સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 5 ડિસેમ્બર 2019 (18:49 IST)

૮૦૦થી વધુ વિદ્યાર્થીઓના ભાવિ માટે મહત્વપૂર્ણ નિર્ણય, રાજ્ય સરકાર DPS સ્કૂલને લેશે દત્તક

અમદાવાદની DPS ઇસ્ટના ૮૦૦થી વધુ વિદ્યાર્થીઓના ભાવિ માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ નિર્ણયની ભૂમિકા પ્રચાર માધ્યમોને આપતા કહ્યું કે આ શૈક્ષણિક સત્ર સુધી આ શાળાનું સંચાલન રાજ્ય સરકાર કરશે અને ધોરણ ૧થી ૧૨ ના જે વિદ્યાર્થીઓ હાલ DPSમાં અભ્યાસ કરે છે તેમને આ જ શાળામાં અભ્યાસ કરવા દેવાશે. રાજ્ય સરકારે DPS મુદ્દે વિદ્યાર્થીઓ અને વાલીઓના વ્યાપક હિતને ધ્યાને રાખીને અને સરકાર સમક્ષ આવેલી રજૂઆતોને લક્ષ્યમાં લઇને રાજ્ય સરકારના ઈતિહાસમાં પ્રથમ વાર આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રને હમેશાં પ્રાથમિકતા આપી છે અને રાજ્ય શાસનની જનહિત જવાબદારી રૂપે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
 
શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે CBSE દ્વારા DPS ઇસ્ટ અમદાવાદ સ્કૂલની માન્યતા રદ્દ કરવાને પરિણામે ઊભી થયેલી પરિસ્થિતિ અંગે વિદ્યાર્થીઓના વિશાળ હિતને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે CBSEના ચેરમેન સાથે પરામર્શ કર્યો હતો. આ સંદર્ભમાં CBSEના વરિષ્ઠ અધિકારી શ્રી ચતુર્વેદી અને અજમેરની રિજિયોનલ ઓફિસના અધિકારી પૂનમબહેને ગુજરાત આવીને શિક્ષણના અધિકારીઓ, વાલીઓ સાથે મુલાકાત કરી હકીકતો મેળવી હતી. 
 
આ સમગ્ર ચર્ચાઓમાં વિદ્યાર્થીઓનું હિત તાત્કાલિક જળવાય અને વાલીઓની મૂંઝવણ દૂર થાય તે બાબત કેન્દ્રસ્થાને રહી હતી. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે તેમની સાથે પણ CBSEના અધિકારીઓએ બેઠક કરીને પરામર્શ કર્યો હતો. 
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ સમગ્ર મુલાકાતના નિષ્કર્ષથી શિક્ષણ મંત્રીએ માહિતગાર કરતા વિજય રૂપાણીએ પણ વિદ્યાર્થીઓના વિશાળ હિતને અગ્રતા આપતા આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. શિક્ષણ મંત્રીએ પ્રચાર માધ્યમો સમક્ષ આ અંગેની વિગતવાર માહિતી આપી હતી.