1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. કલાકારોની પ્રોફાઇલ

શાહરૂખ ખાન

શાહરૂખ ખાન
2 નવેમ્બર 1965ના રોજ નવી દિલ્હીમાં જન્મેલા અને દિલ્હીમાં જ ઉછરેલો શાહરૂખ ખાન નાનપણથી જ અભિનેતા બનવાનું સપનું સેવતો હતો. શાહરૂખે તેનું સપનું પૂરૂં કરવા દિલ્હીમાં અભિનયનું શિક્ષણ લીધું. ત્યારબાદ રંગભૂમિ અને સિરીયલોમાં અભિનય કર્યા બાદ શાહરૂખ 1990ના દાયકાની શરૂઆતમાં મુંબઈ પહોંચ્યા. શાહરૂખ મુંબઈ ગયા તે અગાઉ ફોજી અને સરકસ જેવી લોકપ્રિય ટીવી સિરીયલો દ્વારા પ્રેક્ષકોમાં છવાઈ ગયા હતા.

તેથી તેને બોલીવૂડમાં પોતાનું સ્થાન પાક્કું કરતા ખાસ સમય ન લાગ્યો. 1992માં શાહરૂખની પાંચ ફિલ્મો રીલીઝ થઈ અને શાહરૂખ રાતોરાત સિરીયલ સ્ટારમાંથી ફિલ્મસ્ટાર બની ગયો. શાહરૂખની ફિલ્મ દિવાનાથી પ્રેક્ષકો તેના દિવાના થઈ ગયા. ત્યારબાદ યશ ચોપડાની ડર અને અબ્બાસ મસ્તાનની બાઝીગરે શાહરૂખની લોકપ્રિયતા વધારવામાં મહત્વની ભૂમિકા નીભાવી.

આ બંને ફિલ્મોમાં શાહરૂખે વિલનની ભૂમિકા નીભાવી. પરંતુ તેણે ફિલ્મના મુખ્ય નાયકના પાત્રથી પણ વધુ વાહવાહી મેળવી. 1995માં યશ ચોપડાએ શાહરૂખને લઈને દિલવાલે દુલ્હનીયા લે જાયેંગેનું નિર્માણ કર્યુ. શાહરૂખ આ ફિલ્મ દ્રારા ફિલ્મ રસિયાઓના માનસપટલ પર છવાઈ ગયા. 90ના દાયકા કે તે પછી ફિલ્મોમાં પ્રવેશ કરનાર અભિનેતાઓમાં શાહરૂખ ખાન તેના ઉપનામ કિંગ ખાનની જેમ જ છેલ્લા દશ દશ વર્ષોથી સર્વોચ્ચ શિખરે બિરાજી રહ્યો છે.

શાહરૂખ ખાને અભિનયની સાથે નિર્દેશનમાં પણ હાથ અજમાવ્યો છે. વર્ષ 2000માં ફિલ્મ નિર્માણ કંપની ડ્રિમ્ઝ અનલીમીટેડના બેનર તળે શાહરૂખ ખાને જૂહી ચાવલા અને અજીજ મિર્ઝા સાથે મળીને ફિલ્મ ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાનીનું નિર્માણ કર્યુ. તેમાં શાહરૂખ અને જૂહી ચાવલાએ મુખ્ય ભૂમિકા નીભાવી. જો કે ફિલ્મનો બોક્સઓફિસ પર ફિયાસ્કો થયો. શાહરૂખ નિર્મિત અશોકા પણ કંઈ ખાસ ઉકાળી શકી નહીં.

જો કે નિર્માતા તરીકે શાહરૂખની મૈં હું ના હિટ પૂરવાર થઈ. 2005માં રીલીઝ થયેલી આ ફિલ્મને ફિલ્મ રસીયાઓની સારી એવી પ્રતિક્રિયાઓ પ્રાપ્ત થઈ. શાહરૂખ એક અભિનેતા તરીકે ચોક્કસપણે તેને પોતાને પૂરવાર કરી ચૂક્યો છે. પરંતુ અવારનવાર તેના પર આત્મકેન્દ્રી હોવાનો આક્ષેપ થાય છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અંતરગ સૂત્રોના મતે શાહરૂખ પોતાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બહારથી આવીને સ્થાયી થનાર એક માત્ર સ્ટાર માને છે. તેથી ફિલ્મ સમીક્ષકોના મતે લોકપ્રિયતા અને સ્ટારડમની સાથે શાહરૂખ એક ચોક્કસ પરીઘ પૂરતો મર્યાદિત થઈ ગયો છે.

