બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By અર્જુન પરમાર|
Last Modified: ગુરુવાર, 5 ડિસેમ્બર 2019 (11:59 IST)

હેલ્મેટથી પણ મોટી એ પાંચ માગણીઓ જેને સરકારના નિર્ણયનો છે ઇંતેજાર

ગુજરાત સરકાર દ્વારા શહેરો, નગરપાલિકા અને મહાનગરપાલિકાઓના રસ્તા પર 'હેલ્મેટ' પહેરવાને મરજિયાત કરી દેવાયું છે. ગુજરાત સરકારના મંત્રી આર. સી. ફળદુએ બુધવારે આ અંગે માહિતી આપતાં કહ્યું કે ગુજરાત સરકારે જનતાની લાગણી અને માગણીને માન આપી આ નિર્ણય લીધો છે. આર. સી. ફળદુએ ગુજરાત સરકારે કૅબિનેટની મિટિંગમાં આ નિર્ણય લીધો હોવાની વાત સ્વીકારી.
 
અહીં નોંધનીય છે કે આ નિર્ણય બાદથી હવે ગુજરાતમાં નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારોમાં ટુ-વ્હિલર ચાલકોએ 'હેલ્મેટ' ન પહેરવા બદલ કડક દંડ નહીં ચૂકવવો પડે. હવે અહીં પ્રશ્ન એ થાય છે કે લોકોની લાગણીઓને માન આપવાનો તર્ક આપી જ્યારે ગુજરાત સરકારે હેલ્મેટનો નિયમ હળવો બનાવ્યો છે ત્યારે શું લોકો દ્વારા થતી અન્ય મહત્ત્વની માગણીઓ પર પણ સરકાર આટલી સંવેદનશીલતા દાખવશે?
 
નોંધનીય છે કે ગુજરાતના ઘણા સમુદાયો જેમ કે ખેડૂતો, શિક્ષકો, આંગણવાડી કાર્યકરો, સરકારી કર્મચારીઓ અને આદિવાસી લોકો દ્વારા પોતપોતાની માગણીઓને લઈને સરકાર સમક્ષ અવારનવાર રજૂઆતો અને પ્રદર્શનો કરતાં રહ્યાં છે. 
 
તો શું હવે ગુજરાત સરકાર આ તમામ સમુદાયોની માગણીઓ પર પણ ગંભીરતાપૂર્વક વિચાર કરશે કે કેમ?
 
ખેડૂતોની દેવામાફીની માગણી
 
છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો અવારનવાર દેવામાફી માગ સાથે સરકાર સમક્ષ ઊગ્ર રજૂઆતો કરી રહ્યા છે. તેમ છતાં હજુ સુધી સરકાર 'જગતના તાત'ની મહત્ત્વપૂર્ણ માગણી પરત્વે ગંભીરપણે વિચાર કર્યો નથી એવી ખેડૂતોની લાગણી છે. જોકે, સરકાર લગભગ દરેક વિધાનસભા સત્ર અગાઉ જે-તે સત્રમાં ખેડૂતોના દેવામાફી અંગે નિર્ણય લેવાની વાત જરૂર કરે છે. તેમ છતાં સરકાર આ મુદ્દે કોઈ નક્કર નિર્ણયે પહોંચી શકી નથી.
 
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર ગુજરાતમાં લગભગ 35 લાખ ખેડૂતો ખેતી માટે લીધેલી લૉનના બોજા હેઠળ દબાયેલા છે. આ અહેવાલ મુજબ આ તમામ ખેડૂતોએ બૅંકોને 82,075 કરોડ રૂપિયાનું દેવું ચૂકવવાનું બાકી છે.
 
શિક્ષકોનો વિરોધ
 
ગુજરાતમાં પાછલા કેટલાક સમયથી રાજ્યની સરકારી શાળાના શિક્ષકો દ્વારા જુદી-જુદી માગણીઓને લઈને આંદોલનો થઈ રહ્યાં છે. ધ હાન્સ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે ફેબ્રુઆરી 2019માં ગુજરાતની લગભગ તમામ સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોએ CCC પરીક્ષા પાસ કરવાના નિયમમાં છૂટછાટ, જૂની પેન્શન સ્કીમ લાગુ કરવા મુદ્દે તેમજ ફિક્સ્ડ-પેના વિરોધ જેવા મુદ્દાઓને લઈને વિધાનસભાની સામે વિરોધપ્રદર્શન કર્યું હતું.
 
