005ના ડિસેમ્બરમાં અમિતાભને મુંબઈમાં સારવારઅર્થે દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા તે સાથે ફરીથી કુલી વખતના દ્રશ્યોનું પુનરાવર્તન થયું. અને અમિતાભ વધુ એક વખત તેમના કરોડો પ્રશંસકોની પ્રાર્થનાથી હેમખેમ થઈને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પાછા ફર્યા.

અમિતાભ વર્ષોથી ફિલ્મી દુનિયામાં છવાયેલા છે પણ તેમણે ક્યારેય તેમના નમ્રતાના ગુણ સાથે સમાધાન કર્યુ નથી. 1970ના દાયકાની શરૂઆતમાં જયા ભાદુરી સાથે લગ્નગ્રંથિથી જોડાયા બાદ અનેક વાર મિડીયાએ તેમના અને રેખાના સંબંધો વિષે અનેક ગોસીપો પ્રસિદ્ધ કરી. પણ અમિતાભે તે ગોસીપને ગોસીપ પૂરતી જ મર્યાદિત રહેવા દિધી. અંગત જીવનમાં જયાના પતિ તરીકે, માતા તેજી બચ્ચન અને પિતા હરિવંશરાય બચ્ચનના દિકરા તરીકે અને અભિષેક-શ્વેતાના પિતા તરીકે ક્યારેય તેઓ તેમની મર્યાદા ચૂક્યા નથી.

તે જ રીતે 1980ના દાયકામાં બોફોર્સકાંડમાં નામ ઉછળતા જ અમિતાભે સંસદસભ્યપદેથી રાજીનામું આપી દિધું. તેઓ છેક રાજીવ ગાંધીના મૃત્યુ સુધી ગાંધી પરીવારની સાથે નીકટના સંબંધો ધરાવતા હતા. તે તેમજ રાજીવના મૃત્યુ પછી સમાજવાદી પક્ષ સાથેના સંબંધોને લીધે ગાંધી પરીવાર સાથેના સંબંધોમાં આવેલી કડવાશની વાત જગજાહેર છે. પરંતુ અમિતાભ હંમેશા તે બાબતે કોઈ ટીકાટીપ્પણી કરવાથી દૂર રહ્યા છે.
About Writer
પરૂન શર્મા