ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે 'જંગ': હવે ભાજપના પૂર્ણેશ મોદીને ટક્કર આપવા કોંગ્રેસના શૈલેષ પરમાર મેદાનમાં
Gujarat Assembly Deputy Speaker Election
ગુજરાત વિધાનસભામાં લાંબા સમય બાદ ઉપાધ્યક્ષ પદ માટે ચૂંટણીના મંડાણ થયા છે. 16 ફેબ્રુઆરીએ યોજાનારી આ ચૂંટણી માટે રાજકીય પારો ગરમાયો છે. સામાન્ય રીતે આ પદ બિનહરીફ પસંદગી પામતુ હતુ, પરંતુ આ વખતે કોંગ્રેસે પણ પોતાના ઉમેદવાર મેદાનમાં ઉતારતા હવે વિધાનસભાના ગૃહમાં મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ચૂંટણીનું પૃષ્ઠભૂમિ અને નોટિફિકેશન
વિધાનસભા સચિવાલય દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર નોટિફિકેશન મુજબ, આજે 13 ફેબ્રુઆરીના રોજ બપોરે 12 વાગ્યા સુધી ફોર્મ ભરવાની મુદત હતી. આ પદ ડિસેમ્બર 2025 થી ખાલી હતું, જ્યારે તત્કાલીન ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે અંગત કારણો અને અન્ય સામાજિક જવાબદારીઓનું કારણ આપી રાજીનામું સુપરત કર્યું હતું.
ભાજપે પૂર્ણેશ મોદી પર કેમ પસંદગી ઉતારી?
સત્તાધારી પક્ષ ભાજપે સુરત પશ્ચિમના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીના નામ પર મહોર મારી છે. જેના મુખ્ય કારણોમાં તેઓ રાજ્ય મંત્રીમંડળમાં અને સંગઠનમાં દક્ષિણ ગુજરાતનું મહત્વ વધારવા માટે આ નિર્ણય લેવાયો હોવાનું મનાય છે. પૂર્ણેશ મોદી એક મજબૂત OBC નેતા તરીકેની છબી ધરાવે છે, જે આવનારી અન્ય સ્થાનિક ચૂંટણીઓમાં ભાજપને ફાયદો કરાવી શકે છે. આ ઉપરાંત તેઓ અગાઉ કેબિનેટ મંત્રી તરીકે રહી ચૂક્યા છે અને કાયદાકીય બાબતોમાં પણ તેમની પકડ સારી છે.પૂર્ણેશ મોદીએ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સંસદીય કાર્ય મંત્રી ઋષિકેશ પટેલ અને અન્ય વરિષ્ઠ મંત્રીઓની હાજરીમાં વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
કોંગ્રેસનો પડકાર: શૈલેષ પરમાર મેદાનમાં
વિરોધ પક્ષ કોંગ્રેસે પરંપરાગત રીતે ઉપાધ્યક્ષ પદ વિપક્ષને મળવું જોઈએ તેવી માંગણી સાથે પોતાના અનુભવી નેતા શૈલેષ પરમારને ઉમેદવાર બનાવ્યા છે. શૈલેષ પરમાર કોંગ્રેસના સૌથી વરિષ્ઠ અને ગૃહની કામગીરીના જાણકાર ધારાસભ્યોમાંના એક છે. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે, વિધાનસભામાં વિપક્ષનો અવાજ બુલંદ રહે તે માટે તેઓ આ ચૂંટણી લડી રહ્યા છે. શૈલેષ પરમારના નામને વિપક્ષના અન્ય ધારાસભ્યોએ સમર્થન જાહેર કર્યો છે, જેના કારણે હવે 16 ફેબ્રુઆરીએ સત્તાવાર રીતે મતદાન થશે.
સંખ્યાબળનું ગણિત
જોકે, આંકડાકીય દ્રષ્ટિએ જોવામાં આવે તો ભાજપ પાસે 182 સભ્યોની વિધાનસભામાં ભારે બહુમતી છે. તેથી પૂર્ણેશ મોદીની જીત નિશ્ચિત મનાઈ રહી છે. તેમ છતાં, કોંગ્રેસના આ પગલાથી ભાજપની 'બિનહરીફ' પરંપરા જાળવવાની ગણતરીઓ પર પાણી ફરી વળ્યું છે.
હવે આગળ શું?
આજે ફોર્મની ચકાસણી પછી હવે વિધાનસભાના ગૃહમાં સવારે 10 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થશે અને તે જ દિવસે નવા ઉપાધ્યક્ષના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.