1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Ahmedabad Serial Blast Case

અમદાવાદ 2008 સિરિયલ બ્લાસ્ટ કેસ: ગુજરાત હાઈકોર્ટે 38 દોષિતોની ફાંસીની સજા રાખી યથાવત

high court
વર્ષ 2008ના અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઇકોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટના નિર્ણયને સંપૂર્ણપણે માન્ય રાખતા 38 દોષિતોને ફટકારાયેલી ફાંસીની સજા અને 11 દોષિતોને આપવામાં આવેલી આજીવન કેદની સજા યથાવત રાખી છે. આ સાથે જ કોર્ટે દોષિતો દ્વારા સજા સામે કરવામાં આવેલી તમામ અપીલોને ફગાવી દીધી છે. આ ચુકાદાને પગલે ગુજરાત હાઇકોર્ટ પરિસરમાં બોમ્બ સ્કવોડ અને મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

વર્ષ 2008નો એ કાળો દિવસ: 21 ધડાકા, 56 મોત અને દેશના ઇતિહાસનો સૌથી મોટો ચુકાદો

ઉલ્લેખનીય છે કે, 26 જુલાઈ 2008ના રોજ અમદાવાદ શહેરના 20 અલગ-અલગ સ્થળોએ થયેલા 21 સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં 56 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ કેસમાં વર્ષ 2022માં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે એકસાથે 38 આરોપીઓને ફાંસીની સજા ફટકારી હતી, જે દેશના ન્યાયિક ઇતિહાસમાં સૌથી મોટો ચુકાદો માનવામાં આવ્યો હતો. આ કેસમાં કુલ 78 આરોપીઓ સામે ટ્રાયલ ચલાવવામાં આવી હતી, જેમાંથી સેશન્સ કોર્ટે 49 આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા અને 29 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ મુક્ત કર્યા હતા.
 

ઇજાગ્રસ્તોને વળતર ચૂકવવાનો આદેશ: માર્ચ 2027 સુધીની સમયમર્યાદા

ગુજરાત હાઇકોર્ટે સજા યથાવત રાખવાની સાથે પીડિતો માટે વળતરની પણ જાહેરાત કરી છે. કોર્ટે પોતાના ચુકાદામાં આદેશ આપ્યો છે કે આ બ્લાસ્ટમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા લોકોને 5 લાખ રૂપિયા અને સામાન્ય ઇજાગ્રસ્ત થયેલા લોકોને 1 લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે. આ વળતરની રકમ ચૂકવવા માટે હાઇકોર્ટે 31 માર્ચ, 2027 સુધીની સમયમર્યાદા નક્કી કરી છે.

હાઇકોર્ટના ચુકાદા બાદ હવે દોષિતો પાસે સુપ્રીમ કોર્ટનો છેલ્લો વિકલ્પ

ટ્રાયલ કોર્ટના ચુકાદા બાદ રાજ્ય સરકારે ફાંસીની સજાની પુષ્ટિ માટે હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા, જ્યારે સામે પક્ષે દોષિતોએ પણ અપીલ કરી હતી. હવે ગુજરાત હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટના નિર્ણય પર મહોર લગાવી દીધા બાદ, કાનૂની પ્રક્રિયાના ભાગરૂપે દોષિતો પાસે દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો છેલ્લો વિકલ્પ ઉપલબ્ધ રહેશે. જો દોષિતો ત્યાં અરજી કરશે તો આ કેસની આગામી સુનાવણી સુપ્રીમ કોર્ટમાં હાથ ધરવામાં આવશે.
About Writer
Gujarati portal head, Writer.... બધા વાંચો