હીજબુલ્લાહ પર ઈઝરાયેલ હુમલાથી સંકટમાં પડ્યું સીઝફાયર, ઈરાને હોર્મુજને ફરી કર્યું બંધ
ઈરાનના રાજ્ય મીડિયા, ઈસ્લામિક રિપબ્લિક ન્યૂઝ એજન્સી (IRNA) અનુસાર, પશ્ચિમ એશિયામાં યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે બે અઠવાડિયાનો યુદ્ધવિરામ હવે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. લેબનોનમાં હિઝબુલ્લાહ સામે ઇઝરાયલના ભારે હુમલાઓને કારણે તેહરાને ફરીથી સ્ટ્રેટેજીક હોર્મુઝ સ્ટ્રેટને એકવાર ફરી બ્લોક કરવાનો નિર્ણય લીધો છે. દરમિયાન, યુએસ પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું છે કે હિઝબુલ્લાહ યુદ્ધવિરામ કરારનો ભાગ નહોતો.
ઈરાન દ્વારા તેલના ટેન્કરો પર રોક IRNA ના અહેવાલ મુજબ, લેબનોન પર ઇઝરાયેલના સતત હુમલાઓના જવાબમાં ઈરાને વ્યૂહાત્મક જળમાર્ગ (Strategic Waterway) પરથી તેલના ટેન્કરોની અવરજવર અટકાવી દીધી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલા યુદ્ધવિરામ છતાં ઇઝરાયેલના સૈન્ય ઓપરેશન ચાલુ રહેતા ઈરાને આ પગલું ભર્યું છે, જેના કારણે વૈશ્વિક ઉર્જા પુરવઠા અને સુરક્ષાને લઈને નવી ચિંતાઓ ઊભી થઈ છે.
લેબનોનમાં ઇઝરાયેલના ભીષણ હુમલા
ઇઝરાયેલની સેનાએ લેબનોનમાં 'ઓપરેશન રોરિંગ લાયન' હેઠળ અત્યાર સુધીનો સૌથી મોટો સમન્વયિત હુમલો કર્યો છે. લેબનોનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 112 લોકોના મોત થયા છે અને 800થી વધુ લોકો ઘાયલ થયા છે. ઇઝરાયેલે દાવો કર્યો છે કે તેણે બેરૂત, બેકા વેલી અને દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહના 100થી વધુ કમાન્ડ સેન્ટરો અને સૈન્ય મથકોને નિશાન બનાવ્યા છે.
હિઝબુલ્લાહના નેટવર્ક પર પ્રહાર
IDF (ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ) ના ચીફ લેફ્ટનન્ટ જનરલ ઇયાલ ઝમીરે જણાવ્યું કે આ ઓપરેશન ચોક્કસ ગુપ્ત માહિતી પર આધારિત હતું અને તે ઘણા અઠવાડિયાના આયોજન બાદ કરવામાં આવ્યું છે. હુમલામાં ખાસ કરીને હિઝબુલ્લાહના ઇન્ટેલિજન્સ સેન્ટરો, મિસાઈલ અને નેવલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અને તેમની એલિટ 'રાડવાન ફોર્સ' ના ઠેકાણાઓને તોડી પાડવામાં આવ્યા છે જેથી ઇઝરાયેલની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.
ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેની શરતો
વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી હિઝબુલ્લાહનો ખતરો ખતમ નહીં થાય ત્યાં સુધી હુમલા ચાલુ રહેશે. જોકે, નેતન્યાહુના કાર્યાલયે જણાવ્યું છે કે ઇઝરાયેલ ટ્રમ્પના બે અઠવાડિયા સુધી હુમલા રોકવાના પ્રસ્તાવને સમર્થન આપી શકે છે, પરંતુ તેની શરત એ છે કે ઈરાને તાત્કાલિક તેલના જળમાર્ગો ખોલવા પડશે અને અમેરિકા તેમજ ઇઝરાયેલ વિરુદ્ધના હુમલાઓ બંધ કરવા પડશે.
ઈરાનના વિદેશ મંત્રી બોલ્યા- અમેરિકાએ સીઝફાયર અને યુદ્ધમાંથી એક પસંદ કરવું પડશે
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ અમેરિકાને કહ્યું છે કે તેણે સીઝફાયર (યુદ્ધવિરામ) અને યુદ્ધમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવો પડશે.તેમણે કહ્યું કે સીઝફાયરની શરતો સ્પષ્ટ છે- અમેરિકા કાં તો યુદ્ધવિરામ લાગુ કરે અથવા ઈઝરાયલ દ્વારા યુદ્ધ ચાલુ રાખે, પરંતુ બંને એકસાથે ચાલી શકે નહીં.
અરાઘચીએ લેબનોનમાં થઈ રહેલી હિંસાનો ઉલ્લેખ કરતા કહ્યું કે વિશ્વ આ પરિસ્થિતિને જોઈ રહ્યું છે અને હવે દડો અમેરિકાના મેદાનમાં છે. તેમણે ઉમેર્યું કે સમગ્ર વિશ્વની નજર એ વાત પર ટિકેલી છે કે અમેરિકા પોતાના વાદાઓ નિભાવે છે કે નહીં.
અમેરિકા સાથે થયેલું યુદ્ધવિરામ દેશની એકતા અને લોકોના સમર્થનનું પરિણામ
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પજશકિયાનએ કહ્યું છે કે અમેરિકા સાથે થયેલું યુદ્ધવિરામ દેશની એકતા અને લોકોના સમર્થનનું પરિણામ છે. તેમણે કહ્યું કે આ સમજૂતી તેમના પૂર્વ સુપ્રીમ લીડર અલી ખામેનીના બલિદાનનું પરિણામ છે, જેમનું મૃત્યુ 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકી-ઈઝરાયલી હુમલાઓમાં થયું હતું. પજશકિયાનએ કહ્યું કે હવે પણ દેશ એકજૂટ રહેશે અને દરેક મોરચે સાથે મળીને કામ કરશે ભલે તે વાતચીત હોય, સુરક્ષા હોય કે લોકોની સેવા.
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે બે અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત કરી છે અને કહ્યું છે કે ઈરાનનો 10 મુદ્દાનો પ્રસ્તાવ આગળની વાતચીતનો આધાર બની શકે છે.