ત્યારે સરકારે શિક્ષકોના વિરોધને ડામવા માટે ત્રણ મંત્રીઓની એક સમિતિ નીમી હતી. ગુજરાત સરકાર પાસેથી વાજબી માગણીઓ પૂરી કરવાના આશ્વાસન છતાં હજુ સુધી શિક્ષકોની મોટા ભાગની માગણીઓ પડતર પડી છે.
 
તો શું આ મુદ્દો ગુજરાત સરકારને મન 'હેલ્મેટ'ના મુદ્દા કરતાં ઓછો સંવેદનશીલ અને મહત્ત્વપૂર્ણ છે. 
 
આંગણવાડી અને આશા વર્કરોના ફિક્સ પગારનો મુદ્દો
 
ગુજરાતમાં આશા વર્કરોમાં પણ ફિક્સ-પગાર અને અને કામના ફિક્સ કલાકો મુદ્દે ઘણા સમયથી અસંતોષની લાગણી પ્રવર્તી રહી છે. ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે ગુજરાતમાં આશા વર્કરોએ ઇન્સેન્ટિવના સ્થાને 9,450 રૂપિયાના ફિક્સ વેતનની માગણી પૂરી ન થાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ સિવાય આંગણવાડી વર્કરોએ પણ પોતાના પગારમાં ત્રણગણો વધારો કરવાની રજૂઆતો કરી હતી.
 
આંગણવાડી અને આશા કાર્યકરો દ્વારા કામથી દૂર રહી વિરોધ કરવાની ચીમકીઓ છતાં પણ ગુજરાત સરકારે તેમની માગણીઓ અંગે ગંભીરતા દાખવી નથી.
 
તલાટીઓનો વિરોધ
 
હાલમાં જ ગુજરાતની ગ્રામપંચાયતોમાં કાર્યરત તલાટી કમ મંત્રીઓ માટે ઓનલાઇન ઍપ્લિકેશન સિસ્ટમ મારફતે ફરજિયાત હાજરી પુરાવવાનો નિયમ વિરુદ્ધ તલાટીઓ જંગે ચઢ્યા હતા. દિવ્ય ભાસ્કર ડોટ કૉમના એક અહેવાલ પ્રમાણે ફરજિયાત હાજરી સિવાય હાજરી નહીં પૂરનાર તલાટીઓ સામે સી.એલ. કપાત પગારની રજાના આદેશો તેમજ અન્ય શિક્ષાત્મક પગલાં ભરાઈ રહ્યાં હતાં. જેના વિરોધમાં તલાટીઓએ આ તમામ નિયમો હળવા બનાવી, પરિસ્થિતિ પૂર્વવત્ નહીં બનાવાય તો 2 ડિસેમ્બર, 2019ના રોજ મહેસૂલી કામગીરીથી દૂર રહી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
 
અહીં નોંધનીય છે કે તલાટી આંદોલનના આગેવાનોએ સરકારના આ હુકમોને અન્યાયકર્તા ગણાવ્યા હતા તેમજ જો ફરજિયાત હાજરીનો આગ્રહ રખાય તો કામના કલાકો ઘટાડવાની પણ માગ કરી હતી.
આ મુદ્દે તેમના પ્રતિનિધિમંડળ દ્વારા મુખ્ય મંત્રીને આવેદન પત્ર પાઠવ્યું હતું.
 
 
જમીનસંપાદન મુદ્દે આદિવાસીઓનું આંદોલન
 
ગુજરાત સરકારની મહત્ત્વકાંક્ષી યોજનાઓ જેમ કે સરદાર સરોવર યોજના અને પછી સ્ટેચ્યૂ ઑફ યુનિટીના બાંધકામ-વિકાસ માટે નર્મદા જિલ્લામાં વસતા હજારો આદિવાસીઓને જમીનો ગુમાવવાનો વારો આવ્યો છે. સરદાર સરોવરની આસપાસનાં ગામોમાં વરસાદના સમયે પાણી આસપાસનાં ગામડાં અને ખેતરોમાં ઘૂસી જવાના કારણે આદિવાસીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
 
બીબીસી ગુજરાતીના એક અહેવાલ અનુસાર ગુજરાત સરકારની આ સુઘડ યોજનાઓ નર્મદા જિલ્લાના આદિવાસીઓ માટે દુ:સ્વપ્ન સાબિત થઈ છે. ઘણા લોકોને પોતાની રોજગારી, ઘણાને પોતાની પૈતૃક જમીનો અને આવકનાં સાધનો ગુમાવવાં પડ્યાં છે. આદિવાસીઓએ રાજ્ય સરકારની આ યોજનાઓના વિરોધમાં અવારનવાર અવાજ બુલંદ કર્યો હોવા છતાં સરકારી તંત્રના બહેરા કાન પર આદિવાસીઓના વિરોધનો અવાજ નથી પડી રહ્યો.