શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 14 જૂન 2016 (11:09 IST)

જસવંત ગાંગાણી કરશે ગુજરાતી ફિલ્મોમાં કમબેક,બેઝુબાં ઈશ્ક ફિલ્મ યૂટ્યૂબ પર 1 સપ્તાહમાં 5 લાખ લોકોએ જોઈ

ગુજરાતી ફિલ્મોમાં હીટ ફિલ્મો આપનાર લેખક દિગ્દર્શક જશવંત ગંગાણીએ 2001માં  સુપરહીટ ગુજરાતી ફિલ્મ મૈયરમાં મનડુ નથી લાગતું બનાવી. ત્યાર બાદ માંડવા રોપાવો માણારાજ નામની ફિલ્મ દર્શકોને ખાસી પસંદ પડી. તેમણે ફરીવાર 2005માં મે તો પાલવડે બાંધી પ્રીત નામની ફિલ્મ આપી જે ગુજરાતી ફિલ્મોમાં સૌથી વધુ સફળ રહેનારી ફિલ્મ નિષ્ણાંતોના મને ચર્ચાતી હતી. તે સિવાય  2001માં બનાવેલી ફિલ્મ મૈયરમાં મનડુ નથી લાગતુ આ ફિલ્મની સિક્વલ પણ 2008માં બનાવી તે પણ હીટ સાબિત થઈ. આ ફિલ્મ પરથી બોલિવૂડમાં વિવાહ નામની ફિલ્મ બની. જસવંત ગાંગાણીએ ગુજરાતી સહિત હિન્દી ફિલ્મોમાં પણ હાથ અજમાવ્યો. તેમણે બેઝુબાં ઈશ્ક નામની હિન્દી ફિલ્મ બનાવી. આ ફિલ્મ રીલિઝ થવાની હતી ત્યારે ડીસ્ટ્રીબ્યુટર્સની પોલિટિકલ નીતિ તેમને ભારે પડી ગઈ હતી. કારણ કે એ સમયે હાઉસફુલ-2 અને તનું વેડ્સ મનું જેવી ફિલ્મો રીલિઝ થઈ હતી. જેથી જસવંત ગાંગાણીને બેઝુબાં ઈશ્ક માટે ખાસ શો ના મળ્યાં અને ફિલ્મ ખાસ કમાઈ શકી નહીં. પરંતું આજે એવું બન્યું કે તેમની ફિલ્મે યૂટ્યૂબ પર ધૂમ મચાવી દીધી. યૂટ્યૂબ પર માત્ર એક જ સપ્તાહના સમયગાળામાં આ ફિલ્મને 5 લાખથી વધુ લોકોએ જોઈ અને સારા પ્રતિભાવો પણ આપ્યાં.

 હવે તેઓ બે નવી ગુજરાતી ફિલ્મો લઈને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કમબેક કરી રહ્યાં છે. તે સિવાય તેઓ એક નવી હિન્દી ફિલ્મ પણ બનાવી રહ્યાં છે.  આ અંગે જસવંત ભાઈનું કહેવું છે કે એક સમયે ફિલ્મ ડિસ્ટ્રીબ્યુશન લેવલ પર રાજકારણ રમાઈ જવાને કારણે મારી ફિલ્મને ખાસ પ્રતિભાવ નહોતો મળ્યો પણ દર્શકોએ મારી ફિલ્મને યૂટ્યૂબ પર સારો પ્રતિભાવ આપીને મારી ખુશીમાં વધારો કર્યો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે જો સ્ટોરી સારી હોય તો લોકો તેને પસંદ કરતાં જ હોય છે. જે લોકો મારી ફિલ્મ થિયેટરમાં ના જોઈ શક્યા, તેમણે યૂટ્યૂબ પર માત્ર એક સપ્તાહમાં જોઈને રેકોર્ડ સર્જી નાખ્યાં જેવો પ્રતિભાવ આપ્યો છે. બેઝુબાં ઈશ્ક ફિલ્મને યૂટ્યૂબ પર અપલોડ કરે હજી એક અઠવાડિયું જ થયું છે અને આટલા ઓછા સમયગાળામાં 5 લાખથી વધુ લોકોએ મારી ફિલ્મ જોઈને સારો પ્રતિભાવ આપ્યો એજ મારી સફળતા છે.