મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 5 ડિસેમ્બર 2019 (11:34 IST)

બિન સચિવાલય કલાર્કની પરીક્ષા હજારો ઉમેદવારોએ ગાંધીનગરમાં રોડપર રાતવાસો કર્યો

બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિને લઇને ગઇકાલથી પરીક્ષાર્થીઓ આંદોલન કરી રહ્યાં છે. આંદોલન ઉગ્ર બનતા અને પરીક્ષાર્થીઓ ટસના મસ ન થતાં આખરે 24 કલાક બાદ સરકાર ઝુકી છે, આંદોલનકારીઓ સાથે મંત્રણાઓ શરૂ કરવામાં આવી છે. આ માટે જિલ્લા કલેક્ટરને આંદલોનકારીઓ સાથે ચર્ચા કરવા સૂચના આપવામાં આવી છે. જિલ્લા કલેક્ટર દ્વારા યુવરાજસિંહ સહિત બે પ્રતિનિધિઓ સાથે બેઠક શરૂ કરવામાં આવી છે અને તેમને મનાવવાના પ્રયાસો કરી રહ્યાં છે, પરંતુ પરીક્ષાર્થીઓ બિન સચિવાલયની પરીક્ષા રદ ન થાય ત્યાં સુધી આંદોલન નહીં સમેટવાની વાત પર મક્કમ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં લાખો ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરંતુ રાજ્યના અનેક પરીક્ષા કેન્દ્રો ઉપર ચોરી થઇ હોવાના આક્ષેપ સાથે બુધવારે ઉમેદવારોએ ગાંધીનગરના કર્મયોગી ભવનમાં સવારથી આંદોલન શરૂ કર્યું હતું. રાજ્યભરમાંથી આવેલા 5 હજાર જેટલા ઉમેદવારો રાત પડી ગઈ હોવા છતાં હટવા તૈયાર નથી. તેમજ ઠંડી અને પવન વચ્ચે રોડ પર રાત વિતાવી હતી. માત્ર એટલું જ નહીં, ધાબળા પણ મંગાવ્યા હતા. જો કે આ ધાબળા પણ ખુટી પડ્યા હતા. તેમાના કેટલાક આંદોલનકારીઓએ યુવતીઓને ધાબળા આપ્યા હતા. આમ છતાં આંદોલનકારીઓ હિંમત હાર્યા વિના લડત લડી રહ્યા છે. વહેલી સવારે પણ વિદ્યાર્થીઓ ગાંધીનગરના રસ્તાઓ પર સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. સવારે એક સંસ્થા અને સ્થાનિક લોકો દ્વારા વિદ્યાર્થીઓને નાસ્તો આપવામાં આવ્યો હતો, ત્યારે ભૂખ્યા વિદ્યાર્થીઓએ કડકડતી ઠંડીમાં નાસ્તો કર્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આજે ગાંધીનગરના કર્મયોગી ભવન ખાતે આંદોલન કરી રહેલા બિન સચિવાલયની પરીક્ષાના ઉમેદવારોને મળવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે કહ્યું હતું કે, હું આંદોલનકારીઓની સાથે છું અને તેમની લડતમાં ભાગીદાર છું. આંદોલનકારીઓએ રજૂઆત કરી હતી કે અમે પુરાવા રજૂ કર્યા છતાં પણ સરકાર અમારી વાત સાંભળતી નથી. જેના જવાબમાં તેમણે કહ્યું કે, સરકારે આંદોલનકારીઓની વાતને સાંભળવી જોઇએ. આજે હું ગર્વનરને ફોન કરીશ અને રજૂઆત કરીશ કે જો થઇ શકે તો આ પરીક્ષાને રદ કરવામાં આવે.