શાહરૂખ હવે પસંદગીના નિર્માતા-નિર્દેશકોની ફિલ્મોમાં જ કામ કરે છે. સ્ટારડમની એક નવી પરીભાષા ઘડનાર શાહરૂખ અભિનયમાં ભલે પાવરધો હોય પરંતુ તેણે હજુ સુધી તેની અભિનય શૈલી સાથે નોંધપાત્ર કહી શકાય તેવા કોઈ જ પ્રયોગો કર્યા નથી. યશ ચોપડા અને યશ જોહર જેવા બોલીવૂડના પીઢ નિર્માતાઓનો લાડલો એવો શાહરૂખ તે બંને ડાયરેક્ટરોના પુત્ર આદિત્ય ચોપડા અને કરણ જોહરનો પણ લાડલો છે.

શાહરૂખે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પદાર્પણ કર્યા બાદ અંગત સંબંધોને લીધે ચોપડા પરીવાર અને જોહર પરીવાર કોઈ પણ નવી ફિલ્મ બનાવતી વખતે અભિનેતા તરીકે સૌથી પહેલા શાહરૂખનો વિચાર કરે છે. શાહરૂખે જોહર પરીવારની કુછ કુછ હોતા હૈ, કભી ખુશી કભી ગમ અને કલ હો ના હો જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે

તો ચોપડા પરીવારે તેને દિલવાલે દુલ્હનીયા લે જાયેન્ગે અને દિલ તો પાગલ હૈ જેવી હિટ ફિલ્મોમાં તક આપી હતી. અત્યાર સુધી અનેક અભિનેત્રીઓ સાથે જોડી બનાવી ચૂકેલો શાહરૂખની જોડીઓમાંથી તેની કાજોલ અને જૂહી ચાવલા સાથેની જોડીઓ નોંધપાત્ર અને લોકપ્રિય બની છે.

વર્ષ 2007માં શાહરૂખ બીગ બીના નકશેકદમ પર ચાલતા ભારતીય ટીવી જગતના સૌથી મોટ શો કોન બનેગા કરોડપતિના સૂત્રધાર તરીકે નાના પડદા પર એક લાંબા અરસા પછી પુનરાગમન કરી રહ્યો છે.

સેન્ટ કોલંબીયા સ્કૂલ અને દિલ્હીની હંસરાજ કોલેજમાંથી શિક્ષણ પ્રાપ્ત કરનાર શાહરૂખે અર્થશાસ્ત્રમાં ઓનર્સ ડિગ્રી સુધીનો અભ્યાસ કર્યો. ત્યારબાદ તેણે જામીયા મીલીયા ઈસ્લામીયા સ્કૂલમાં માસ કોમ્યુનિકેશનમાં માસ્ટર ડિગ્રી કરવાના ઈરાદે એડમિશન લીધું.

પત્ની ગૌરી, પુત્ર આર્યન અને પુત્રી સુહાનાને દિલોજાનથી ચાહતો શાહરૂખે તેના આગલા લક્ષ્યાંક તરીકે ઓસ્કર એવોર્ડ પર નજર ઠેરવી છે. 1988માં ફૌજી સિરીયલમાં કમાંડો અભિમન્યુ રાય બનેલો શાહરૂખ અત્યારે હિન્દી ફિલ્મોનો કમાન્ડ સંભાળી રહ્યો છે.

2005માં શાહરૂખ અભિનિત ફિલ્મ પહેલીને ફોરેન ફિલ્મ કેટેગરીના એવોર્ડ માટે એકેડમી એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવી હતી. 2006માં શાહરૂખની મહાત્વાકાંક્ષી ફિલ્મો કભી અલવીદા ના કહેના અને ડોન રીલીઝ થઈ. જો કે બંને જ ફિલ્મો બોક્સ ઓફિસ પર ધારી સફળતા મેળવવામાં નિષ્ફળ નીવડી.

શાહરૂખ 13 વખત ફિલ્મફેર બેસ્ટ એક્ટર એવોર્ડ માટે નોમીનેટ થયો છે જેમાંથી છ વખત તે આ એવોર્ડ મેળવવામાં કામયાબ રહ્યો છે. 1992માં ફિલ્મ ડર અને 1994માં ફિલ્મ અંજામના નકારાત્મક પાત્ર માટે શાહરૂખ બેસ્ટ વિલનની શ્રેણીમાં નામાંકિત થયો હતો.

તેમાંથી અંજામ માટે તેણે બેસ્ટ વિલનનો ફિલ્મફેર એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. 2005માં ભારત સરકાર ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રી મેળવનાર શાહરૂખને 1997માં બેસ્ટ ઈન્ડિયન સીટીઝનનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો.

વિડીયો ગેમ રમવાનો શોખીન શાહરૂખને ટાઈમ મેગેઝીને સૌથી જાણીતો અભિનેતા ગણાવ્યો છે.
About Writer
પરૂન શર્મા