સંબંધિત સમાચાર
- મુંબઈમાં વરસાદથી તબાહી! કર્જત-લોનાવાલા રેલ રૂટ પર ભૂસ્ખલન, 146 ટ્રેનો પ્રભાવિત; ટ્રેક ક્લિયરન્સનું કામ ચાલુ
- જમ્મુ-કાશ્મીર: કિશ્તવાડ અને ડોડા જીલ્લામાં આભ ફાટ્યું; પૂર અને ભૂસ્ખલનથી અનેક વાહનો કીચડમાં ગરકાવ, Video
- હવામાન વિભાગની મોટી આગાહી: દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ, ઉકાઈ ડેમમાં પાણીની બંપર આવક, ભારે વરસાદના પગલે અમરેલીના 5 તાલુકામાં શાળાઓમાં રજા
- દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત 13 રાજ્યોમાં આજે વાવાઝોડા અને વરસાદ તબાહી મચાવશે; IMD એ ચેતવણી જારી કરી છે
- ભુવનેશ્વરમાં ભારે વરસાદને કારણે એક યુવાન નાળામાં તણાઈ ગયો; 20 કલાકથી વધુ સમય પછી પણ કોઈ પત્તો લાગ્યો નથી.
Surat Rain Photos - ગુજરાત પર મેઘમહેર: શેત્રુંજી અને ડોસવાડા ડેમ ઓવરફ્લો, સુરતમાં શાળાઓ બંધ અને વાપીમાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ, જુઓ Video
surat rain
ગુજરાતમાં મેઘરાજ જોરદાર બેટિંગ કરી રહ્યા છે, જેના કારણે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 225 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ ભારે વરસાદના લીધે અનેક જિલ્લાઓમાં જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે. ક્યાંક ડેમ ઓવરફ્લો થયા છે તો ક્યાંક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે, જ્યારે રેલવે સેવાઓ પર પણ તેની માઠી અસર જોવા મળી છે. પરિસ્થિતિને જોતા તંત્ર દ્વારા અનેક ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
surat rain
ભાવનગરમાં શેત્રુંજી ડેમ ઓવરફ્લો: 17 ગામોને સાવચેત રહેવા સૂચના
ભારે વરસાદના કારણે ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે. વહેલી સવારે ડેમના 59 દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા, જેના કારણે ડેમમાંથી 9 હજાર 440 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને પાલીતાણા તાલુકાના 5 ગામો અને તળાજા તાલુકાના 12 ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. તંત્રએ લોકોને નદી અને નીચાણવાળા વિસ્તારોની નજીક ન જવા અપીલ કરી છે.
surat rain
તાપીનો ડોસવાડા વિયર ડેમ ઓવરફ્લો: નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ
તાપીના સોનગઢમાં આવેલો ડોસવાડા વિયર ડેમ પણ ભારે વરસાદના પગલે ઓવરફ્લો થયો છે. હાલમાં આ ડેમ ઉપરથી 2.4 સેમી પાણી વહી રહ્યું છે, જ્યારે ડેમમાંથી 57.91 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા 17 ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સ્થાનિક વહીવટી તંત્રએ લોકોને સાવચેતી રાખવા અને નદીના પટમાં ન જવા માટે ખાસ અપીલ કરી છે.
સુરતમાં ભારે વરસાદના પગલે શાળાઓમાં રજા અને રેસ્ક્યૂ કામગીરી
સુરત શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં રજા જાહેર કરવાની સત્તા સંબંધિત શાળાના આચાર્યોને સોંપાઈ છે. વરસાદના કારણે અનેક શાળાઓ બહાર પાણી ભરાઈ ગયા હતા, જેથી કેટલીક જગ્યાએ ફાયર વિભાગની મદદથી વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે રેસ્ક્યૂ કામગીરી કરવી પડી હતી. હવામાન વિભાગે આજે પણ સુરત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
surat rain
અમરેલીમાં પૂરમાં બાઈક તણાયું અને રેલવે ટ્રેક પર પાણી ભરાતા ટ્રેન સેવા રદ
અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે ધજડી ગામમાં ઉપરવાસના પાણીના પૂરમાં એક બાઈક તણાઈ જવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જોકે સ્થાનિક લોકોએ બાઈક બહાર કાઢી લીધું હતું અને ચાલકનો આબાદ બચાવ થયો હતો. બીજી તરફ લીલીયાના હરિપર ગામે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જતાં પીપાવાવથી મહુવા જતી ટ્રેન રદ કરવામાં આવી છે. રેલવે તંત્રના જણાવ્યા અનુસાર ટ્રેક પરથી પાણી ઓસર્યા બાદ આ ટ્રેન સેવા ફરી શરૂ કરવામાં આવશે.
Lal Darwaja #Surat #Monsoon #Rain pic.twitter.com/cZoKNVMTn3
— Manish Kapadiya ???????? (@manishkapadiya) July 7, 2026
ભરૂચ અને નવસારીમાં મેઘરાજાનો કહેર યથાવત: નદીઓના જળસ્તરમાં વધારો
ભરૂચ જિલ્લાના શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા અનેક રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેથી તંત્રએ લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરી છે. બીજી તરફ નવસારી જિલ્લામાં સતત છઠ્ઠા દિવસે પણ સાર્વત્રિક વરસાદ યથાવત રહ્યો છે. ખેરગામમાં છેલ્લા 24 કલાક દરમિયાન 5 ઇંચ વરસાદ નોંધાતા સ્થાનિક નદીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે.
વાપીમાં સૌથી વધુ 8.58 ઇંચ વરસાદ: હવામાન વિભાગની આગામી દિવસોમાં આગાહી
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વાપીમાં 8.58 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કામરેજમાં 6.46 ઇંચ, પારડીમાં 6.34 ઇંચ, ઉમરગામમાં 6.26 ઇંચ, કપરાડામાં 5.79 ઇંચ, સુરત શહેરમાં 5.39 ઇંચ અને વલસાડમાં 5.28 ઇંચ વરસાદ પડ્યો છે. તેમજ લાઠી, ભાવનગર, સિહોર, બાબરા, અમરેલી અને રાધનપુરમાં પણ 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી હોવાથી તંત્ર દ્વારા લોકોને સતર્ક રહેવા જણાવાયું છે.
